SURAT

લગ્નની ખરીદી માટે નીકળેલા દંપતીને વરિયાવ ગામ પાસે ટેન્કરે અડફેટે લઈ 70 ફૂટ સુધી ઘસડ્યું, સ્થળ પર જ મોત

સુરત: સુરતના વરિયાવ-ઉતરાણ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. બાઈક પર જતા દંપતીને ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારી 60થી 70 ફૂટ ઢસડ્યા હતા. આ અકસ્માતમાં દંપતીની 5 વર્ષની બાળકીને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત કર્યા બાદ ટેન્કર ચાલક ભાગવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો.

  • સુરતના વરિયાવ-ઉતરાણ રોડ પર કોરિવાડ ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત
  • ગોથાણ ગામના દંપતીને ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારી બાઈક 60 થી 70 ફૂટ ઢસડી
  • ડમ્પર નીચે કચડાઈ જતા દંપતીનું મોત નિપજ્યું, ઈજાગ્રસ્ત 5 વર્ષની બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ
  • અવારનવાર અકસ્માત થતાં હોઈ કોરીવાડના ગ્રામજનોએ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધની માંગ સાથે હોબાળો મચાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરિયાવથી ઉતરાણ તરફ જતા રસ્તા પર કોરીવાડ ગામની સીમ પાસે આજે બુધવારે ગંભીર અકસ્માત થયો હતો. ગોથાણ ગામમાં રહેતું દંપતી 5 વર્ષની બાળકી સાથે અહીંથી મોટર સાયકલ પર પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી ફૂલસ્પીડમાં એક ટેન્કર આવ્યું હતું અને પાછળથી બાઈકને ટક્કર મારી હતી. ટક્કર લાગતા બાઈક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક રસ્તા પર આડી થઈ ગઈ હતી. ટેન્કર ચાલકે બ્રેક નહીં મારતા ટેન્કરની આગળ ફસાયેલા બાઈક સાથે દંપતી અને તેમની 5 વર્ષની બાળકી 60થી 70 ફૂટ સુધી ઢસડાઈ હતી. આ અકસ્માતમાં પતિ પત્નીનું મોત નિપજ્યું હતું, જ્યારે 5 વર્ષની બાળકી ગંભીર છે. બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે. ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

કોરીવાડ ગામના લોકોએ લાકડા મુકી રસ્તો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો
ટેન્કરનો ચાલક ભાગવાની ફિરાકમાં હતો પરંતુ કોરીવાડ ગામના લોકોએ તેને પકડીને ઢોલઢપાટ કરી હતી. કોરીવાડ ગામની સીમમાંથી ભારે વાહનો પસાર થતાં હોવાના લીધે અવારનવાર અહીં અકસ્માત થતા હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને રસ્તા પર લાકડા મુકી રસ્તો રોકી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવાની માગ કરી હતી. ગ્રામજનોએ કહ્યું હતું કે ફૂલસ્પીડમાં ભારે વાહનોની 24 કલાક અવરજવર રહેતી હોવાના લીધે ગામના લોકો અકસ્માતના ભયના ઓથાર હેઠળ જીવે છે. કેટલાંક ગ્રામજનોએ અક્સમાતની ઘટના બાદ રસ્તો બંધ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top