Madhya Gujarat

અમુલમાં સત્તાની ખેંચતાણ વચ્ચે વિકાસ રૂંધાયો!

આણંદ : આણંદ અમુલમાં છેલ્લા કેટલાક સમયથી વાઇસ ચેરમેન પદને લઇ ચાલી રહેલા સત્તાની ખેંચતાણના માઠા પરિણામ પશુપાલકોને ભોગવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે શનિવારના રોજ યોજાનારી ખાસ સાધારણ સભામાં દૂધની વધતી આવક સામે જરૂરી સંશાધનો ઉભા કરવા, તેના વેચાણને લઇ ચર્ચા હાથ ધરવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ બોર્ડ ઓફ નોમીનીઝના આદેશના પગલે આ સભા મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લટકી ગયો છે. આ ઉપરાંત દોઢ વર્ષથી સાધારણ સભા ન મળતાં અનેક કામો અટકી પડ્યાં છે. જેની સીધી અસર ડેરીના વિકાસ પર પડી છે. સરવાળે પશુપાલકોને શોષાવવું પડે તેવો ભય ઉભો થયો છે. આણંદ અમુલ ડેરીમાં સત્તાના રાજકારણમાં વિકાસ કામને પણ અસર પહોંચી છે. ડેરીના સભાસદ મંડળી દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવાની માગણી કરતાં 26મીને શનિવારના આયોજન કરાયું હતું. પરંતુ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના આદેશના પગલે આ સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી હતી.

હાલની પરીસ્થિતિ જોતા અમુલ ડેરીના અનેક વિકાસના કામો અટકી ગયા છે. આ ખાસ સાધારણ સભા અંગે દૂધ મંડળી દ્વારા જ રજુઆત કરવામાં આવી હતી. કારણ કે દિવસે દિવસે મંડળીમાં દૂધની આવક વધી રહી છે. જેના માટે અત્યારથી જ વિવિધ પ્લાન્ટની ક્ષમતા વધારવી જરૂરી બન્યું છે. ખાસ કરીને આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 200 મંડળીમાં બીએમસીની ક્ષમતા કરતાં વધુ દૂધ આવી રહ્યું છે, જો તેમના સીલીંગ યુનિટ બદલવામાં નહીં આવે તો હજારો લીટર વેડફાવાનો ભય ઉભો થયો છે.  આ ઉપરાંત ચોકલેટ અને ચીઝના ઉત્પાદન માટે માંગ વધી છે. જેના પ્લાન્ટની હાલની ક્ષમતા 1000 મેટ્રીક ટન ચોકલેટ અને 1200 મેટ્રીક ટન ચીઝની છે. જે બેગણી કરવી જરૂરી છે. છેલ્લા દોઢ વર્ષથી નિયામક મંડળની નિયુક્તિ થઇ નથી. આ મામલો હજુ કોર્ટમાં ચાલી
રહ્યો છે.

સાત લાખ પશુપાલકોને મળનારા વળતરમાં વિલંબ થઇ શકે છે
સંઘના સાત લાખ જેટલા દૂધ ઉત્પાદકોની રોજી રોટી પશુપાલનના ધંધા પર નભેલી છે. દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે વળતર ચુકવવાનું હોય છે, પરંતુ ખાસ સાધારણ સભા મુલત્વી રાખવાથી એજન્ડાનો નિકાલ ન થતાં, હવે તે અનિશ્ચિત છે. જેથી દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે મળનારા વળતરમાં વિલંબ થઇ શકે છે અને તેની માઠી અસર અમુલ ડેરી તેમજ દૂધ ઉત્પાદકોને થશે. ખાસ સાધારણ સભા મુલત્વી રાખવા જેવા નિર્ણય જોતા લાગે છે કે દૂધ ઉત્પાદકોનું ભવિષ્ય અંધકારમય બને તેવો ભય ઉભો થયો છે.

આમને આમ ચાલ્યું તો એક દિવસ ડેરી દૂધ ન પણ લઇ શકે
સંઘની દૂધ પ્રોસેસિંગ ક્ષમતા કરતાં વધુ દૂધની આવક થવાથી હાલ 10 લાખ લીટર દૂધ પ્રતિદિન બહાર મોકલી પાવડર બનાવડાવવામાં આવે છે. આથી યોગ્ય સમયે નિર્ણય લેવો જરૂરી છે, જો યોગ્ય સમયે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષ દરમિયાન મિલ્ક હોલી ડે રાખવાનો સમય આવી શકે છે. કારણ કે દૂધ પ્લાન બનાવતા દોઢથી બે વર્ષ લાગી છે. હાલ કોરોના બાદ યુવાનો પશુપાલકો તરફ વધ્યાં હોવાથી દૂધની આવકમાં ધરખમ વધારો થયો છે. જે હજુ 20 ટકા વધે તેવી શક્યતા છે. જો પ્રોસેસિંગ ક્ષમતા નહીં વધારવામાં આવે તો દૂધ સ્વીકારવાનું બંધ કરવું પડે તેવો ભય ઉભો થયો છે.

શા માટે પ્લાન્ટના વિસ્તરણની જરૂર છે ?
આણંદ અમુલ સંઘમાં આજે 35 લાખ લીટર દૂધ પ્રતિદિન આણંદ, ખેડા, મહિસાગર જિલ્લામાંથી સંપાદિત કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય બહાર 10 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે. આમ કુલ 50 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે. જોકે, દિવસે દિવસે દૂધની આવક વધી રહી છે. આગામી દિવસોમાં વધુ 20 ટકા દૂધ વધે તેવી શક્યતા છે. હાલમાં પણ સંપાદન દૂધને કેવી રીતે પ્રોસેસ કરવું તે યક્ષ પ્રશ્ન છે. આથી આગામી દિવસોમાં નવા પ્લાન્ટ ઉભા નહીં થાય તો દૂધ લેવાનું બંધ કરવું પડે તેવો ભય ઉભો થયો છે. જો આમ થાય તો ચરોતર પંથકમાં પશુપાલકોની સ્થિતિ કફોડી બની જાય.
જન્ડા અને ચર્ચા વિચારણામાં વિરોધાભાસ હતો
`આણંદ અમુલ ડેરી દ્વારા શનિવારે ખાસ સાધારણ સભાનું આયોજન કર્યું હતું. જેના એજન્ડા અને ચર્ચા વિચારણામાં વિરોધાભાસ હતો. આ અંગે દાદ માંગવામાં આવી હતી. હાલ હાઈકોર્ટમાં વાઇસ ચેરમેનનો મુદ્દો પેન્ડીંગ છે. આથી, નિયામક મંડળની બેઠક બોલાવી શકાતી નથી.’ – રાજેશ પાઠક, બાલાસિનોર.

Most Popular

To Top