હિન્દુ ધર્મમાં આમ તો ઘણા તહેવારો વિવિધ રીતે ઉજવાય. ઉત્સાહ, ઉમંગ, અનેરો આનંદ દિવાળીના દિવસો દરમ્યાન સમાજને ડોલાવી મૂકે. સફાઇ ઘરની શરૂ કરી વિવિધ વાનગીઓ હવે ઘરમાં ઓછી તૈયાર થાય! બજારની ખરીદી વધુ. પછી માવામાં ગમે તેવી ગમે તેટલી ભેળસેળ કેમ ન હોય, તમે માનો છો મીઠાઇ પરનો વરખ શુદ્ધ ચાંદીનો હોય? ચાંદી -માવાનો ભાવ જોતાં અસંભવ. દિવાળી તડાકો હોટલોમાં પડે, ખરીદી સુદ્ધાં. હવે બે વિભાગમાં દિવાળી વહેંચાઈ ગઇ હોય એમ અનુભવાય. ગ્રામ્ય દિવાળીએ હજી ઓળખ જાળવી, સાચવી રાખી છે. દિવેલનાં કોડિયાં સંધ્યાકાળ થતાં હરોળમાં આંગણે પ્રકાશ ફેલાવે. સાવ નિર્દોષ. સાથિયા પુરણી એકબીજાની હરીફાઇ કરે. જે મીંડાં મૂકીને દોરાતા આંગણે આંગણે શોભતા. મુલાયમ માટી સમા ત્યાંની પ્રજાનાં દિલ મ્હેંકે, એમનો ભાવ સ્વભાવ આગ્રહ જુદા જ તરી આવે. શહેરી સમાજમાં ઘણું મોટું પરિવર્તન સ્પર્શી ગયું. ચોરે ચૌટે કીડિયારું ઊભરાય. બજાર દિવાળીની મીઠાઇઓ-ઘારી-ઘુઘરા, થાપડાં, મઠિયાથી છલકાય. પત્ની સુધ્ધાં સર્વિસ કરતી હોય, સમયનો અભાવ તૈયાર ખરીદી માટે ફરજ પાડે. ગ્રીટીંગ્સ કાર્ડ ધીમે ધીમે અદૃશ્ય થતાં જાય છે. એની રોનક અજબ-ગજબની હતી. મોબાઇલની હાજરી ઘણી જૂની પ્રથાઓને હડલેસી ગઇ. એકબીજાને ઘેર જવા-આવવાની પ્રથા સુધ્ધાં મંદ પડતી દેખાય! એ મારે ત્યાં નથી આવ્યો, હું શું કામ જાઉં? વૃત્તિ જ પ્રવૃત્તિને અટકાવે. દુશ્મનને ત્યાં પણ સાલમુબારક કરવા જવું એ વિચાર લોપ થતો જાય છે. અમારા એક વડીલ દર બેસતા વર્ષે કહેતાં વરસ-વરસને ખાતું આવે છે. ખેર, વિક્રમ સંવત 2080 માટે સૌને શુભેચ્છા, ઇચ્છાઓની વસંતમાં.
સુરત – કુમુદભાઇ બક્ષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
યુવાનોમાં હાર્ટ એટેક, કોરોના રસી કેટલી જવાબદાર?
હમણાં હમણાં યુવાન વયે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાના કિસ્સા લગભગ દૈનિક ધોરણે વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતા રહે છે. ઘણાં એવું માને છે કે તેને માટે કોરોના સમયે જેમણે રસી લીધી છે તે રસી જવાબદાર છે. પણ સત્તાવાર રીતે આ વાતને રદિયો આપવામાં આવ્યો છે. બીજી બાજુ એવી સલાહ આપવામાં આવે છે કે જેમણે કોરોનાની સારવાર લીધી હોય તેમણે વધુ પરિશ્રમ કરવો નહીં. તો આનો અર્થ શું કરવો. જેમણે કોરોનાની સારવાર લીધી હોય તેવી વ્યક્તિ જો વઘુ પરિશ્રમ કરે તો તેને હાર્ટ એટેક આવવાની સંભાવના રહે તેવો અર્થ થાય, મતલબ આડકતરી રીતે એવું જણાવાય છે કે કોરોનાની રસી લેનારને માથે, જો ભૂલથી પણ વધુ પરિશ્રમ થઈ ગયો તો હાર્ટ એટેક આવવાની શક્યતા રહે.તો તેવા કિસ્સામાં કોરોનાની રસી જ જવાબદાર ગણાય એવું નથી લાગતું ?
સુરત – સુરેન્દ્ર દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.