Columns

ચૂંટણી નજીક આવતાં અયોધ્યા પછી હવે શું મથુરાનો અને પછી કાશીનો વારો છે?

ભાજપને (BJP) રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ફળ્યો છે. ૧૯૮૪ માં લોકસભામાં ભાજપના બે સભ્યો હતા, તેમાંથી ૨૦૧૯ માં ૩૦૨ કરવામાં અયોધ્યા (Ayodhya) વિવાદનો બહુ મોટો ફાળો છે. ૧૯૯૦ ના દાયકામાં રામ જન્મભૂમિને મુક્ત કરવા માટેનું આંદોલન ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેમાં અયોધ્યા ઉપરાંત મથુરા અને કાશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પાછળથી અયોધ્યા પર ફોકસ વધારવા માટે મથુરાને અને કાશીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા હતા. હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલુ થઈ ગયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને અને ભાજપને ફરી મથુરા યાદ આવ્યું છે. તાજેતરના કિસાન આંદોલનને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ મતદારો ભાજપથી નારાજ થઈ ગયા છે, જેને કારણે ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Election) પરાજયનો ડર સતાવી રહ્યો છે. માટે ભાજપ હિન્દુ મતદારોને પાછા વાળવા મંદિરના મુદ્દાનો ઉપયોગ કરી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યે તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે ‘‘અયોધ્યામાં ભવ્ય મંદિર બંધાઇ રહ્યું છે. હવે મથુરા તૈયાર છે.’’આ ટ્વિટને કારણે શંકા ઊભી થઈ છે કે ભાજપ ચૂંટણીના મુદ્દા તરીકે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિનો વિવાદ ચગાવવા માગે છે. કેટલાંક હિન્દુ સંગઠનો તરફથી તો જાહેરાત કરી દેવામાં આવી હતી કે તેઓ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણ જ્યાં જન્મ્યા હતા તે જગ્યા પર બાળકૃષ્ણની મૂર્તિ પધરાવશે અને તેનો જલાભિષેક કરશે. આ જાહેરાત સાથે મથુરામાં વાતાવરણ તંગ થઈ ગયું હતું અને લશ્કરે ફ્લેગ માર્ચ પણ કરી હતી. હકીકતમાં મથુરામાં જે જગ્યા પર શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યાં આજે મસ્જિદ છે. મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી કહે છે કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહીઇદગાહ વચ્ચેનો વિવાદ ૧૯૬૮ માં હલ થઈ ગયો છે. વળી ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ મુજબ કોઈ ધાર્મિક સ્થળનો દરજ્જો બદલી શકાતો નથી. તેમ છતાં ભાજપના નેતાઓ આ કાયદો બદલવાનો આગ્રહ રાખી રહ્યા છે.

ભારતમાં મોગલ શાસન દરમિયાન વૈદિક અને જૈન ધર્મનાં આશરે ૩,૦૦૦ મંદિરો તોડીને તેને સ્થાને મસ્જિદો ઊભી કરી દેવામાં આવી હતી. તે પૈકી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના સ્થાન પર બાબરી મસ્જિદ, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના સ્થાન પર મસ્જિદ અને કાશીમાં શ્રી શંકર મહાદેવના જ્યોતિર્લિંગના સ્થાન પર જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુઓને સૌથી વધુ ખટકી રહી હતી. ૧૯૯૦ ના દાયકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બીજી સંસ્થાઓ દ્વારા શ્રી રામ જન્મભૂમિની મુક્તિ માટે આંદોલન ચાલુ કરવામાં આવ્યું ત્યારે પણ તેમના એજન્ડામાં કાશી અને મથુરા પણ હતાં.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિને મુક્ત કરાવવામાં સફળતા મળ્યા પછી હવે કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓના નિશાન પર કાશી અને મથુરા છે. આ બે સ્થાનોને મુક્ત કરાવવામાં ૧૯૯૧ નો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ નડે છે, જેમાં અયોધ્યાને બાદ કરતાં દેશનાં તમામ ધર્મસ્થાનોનો ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટનો દરજ્જો બદલી ન શકાય, તેવું ઠરાવવામાં આવ્યું હતું. આ કાયદો મોજૂદ છે તો પણ વારાણસીની કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્ત્વ ખાતા દ્વારા સર્વે કરાવવાનો આદેશ આપીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. મુસ્લિમ સંસ્થાઓ આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે.

ઇતિહાસ કહે છે કે ધર્મઝનૂની ઔરંગઝેબના આદેશથી ૧૬૬૯-૭૦ વચ્ચે શ્રીકૃષ્ણના જન્મસ્થાન પર ઊભેલું કેશવદેવ મંદિર તોડી પાડવાનો આદેશ કર્યો હતો. તેના સૈનિકો અડધું મંદિર તોડી પાડવામાં સફળ રહ્યા હતા. જે સ્થળ પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ હતી ત્યાં મુસ્લિમો દ્વારા ઇદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્મસ્થાનની ૧૩.૩૭ એકર જમીન અત્યારે મુસ્લિમોના વક્ફ બોર્ડના કબજામાં છે. ૧૯૬૮ ની ૧૨ મી ઓક્ટોબરે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે એક સમાધાન કરવામાં આવ્યું હતું; જેમાં કેશવદેવ મંદિર પરના મુસ્લિમોના કબજાને માન્ય કરવામાં આવ્યો હતો.

