Gujarat

બિપોરજોય વાવાઝોડું આજે જખૌ બંદર પર ત્રાટકશે, માંડવીનો દરિયો ગાંડો થયો, વરસાદ શરૂ

ગાંધીનગર : અરબી સમુદ્રમાં (ArebianSea) આકાર પામેલું બિપોરજોય વાવાઝોડું (Biporjoy Storm) આજરોજ તા.15મી જૂનના સાંજ સુધીમાં પ્રતિ કલાકના 125, ત્યાંથી 135થી વધીને 150 કિમીની ઝડપે કચ્છના (Kutch) જખૌ (Jakhau) તથા માંડવી (Mandvi) બંદર વચ્ચે ટકરાઈને પસાર થશે, જેના પગલે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વિનાશ વેરે તેવી સંભાવના છે. જોકે બિપોરજોય વાવાઝોડની અસર કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ સહિત આઠ જિલ્લા પર થશે.

વાવાઝોડું જખૌથી માત્ર 180 કિ.મી. દૂર છે. હાલ પ્રતિ કલાક 6 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે. પવનની ગતિ ઘટી છે. તેમ છતાં તે આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી 125ની સ્પીડે પસાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે. દરમિયાન વાવાઝોડું નજીક આવતા માંડવીનો દરિયો ગાંડો થયો છે. 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે અને વરસાદ પણ વરસવા લાગ્યો છે. જામનગર, પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ છે.

બપોરના 4થી 8ની વચ્ચે વાવાઝોડું ટકરાશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપોરજોય વાવાઝોડું આવતીકાલ તા. 15મીના રોજ 4 થી 8 કલાકે સાંજે ટકરાઇ શકે છે. કચ્છના જખૌ તથા માંડવી વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મીની રહેવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થતા જ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કચ્છના મોટા અને નાના રણમાં પ્રચંડ આંધી પણ ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડુંથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી શકે છે.

દેશના 9 રાજ્યો પર સાયકલોનનું જોખમ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો સુપર સાયક્લોનનો ખતરો છે. આ 9 રાજ્યો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન (પશ્ચિમ) છે. જ્યારે બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાશે ત્યારે તે સમયે પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે. ભારતીય કોસ્ટ ગાર્ડના જવાન લોકોને એલર્ટ કરી રહ્યા છે. દરિયાકિનારા ખાલી કરાવવામાં આવ્યા હતા.

6 જૂને અરબી સમુદ્રમાં વાવાઝોડાની રચના થઈ હતી
દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 6 જૂનના રોજ તેની રચના થઈ ત્યારથી, બિપોરજોયે ઉત્તર તરફનો ટ્રેક જાળવી રાખ્યો હતો, જેણે તાકાત એકઠી કરી હતી અને 11 જૂનના રોજ અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બન્યું હતું, અને પછી એક દિવસ પછી તેની તીવ્રતા સહેજ ગુમાવી હતી. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે બિપોરજોય જખૌ બંદર નજીક ગુરુવારે સાંજે લેન્ડફોલ કરશે.

જો તમે તીવ્રતા પર નજર નાખો, તો બિપોરજોય થોડું વધુ નબળું પડ્યું છે. પરંતુ, તે હજી પણ એક ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે લેન્ડફોલ કરશે, જેમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ગુરુવારે સવારથી સાંજ સુધી 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, “મહાપાત્રાએ જણાવ્યું હતું.

વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં લેન્ડફોલ દરમિયાન ખગોળીય ભરતીથી 2-3 મીટરની ઉંચાઈએ વાવાઝોડાની લહેરો જોવા મળે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેવી શક્યતા છે. દક્ષિણ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના નકારી શકાય નહીં, એમ મહાપાત્રાએ જણાવ્યું હતું.

રાજ્યના 8 જિલ્લામાંથી 74 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ગાંધીનગર: અરબ સાગરમાં સર્જાયેલું બિપોરજૉય વાવાઝોડું તા. ૧૫મી જૂને સાંજ સુધીમાં કચ્છના જખૌ તથા માંડવી વચ્ચેથી ટકરાઈને પસાર થવાનું છે, ત્યારે તેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ચૂકયું છે. સૌરાષ્ટ્ર – કચ્છના માથે વાવાઝોડાનું મોટું સંકટ તોળાઈ રહ્યું ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડું ત્રાટકે ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છના ૮ જિલ્લાઓમાં ઓછામાં ઓછી જાનહિની અને નુકસાન થાય તેની પૂર્વતૈયારી જોવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠકોનો દોર યોજ્યો હતો.

રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક ડાયરેકટર સુશ્રી મનોરમા મોહંતીએ કહ્યું કે, સંભવત: તા. ૧પ જૂનના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે તેમ છે.

સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લાઓમાં NDRFની ૧૮, SDRFની ૧૨ ટીમ તહેનાત
સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા ૮ જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૨, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે.

આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે. આ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ૪ હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ૫૯૭ ટીમો તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલનો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે.


દરિયાકિનારાના જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જનરેટર સેટ અને આરોગ્ય વિષયક અન્ય જરૂરી સેવાઓ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ટ્રા સર્કલ પદ્ધતિ એટલે કે મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.

Most Popular

To Top