Entertainment

નામ ભલે રણવીર હોય, કામ તો જુદું જ કરવું

રણવીર નામનો જાણે રાફડો ફાટયો છે. કોઇ સીંઘ છે, કોઇ શોરી છે. તેઓ બધા એક સમયે છે પણ હા, રણવીર શોરી હીરોની પોઝીશન ધરાવતો નથી. હા, ‘એક છોટીસી લવસ્ટોરી’ તેની પહેલી ફિલ્મ હતી અને તેમાં તે મનીષા કોઇરાલાનો ફ્રેન્ડ હતો. પછીની ફિલ્મોમાં તે સહાયક પણ પ્રભાવક ભૂમિકામાં દેખાતો રહ્યો. ‘મિકસ્ડ ડબલ’માં તે કોંકણા સેન સાથે હીરો હતો પણ એ ફિલ્મમાં બે જોડી હતી. ધીરે ધીરે તેની ટેલેન્ટે તેને ખાસ બનાવ્યો. તેની મહત્તા મનોરંજક ફિલ્મોમાં પણ સ્થાપી શકયો. તેને હીરો તરીકે ય ફિલ્મો મળતી રહી પણ એ ફિલ્મો એવી નહોતી જે રણવીરને સલમાન કે અક્ષય બનાવી દે. ફકત અભિનયથી ફિલ્મોમાં સ્ટાર નથી બનાતું. રણવીર શોરી પાસે સ્ટાર જેવો લુક પણ નથી અને સ્ટારમાં હોવી જોઇએ એવી ટેલેન્ટ પણ નથી. હા, ‘એક થા ટાઇગર’, ‘હીરોઇન’, ‘સીંઘ ઇઝ કિંગ’, ‘હેપ્પી એન્ડિંગ’, ‘સોનચિરીયા’, ‘અંગ્રેજી મિડીયમ’ જેવી ફિલ્મો વડે તેણે પોતાને ફરી ફરી સાબિત કર્યો છે.

હમણાં તેની ‘૪૨૦ આઇપીસી’ ફિલ્મ રજૂ થઇ રહી છે. એ એક સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે. આખી ફિલ્મ પુરુષ અભિનેતાથી ભરપૂર છે. વિનય પાઠક, રણવીર શોરી, રોહન વિનોદ મહેરા, આરીફ ઝકરીયા, તેની વચ્ચે અલબત્ત ગુલ પનાગ છે. પણ આ ફિલ્મ જાણે ચરિત્ર અભિનેતાઓથી ચલાવવાનો પ્રયત્ન છે. બંસી કેશવાની (વિનય પાઠક) ચાટર્ડ એકાઉન્ટન્ટ છે. જેના કલાયન્ટમાં જાણીતા બિલ્ડરો અને ટોપ બ્યુરોક્રેટ છે. અને તેની બેન્ક ફ્રોડ અને ફોર્જરી માટે ધરપકડ થાય છે.

એ પોતાનો કેસ લડવા બીરબલ ચૌધરી (રોહન મહેરા) ને રોકે છે. રણવીર શોરી આ કેસમાં વધારે થ્રીલ ઊભું કરે છે. આ ફિલ્મમાં તે સાવક જમશેદજી નામનો પારસી બન્યો છે. રણવીર આ પ્રકારની ફિલ્મોમાં જાણે ગોઠવાય ગયો છે કારણકે ‘આર.કે. / આરકેય’ માં પણ મલ્લિકા શેરાવત કુબ્રાસૈત અને રજતકપૂર સાથે કામ કરે છે. એ ફિલ્મનો દિગ્દર્શક પણ રજત કપૂર જ છે. એ ફિલ્મ ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ ચુકી છે. અન્ય એક ફિલ્મ ‘મુંબઇકર’ છે જેમાં વિક્રાંત મેસી, વિજય સેથુપથી, સંજય મિશ્રા સાથે તે છે. આ ઉપરાંત તે ફરીવાર સલમાનખાન સાથે ‘ટાઇગર થ્રી’માં આવશે.

ટી.વી. પર તે ઘણું કામ કરી ચુકયો છે ને તેમાં હોસ્ટ અને પ્રેઝન્ટર તરીકે ય કામ કર્યું છે અને અભિનેતા તરીકે પણ. કે.ડી. શોરી નામના જાણીતા નિર્માતા – દિગ્દર્શકનો આ દિકરો પંજાબમાં જન્મ્યો છે પણ મુંબઇમાં ઉછર્યો છે. ‘ખોસલા કા ઘોસલા’, ‘સોન ચિરીયા’, ‘એક થા ટાઇગર’ અને ‘ભેજા ફ્રાય’ થી વધુ જાણીતો રહેલો રણવીર ફિલ્મોમાં એ રીતે કામ કરે છે જેમાં તેનું મહત્વ બને. માત્ર લોકપ્રિય ફિલ્મોમાં જગ્યા ઊભી કરવાનું તેનું લક્ષ્ય નથી. કોંકણા સેન સાથેના ૧૦ વર્ષના લગ્ન જીવન પછી વિત્યા બે વર્ષથી તે એકલો છે. •

Most Popular

To Top