Vadodara

પરપ્રાંતિય ગેંગ ચોરીની કાર લઈને શહેરમાં ગુનાખોરી આચરતાં ઝડપાઈ

વડોદરા : અઠવાડીયા અગાઉ જે.પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા રૂ.2.85 લાખની મત્તાના ચોરીના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને કોયડો ઉકેલવામાં સફળતા મળી છે. ટીમે ચોરીને અંજામ આપનાર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. અને તે ગેંગ પૈકી બે જણાને ઉત્તરાખંડ રાજ્યના હરીદ્વાર ખાતેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી પાસેથી કાર, રોકડા વગેરે મળી કુલ રૂ.5.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સમગ્ર મામલે વિગત એવી છે કે, ગત તા.2ના રોજ શહેરના જે.પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ક્રિષીલ એપાર્ટમેન્ટ સનફાર્મા રોડના ફ્લેટમાં રૂ.2.85 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.બી.આલ સહિતની ટીમને આ ચોરીના બનાવમાં અંકીત કીરણપાસ સીંગ, સુકાન્ત મહેન્દ્ર અત્રી, વસીમ શરીફ તથા રાકેશ પ્રકાશસિંગ ચૌધરીની ગેંગની સંડોવણી હોવાની વિગતો મળી હતી. અને પ્રાથમિક તેઓ ઉત્તરપ્રદેશ તરફ હોવાની જાણ થઈ હતી. જેથી ટીમે ઉત્તરપ્રદેશ પહોંચી તપાસ કરતા ચોરી કરનારા ઈસમો ઉત્તરાખંડ હરીદ્વાર ગયા હાવોની વિગત મળી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક હરીદ્વાર પહોંચી હતી. અને ટુરીસ્ટ તરીકે સતત ફરતા રહી આ ચોરીમાં સંડોવાયેલા અંકીત કિરણપાલ સીંગ(રહે, ઉત્તરાખંડ) તથા રૂપસિંગ દરીયાવસિંગ જાટ(તેવટીયા)(રહે, ઉત્તરપ્રદેશ)ની માહિતી મળતા જ તેઓને પકડી પાડ્યા હતા. જ્યારે તપામાં જણવા મળ્યુ હતુ કે, રૂપસિંગે પોતાનો ફોટો સુકાન્ત મહેન્દ્રસિંહ અત્રી નામના વ્યક્તિના આધારકાર્ડમાં લગાવી વડોદરા આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે, તેઓ કાર લઈને વડોદરા આવી ચોરીને અંજામ આપવા રેકી કર્યા બાદ ચોરી કરી હતી. પોલીસે તેઓને વડોદરા લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ચોરી સાથે સંડોવાયેલા મહંમદ મોબીન સૈફિ ઉર્ફે વસીમ મહંમદ સબીર તથા રાકેશ પ્રકાશસિંગ ચૌધરી(બંને રહે,ઉત્તરપ્રદેશ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બે આરોપીઓ પાસેથી 11 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે
ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની પુછપરછ કરી તપાસ કરતા તેઓ પાસેથી 5 નંગ મોબાઈલ, અલગ અલગ કંપનીના 11 સિમકાર્ડ, લેપટોપ વગેરે મળી આવ્યુ હતું. સાથે જે તેઓ પાસેથી ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલી કાર પણ મળી આવી હતી. જેથી પોલીસે કુલ રૂ.5.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓએ વડોદરા, સુરત, હિંમતનગર ખાતે પણ ચોરીને અંજામ આપ્યો હતો
પકડાયેલા બંને આરોપીઓની તપાસમાં તેઓએ અગાઉ વડોદરા આજવા રોડ વિસ્તારમાં ATMમાંથી રૂપિયા કાઢ્તી મહિલાને અંકિત ચૌધરી તેના બે સાગરીતો સાથે મળી ચપ્પુ બતાવી પૈસાની લૂંટ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. સાથે જ તેઓએ વડોદરા ઉપરાંત સુરત, હિંમતનગર પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ તેઓ ATM માં લોકોની નજર ચુકવી ATM કાર્ડ બદલી રૂપિયા કાઢી લેવાની પ્રવૃતિ પણ કરતા હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top