SURAT

મોપેડ નીચે બેઠેલા કુતરાને મારી ગુણમાં પેક કરી સોસાયટીની બહાર ફેંકી દીધું, સુરતમાં મૂક પશુ પર ક્રુરતા

સુરત: (Surat) શહેરના રાંદેર ઉગત રોડ પર પ્રભુદર્શન સોસાયટીમાં મોપેડ નીચે બેઠેલા કુતરાને (Dog) માર મારી ગુણમાં પેક કરીને સોસાયટીની બહાર ફેંકતો વિડીયો વાયરલ (Viral Video) થયો હતો. વિડીયોના આધારે તપાસ કરી પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પાર્લે પોઈન્ટ ખાતે પ્રાર્થના એપાર્ટમેન્ટમાં રહેતા 21 વર્ષીય તીર્થ યોગેશભાઈ શેઠ તેલનો વેપાર કરે છે. તીર્થ વાઈલ્ડ લાઈફ (Wild Life) ક્રાઈમ કંટ્રોલ (Crime Control) બ્યુરોના સભ્ય છે. ગઈકાલે બપોરે તીર્થે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વિડીયો જોયો હતો. જેમાં એક વ્યક્તિ કુતરાને લાકડી વડે ફટકા મારે છે. કુતરાને પ્લાસ્ટીકની મોટી ગુણમાં પેક કરી સોસાયટીના ગેટની બહાર મુકી આવ્યો હતો. વિડીયોની નીચે પ્રભુદર્શન સોસાયટી લખ્યું હતું. જેના આધારે સુરત જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિનો સંપર્ક કરી તપાસ કરી હતી.

ઉગત કેનાલ રોડ પર આ પ્રભુદર્શન સોસાયટી આવેલી છે. સોસાયટીમાં ઘર નંબર એ/104 ની સામે રોડ પર લોહીના ડાઘા હતા. તપાસ કરતા માલૂમ પડ્યુ હતું કે, ભરતભાઈ દેસાઈએ કુતરાને એક્ટીવા મોપેડ નીચે બેસેલું હતું તે વખતે લાકડી વડે ક્રુરતાથી ફટકા માર્યા હતા. અને ગુણમાં પેક કરી ગેટની બહાર ફેંકી આવ્યા હતા. આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

અગાઉ પણ કૂતરા પર હિંસક હુમલા થયા છે

આ અગાઉ અડાજણમની સોસાયટીમાં કૂતરાનું ગળું દબાવી હત્યા કરવાનો બનવા બન્યો હતો. તે પહેલાં ઉત્રાણ ખાતે દેવીકૃપા સોસાયટી પાસે હળપતિવાસમાં રહેતા સંજયભાઈ સુખાભાઇ રાઠોડ ગત 3 જૂનની રાત્રે ઘર બહાર ઓટલા ઉપર સૂતેલો હતો. ત્યારે એક કૂતરું ઉંદરની પાછળ દોડતાં દોડતાં તેના ગળા ઉપરથી દોડી ગયું હતું. ત્યારે કૂતરાના પગના નખ તેના ગળાના ભાગે વાગ્યા હતા. કૂતરાના નખ વાગતાં ગુસ્સે ભરાયેલા સંજયે બીજા દિવસે સવારે કૂતરું બેઠું હતું ત્યારે કુહાડી વડે ઘા માર્યો હતો.

અંકલેશ્વરમાં કૂતરાને ઝેર અપાયું હતું

અંકલેશ્વરના કાઝી બજારમાં અજાણ્યા ઇસમો દ્વારા કોઇ કારણોસર ખાવાનું આપવાના બહાને તેમાં ઝેર ભેળવાતાં બે શ્વાનનાં બચ્ચાંનાં મોત નીપજતાં શ્વાનપ્રેમીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

Most Popular

To Top