હવે મથુરાની સિવિલ કોર્ટમાં વિષ્ણુ જૈન દ્વારા વિરાજમાન બાલ શ્રી કૃષ્ણ ભગવાનના નામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૬૮ નું સમાધાન દગાથી કરવામાં આવ્યું હોવાથી ફોક કરવામાં આવે. તેમાં માગણી કરવામાં આવી છે કે શ્રી કૃષ્ણ જન્મસ્થાનની ઇંચે ઇંચ જમીન હિન્દુઓને અર્પણ કરવામાં આવે, જેના પર તેઓ ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવી શકે. મથુરાની કોર્ટ દ્વારા ૨૦૨૦ ના સપ્ટેમ્બરમાં આ પ્રકારની પિટીશન નકારી કાઢતાં દલીલ કરવામાં આવી હતી કે ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ મુજબ મંજૂરી આપી શકાય તેમ નથી. તેમ છતાં બીજી પિટીશન દાખલ કરવામાં આવી હતી.

મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાનની કથા અને અયોધ્યાના રામમંદિરની કથા વચ્ચે ઘણો તફાવત છે. ઇતિહાસ કહે છે કે શ્રી કૃષ્ણ જન્મસ્થાનનો કબજો ૧૭૭૦ સુધી મુસ્લિમોના હાથમાં રહ્યો હતો. ત્યાર પછી મરાઠાઓ દ્વારા મથુરા જીતી લેવામાં આવ્યું હતું. મરાઠાઓ દ્વારા મસ્જિદ તોડીને ત્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ૧૮૦૩ માં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓને હરાવીને મથુરાનો કબજો લીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા મથુરાની ૧૩.૩૭ એકર જમીનનું લિલામ કરવામાં આવ્યું હતું. ૧૮૧૫ માં વારાણસીના રાજા પત્ની માલે આ જમીન ખરીદી લીધી હતી. દરમિયાન મથુરામાં મુસ્લિમોનું જોર વધતાં તેમણે ત્યાં મસ્જિદ બાંધી કાઢી હતી. આ મસ્જિદ મંદિરની જમીન પર બંધાઈ હોવાથી કોઈ મુસ્લિમો ત્યાં નમાઝ પઢવા જતા નથી.

૧૯૪૪ માં રાજા પત્ની માલના વારસદારો દ્વારા શ્રી કૃષ્ણ જન્મભૂમિની જમીન હિન્દુ મહાસભાના નેતાઓ મદનમોહન માવલીયા, ગોસ્વામી ગણેશ દત્ત અને ભીકેન લાલજી આત્રેયને ૧૩,૪૦૦ રૂપિયામાં વેચવામાં આવી હતી. આ રૂપિયા બિરલા પરિવારના જુગલકિશોર બિરલા દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. તેમની ઇચ્છા તે જમીન પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવાની હતી. ૧૯૫૧ માં બિરલાએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવ્યું હતું. તેમની યોજના મસ્જિદની જમીન પર મંદિર બનાવવાની હતી, પણ તેઓ સફળ થયા નહોતા. ૧૯૫૮ માં તેમનું ટ્રસ્ટ કામ કરતું બંધ થઈ ગયું હતું.

૧૯૫૮ માં તેના સ્થાને શ્રી કૃષ્ણ જન્મ સેવા સંઘ નામનું બીજું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. તેણે કોર્ટમાં મંદિરની જમીન માટે દાવો કર્યો હતો. ૧૯૬૮ માં તેણે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં વિવાદિત જમીનને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. અમુક ભાગ હિન્દુઓના હાથમાં રહ્યો હતો; જ્યારે અમુક ભાગ મુસ્લિમોના હાથમાં રહ્યો હતો. બંને પક્ષે સ્વીકાર્યું હતું કે તેમણે એકબીજાની જમીન પર અતિક્રમણ કરવું નહીં. આ સમાધાન સામે હવે હિન્દુઓ સવાલ ઉઠાવી રહ્યા છે.

અયોધ્યા અને મથુરા વચ્ચે ફરક એટલો છે કે બાબરી મસ્જિદ આશરે ૪૦૦ વર્ષ પુરાણી હતી, જ્યારે મથુરાની મસ્જિદ આશરે ૧૦૦ વર્ષ જેટલી પુરાણી જ છે. મથુરાની વિવાદિત જમીનની માલિકી હિન્દુ ટ્રસ્ટ પાસે છે, પણ તેનો આંશિક કબજો મુસ્લિમો પાસે છે. જો મુસ્લિમો લાંબી લડાઈ લડવાને બદલે તેનો કબજો હિન્દુઓને સોંપી દે તો વિવાદનો અંત આવી જાય છે. તેને બદલે તેઓ અયોધ્યાની જેમ પ્રતિકાર કરશે તો ભાજપને હિન્દુઓને ઉશ્કેરવાની તક મળી જશે. હિન્દુ અને મુસ્લિમ કોમના ડાહ્યા નેતાઓએ વચ્ચે પડીને આ વિવાદનો હલ શોધી કાઢવો જોઈએ.     
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top