Business

લાગણીઓ

પ્રસંગ એક : એક નાનકડો છ વર્ષનો છોકરો દિયાન, તેને  કૂતરાનાં ગલુડિયાંઓ બહુ ગમે; રસ્તામાં જ્યાં નાનાં ગલુડિયાંઓ જુએ કે તરત તેમની પાસે પહોંચી જાય. તેમને રમાડે, બિસ્કીટ ખવડાવે, પાણી આપે, મમ્મી પાસેથી દૂધ માંગી દૂધ પણ આપે અને ક્યારેક કોઈ ગંદા ગલુડિયાને ઉપાડીને ઘરે લાવી નવડાવે, પણ …..દીયાનની દાદીને ન ગમે. તેમને ડર લાગે કે ક્યાંક દિયાનને કોઈ ઇન્ફેકશન ન થઈ જાય કે કદાચ કોઈ ગલુડિયું કે તેમની માતા કૂતરી દિયાનને બચકું ન ભરી લે…તેઓ દિયાનને અટકાવવાની અને સમજાવવાની બહુ કોશિશ કરે, પણ દિયાન સમજે જ નહિ. ગલુડિયાંઓ જુએ અને તેમની સાથે રમવા લાગે અને ગલુડિયાંઓ પણ તેને કોઈ નુકસાન પહોંચાડયા વિના તેની લાગણીઓ સ્વીકારી તેની સાથે રમવા લાગે.

પ્રસંગ બે : બે મિત્રો રોમા અને નિશા, બન્ને વચ્ચે ગેરસમજણ થઈ અને ઝઘડો થયો.રોમાને માઠું લાગ્યું અને તેણે આટલાં વર્ષોની ફ્રેન્ડશીપ ભૂલીને નિશા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.નિશાએ તેની સાથે વાત કરવાના બહુ પ્રયત્નો કર્યા.તેને સમજાવવાની પણ અનેક રીતે કોશિશ કરી પણ રોમાનો ઈગો એટલો મોટો હતો કે તેને નિશાના બધા પ્રયત્નો અને કોશિશ પર ધ્યાન જ ન આપ્યું. તેણે નિશાની આટલાં વર્ષોની લાગણી પ્રેમ ભૂલીને તેના વાત કરવાના અને સમજાવટના દરેક પ્રયત્નોને  ગણકાર્યા નહિ અને તેની સાથે ખરાબ વર્તન ચાલુ જ રાખ્યું. એક નહિ અનેકવાર તેનું અપમાન કર્યું. ધીમે ધીમે નિશાના મનમાંથી લાગણીઓ સુકાતી ગઈ અને મિત્રતાના સંબંધ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

પ્રસંગ ત્રણ : પતિ અને પત્ની રાજ અને રીમા બન્ને વચ્ચે પ્રેમ ઘણો હતો.રાજ રીમાને પ્રેમ તો કરતો જ હતો સાથે સાથે દરેક બાબતમાં તેનો મત લેતો. એક દિવસ નવું ઘર લેવાની વાત નક્કી થઇ. રાજના માતા પિતાનો મત હતો કે એમાં રીમાની પસંદ શું પૂછવાની? તેને નવું ઘર મળે છે તે જ તેના માટે ઘણી મોટી વાત છે.પણ રાજની ઈચ્છા હતી કે નવું ઘર ક્યાં લેવું? કેવું લેવું? તે દરેક નિર્ણય રીમાને સાથે લઈને કરવામાં આવે.રાજે બધા નિર્ણયમાં રીમાને સાથે રાખી અને પોતાના પ્રેમ સાથે સાથે રીમા પ્રત્યેની આદર અને વિશ્વાસની લાગણી પણ વ્યક્ત કરી.રીમાના હ્રદયમાં પણ પોતાના પતિ માટેની પ્રેમની લાગણી વધુ મજબૂત બની.

ઉપર જણાવેલા ત્રણ પ્રસંગો વાતો કરે છે હૈયાની લાગણીઓની…આ મનની લાગણીઓ આપણા જીવનમાં બહુ મહત્ત્વની છે.લાગણીઓનું છોડની જેમ જતન કરવું પડે છે.લાગણીઓને તમે જાળવો અને બરાબર વ્યક્ત કરો તો તેનો પ્રતિભાવ મળે જ છે અને જ્યાં સાચો પ્રતિભાવ મળે ત્યાં લાગણીઓ વધતી રહે છે.જ્યાં લાગણીઓને અવગણવામાં આવે ત્યારે ધીમે ધીમે તે મરી જાય છે.જ્યાં સાચી લાગણી સાથે આદર ભળે ત્યારે લાગણીઓ વધુ ને વધુ મજબૂત બને છે.લાગણીઓ જાળવતા રહો અને લાગણીઓ વરસાવતા રહો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top