સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી અને મસાટ પટેલાદ ગામની સરકારી ઔદ્યોગિક જમીન પર છેલ્લા ઘણા સમયથી અમુક લોકો દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી વિવિધ પ્રકારનાં બાંધકામ કર્યું હતું. જે અંગેની જાણ પ્રદેશના કલેક્ટર ગૌરવ રાજાવાતને થતાં આ અંગે કલેક્ટરએ મામલતદાર ટી.એસ. શર્માને જાણ કરી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને હટાવવા આદેશ કર્યો હતો. જેને પગલે મામલતદારના નેતૃત્વમાં એક ટીમે ઉપરોક્ત સ્થળ પર જઈને બુલ્ડોઝરની મદદથી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને હટાવવાની કાર્યવાહી કરી હતી.
સરકારી જમીન અને નહેર પર કરવામાં આવેલા અતિક્રમણ
જેમાં પ્રશાસનને બન્ને જગ્યાએથી 16 જેટલી નાની મોટી દુકાનો અને 8 ખાણીપીણીના ગેરકાયદે ઢાબાઓને બુલ્ડોઝર વડે તોડી દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી પ્રશાસન દ્વારા દાનહના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન અને નહેર પર કરવામાં આવેલા અતિક્રમણને હટાવવાની કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે પ્રશાસને પ્રદેશની જનતાને અપીલ કરી છે કે, જે કોઈએ પણ સરકારી જમીન પર દબાણ કર્યું હોઈ એઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી સરકારી જગ્યાને ખાલી કરે. અન્યથા પ્રશાસન આવા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ત્વરીત કરશે.
કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા સરકારના ‘લાખો પાણીમા
વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂ.90 લાખના ખર્ચે નિર્માણ કરાયેલો કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 9 વર્ષથી બંધ રહેતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે.મળતી વિગતો મુજબ વર્ષો અગાઉ વીજબીલ નહીં ભરાતા જોડાણ કપાતા છેલ્લાં 9 વર્ષથી કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા સરકારના પૈસા પાણીમાં ગયા છે, જ્યારે તાલુકાના ખેડૂતોને મળેલી સુવિધા બંધ થઈ છે. હાલે કોલ્ડ સ્ટોરેજ જર્જરિત હાલતમાં હોઈ લાખો રૂપિયાની મશીનરીઓ કાટ ખાઈ રહી છે. જોકે કોલ્ડ સ્ટોરેજને ફરી શરૂ કરાવવા સ્થાનિક લોકપ્રતિનિધિઓએ કોઈ નક્કર પ્રયાસો નહીં કરતા ખેડૂતોની સુવિધા માટે બનાવેલું કોલ્ડ સ્ટોરેજ જર્જરિત થઇ રહ્યું છે.
આદિવાસી ખેડૂતોને મળેલી સુવિધા છીનવાઈ જતા નુકશાન
આદિજાતિ વિભાગ ગાંધીનગર અને સંકલિત આદિવાસી વિકાસ યોજના અંતર્ગત નાનાપોંઢામાં રૂ.90 લાખના 75 મેટ્રિક ટનની કેપિસિટી ધરાવતા કોલ્ડ સ્ટોરેજનું ઉદ્યઘાટન રાજ્યના તત્કાલિન ગર્વનરના હસ્તે 2011માં કરાયું હતું. જેમાં પ્રિકુલિંગ ચેમ્બર, કુલિંગ ચેમ્બર, ગ્રેડિંગ, પેકીંગ વિભાગનો સમાવેશ થાય છે. અગાઉ ખેડૂતોએ સહ્યાદ્રી ખેડૂત વિકાસ મંડળી પણ બનાવી હતી. જેમાં 711 લાભાર્થીઓ જોડાયા હતા અને કોલ્ડ સ્ટોરેજનો લાભ લઇ રહ્યા હતા. જોકે કેટલાક કારણોસર કોલ્ડ સ્ટોરેજનું વીજબીલ રૂ.5 લાખથી વધી જતાં જોડાણ કપાઈ ગયા બાદ લોક પ્રતિનિધિઓની નિષ્ક્રીયતાને લઈ 2013થી કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા આદિવાસી ખેડૂતોને મળેલી સુવિધા છીનવાઈ જતા નુકશાન થઈ રહ્યું છે.