સુરત : સંઘ પ્રદેશ દમણના (Daman) નાની દમણ દૂબઈ માર્કેટ (Dubai Market) સામે ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓનું (Imported Goods) વેચાણ કરતી મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન (Moon Star House Of Fashion) અને ફૂટવેરમાં શુક્રવારનાં રોજ મોડી સાંજે જી.એસ.ટી. (GST) વિભાગે સર્ચ ઓપરેશન (Raid) હાથ ધરવામાં આવ્યું હતું. બંને શો-રૂમમાંથી વિભાગની ટીમને આશરે 11 કરોડની કરચોરી (Tax Evasion) કરાઈ હોવાની શંકાએ શોરૂમ સંચાલકને નિયત સમય મર્યાદામાં બિલ અને અન્ય દસ્તાવેજો રજુ કરવા જણાવ્યું છે.
- મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશનમાંથી 10 કરોડથી વધુની વસ્તુઓ અને મેસર્સ મૂન સ્ટાર ફૂટવેરમાંથી 1.2 કરોડની વસ્તુઓના બીલ રજુ કરાયા નહીં
વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ મેસર્સ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન નાઝીમાં ઝહીર અબ્બાસ અને મેસર્સ મૂન સ્ટાર ફૂટવેરનાં માલિક ઝહીર અબ્બાસ ઈસ્માઈલ માંજરા છે. મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અનરજિસ્ટર એટલે કે અન્ય દુકાનમાંથી ધંધો કરે છે. જેની જી.એસ.ટી. નોંધણી પ્રમાણપત્રના વ્યવસાયના વધારાના સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું ન હતું. આજ મોડસ ઓપરેન્ડી મેસર્સ મૂન સ્ટાર ફૂટવેરમાં પણ અપનાવવામાં આવી હતી.
વિભાગની ટીમે મેસર્સ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન શોપમાંથી વેચાણમાં સામેલ કપડાં, કોસ્મેટિક વસ્તુઓ, ઘડિયાળો, રમકડાંઓ, બેગ, સન ગ્લાસ, ફૂટવેર વગેરેમાંથી 11465 વસ્તુઓ જેની અંદાજીત કિંમત 10 કરોડથી વધુ તથા મૂન સ્ટાર ફૂટવેરમાંથી 1.2 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 4689 વસ્તુઓના બિલ સંચાલકો રજૂ કરી શકયા નથી. એટલું જ નહીં પણ બ્રાન્ડેડ વસ્તુઓ જેવી કે, અત્તર, પરફ્યૂમ, ઘડિયાળો, બૂટ ચંપલ પણ બીલ વગરના હોવાનું અધિકારીઓના સામે આવ્યું હતુ. એટલું જ નહીં પણ શોપ સંચાલકો હિસાબની ચોપડીઓ પણ જાળવતા નહીં હોવાનું સામે આવતા જી.એસ.ટી.ની કલમ 35 ( 2017) નું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. જી.એસ.ટી. વિભાગે હાલ તો પેનલ્ટી અને વ્યાજ સહિતની ટેક્સ ડિમાન્ડ તૈયાર કરી ડીલરોને મોકલવાની તજવીજ હાથ ધરી છે. સાથે છેલ્લા 5 વર્ષમાં કેટલી કરચોરી કરી છે તેની ગણતરી કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સાથે બન્ને ડીલરોને હિસાબના ચોપડાઓ જમા કરાવવા સૂચન આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે દમણમાં સુરતીઓ ફરવા જાય ત્યારે મોટા ભાગે આ શો રૂમમાંથી ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓ ખરીદતા હોય છે. બિલ વિના સસ્તામાં ઈમ્પોર્ટેડ ચીજો મળતી હોય લોકો મોટી સંખ્યામાં અહીંથી ખરીદી કરતા હતા. મોટા ભાગે બિલ વિના જ આ ખરીદ-વેચાણ થતા હોય છે. જીએસટી વિભાગે દરોડા પાડીને 11 કરોડની કરચોરી પકડી લીધી છે.