આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખાસ કરીને ચૂંટણીમાં વિવિધ સમાચાર પર ધ્યાન રાખવા બનાવવામાં આવેલા ઇએમએમસી સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેની જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ. ગઢવીએ શુક્રવારના રોજ મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા વિધાનસભાની બેઠક માટે બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરના રોજ મતદાન થશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનુ ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે સમાચારના વિવિધ માધ્યમો પર નજર રાખવા માટે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થયાની સાથે જ આણંદ કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર (ઇએમએમસી) કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં સમાચારોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
આણંદ કલેક્ટરાલય ખાતે ઊભા કરવામાં આવેલા આ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીએ મુલાકાત લઈ તેની કાર્યપદ્ધતિનું જાત નિરીક્ષણ કર્યુ હતું. તેમણે આ સેન્ટર ખાતે ઊભા કરવામાં આવેલા જિલ્લાની ચૂંટણી સંદર્ભની વિવિધ માહિતીને દર્શાવતાં સ્ટેન્ડીના કાર્યને બિરદાવી આ માહિતીસભર સેન્ટર મીડિયાના મિત્રો માટે ઉપયોગી બની રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આ તકે આ સેન્ટર મારફતે થઈ રહેલી ન્યુઝ અંગેની સમયસર અને સમુચિત કામગીરીથી વાકેફ બની ઇએમએમસીના મિત્રો દ્વારા કરવામાં આવી રહેલી મીડિયા મોનિટરીંગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.