ધરમપુર (Dharampur) તાલુકાના ફુલવાડી ગામે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના ખેતરોમાંથી (Farm) અવારનવાર પાણીની મોટરોની ચોરીના (Theft) બનાવો બનતાં સ્થાનિક લોકો ત્રાસી ગયા હતા. જેને લઈને વોચ ગોઠવીને ગ્રામજનોએ ચોરોને મેથીપાક ચખાડ્યો હતો. તેમનું માથે મુંડન (Shaving) કરાવી ઘર પાસે બાંધી દીધા હોવાની પણ વિગતો જાણવા મળી છે. જોકે આ મામલે સમાચાર લખાયા સુધી કોઈ પોલીસ ફરિયાદ કરાઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
- ધરમપુરના ફૂલવાડીમાં પાણીની મોટર ચોરવા આવનારાઓને ગ્રામજનોએ પકડી માથે મુંડન કરાવી દીધુ
- ખેતરોમાંથી પાણીની મોટરોની ચોરીના બનાવો બનતાં સ્થાનિકોએ વોચ ગોઠવી પાંચ ઈસમોને ઝડપી લીધા
- 5 પૈકી 3 ધામણીના તથા 2 મોટી વહીયાળ ગામના તસ્કરો
ગતરોજ રાત્રિ દરમ્યાન 3 થી 4 તસ્કર ચોરી કરવા માટે ફુલવાડી ગામે પાર નદી કિનારે આવ્યા હોવાની ગામજનોને બાતમી મળતાં ગામના માજી સરપંચ તથા આગેવાનોએ ગામમાં વોચ ગોઠવી હતી. પાર નદી કિનારે પાણીની 5 મોટર તથા વાયર ચોરી કરવાના ઈરાદે તસ્કરો આવતા ગામજનોએ ઘેરો ઘાલી ચાર થી પાંચ ઈસમોને ઝડપી લીધા હતા. તેમને મેથીપાક આપી ગામજનોએ ચોરી કરનારાઓને કયાં કયાં ચોરી કરી હતી એ પણ કબુલાવ્યું હતું. ગામના આગેવાનોને તસ્કરોએ પાણીની ચાર પાંચ જેટલી મોટરો ગામમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
બધી મોટરો ઉદવાડા અને ઉમરગામ ભંગારવાળાને વેચી હોવાનું બહાર આવતાં ગામના આગેવાનોએ દરેક ચોરને ગાડીમાં બેસાડી ઉદવાડા ખાતે લઈ ગયાં હતાં, પરંતુ ભંગારવાળો મળ્યો ન હતો. જોકે આ દરેક ચોર ચોરી કરવામાં માહિર હોય ગામના આગેવાનોએ તેમનું માથું મુડન કરાવી ઘર પાસે બાંધી મૂક્યા હતા. આ 5 ચોર પૈકી 3 ધામણીના તથા 2 મોટી વહીયાળ ગામના હોવાની માહિતી મળી હતી. આટલી મોટી ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.
વલસાડના સ્ટેશન રોડ પર વૃદ્ધાને છેતરી ગઠિયા ઘરેણાં ઉતરાવી ફરાર
વલસાડ : વલસાડમાં મંદિરે જતા વૃદ્ધાને છેતરી ઘરેણા ઉતરાવતી ગેંગ હવે થોડી મોડેસ ઓપરેન્ડી બદલી ગમે ત્યાં મહિલાને છેતરતા થઇ ગયા છે. આવી જ એક ટોળકીએ સ્ટેશન રોડ પર એક મહિલાને છેતરી બળજબરીથી તેના અંદાજીત 20 ગ્રામના સોનાના ઘરેણા ઉતરાવી લઇને ફરાર થઇ ગયા હતા. જેની ફરિયાદ મળતા સિટી પોલીસે સ્ટેશન રોડના વિવિધ સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પોલીસ વિભાગમાં જ સફાઇ કર્મચારી તરીકે નિવૃત્ત થયેલા સુધાનગર અબ્રામામાં રહેતા બાધુબેન કેશવભાઇ વાલોદરા બપોરે સ્ટેશન રોડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ આવેલા બે પુરુષ અને એક મહિલા તેમના ઘરેણા જોવા માંગતા હતા. તેમણે તેમને વાતમાં લઇ ઉડીપી સામેના રોડ પર આવેલા મૈત્રી હોલવાળા રસ્તે લઇ ગયા હતા. જ્યાં મહિલાએ તેમની પાસેથી બળબજરીથી કાનની બુટ્ટી અને વીંટી ઉતરાવી લીધા હતા. જેના પગલે બાધુબેને બૂમાબૂમ કરી મુકી હતી અને આ ઠગ ટોળકી ફરાર થઇ ગઇ હતી. બનાવ સંદર્ભે તેમણે પોલીસને જાણ કરતા પોલીસે સ્ટેશન રોડના સીસી ટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.