surat : છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ( man darvaja ) ટેનામેન્ટના રહીશો આવાસો છોડી રહ્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320 આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા મનપા દ્વારા નોટિસો અપાયા બાદ પણ તેઓ ગાંઠતા નથી. રહીશોને સમજાવવા માટે સ્થાનિક ધારાસભ્યોએ પણ મીટીંગ કરી હતી અને મોટા ઉપાડે ધારાસભ્યોએ તેવી જાહેરાત પણ કરી દીધી હતી કે, માનદરવાજા ટેનામેન્ટના રહીશો વડોદ આવાસમાં શીફ્ટ થવા માટે સહમત થયા છે. પરંતુ માનદરવાજા ટેનામેન્ટના રહીશોએ વડોદ આવાસમાં શીફટ થવા માટે લિંબાયત ઝોન ઓફિસની મીટીંગમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ આજે ફરીવાર અસરગ્રસ્તો સાથે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ મીટીંગ કરી હતી તેમજ જ્યાં તેઓને હાલપુરતુ શીફટ કરવાની વાત છે તેવા વડોદ આવાસની વિઝિટ પણ કરાવી હતી પરંતુ તેઓએ પહેલા આવાસો રિપેરીંગ કરવાની માંગ કરી હતી અને ત્યારબાદ જ તેઓ શીફ્ટ થશે તેમ જણાવ્યું હતું.
વડોદ આવાસ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી અસરગ્રસ્તોએ શિફટીંગ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો ત્યારે શનિવારે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે મેયરના બંગલા પર મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારી, મનપા કમિશનર, ધારાસભ્ય અરવિંદ રાણા અને ટેનામેન્ટના 12 સભ્યોની બનેલી કમિટી વચ્ચે બેઠક થઇ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. તેઓએ માંગ કરી હતી કે, તેઓને આવાસ રીપેર કરીને આપો પછી જ તેઓ શીફ્ટ થશે. મનપાએ તેઓને જણાવ્યું હતું કે, પહેલા ડ્રો કરીને આવાસ ફાળવી દીધા પછી રિપેરીંગ કરાશે અને સંમતિપત્રક પર સહી કરવા જણાવ્યું હતું. પરંતુ આવાસ રિપેરીંગ કર્યા પછી શિફટીંગ કરવાની જીદ પકડી કમિટીએ સંમતિપત્રક ઉપર સહી કરી ન હતી અને આ કોકડુ ઉકેલાયું ન હતું.