Charchapatra

ક્રિકેટ – ‘ધ ગેમ ઓફ જેન્ટલમેન’હવે નથી રહી

ક્રિકેટ અને તેમાં પણ આઈપીએલ રોમાંચથી ભરપૂર. કરોડોની કમાણી કરી આપતી રમત. ગેમ, ગ્લેમર, ગેમ્બલ, એંગર , એબ્યુઝ(અપશબ્દો) અને એક્સાઈટમેન્ટથી ભરપૂર. આમ તો ક્રિકેટની રમત’ધ ગેમ ઓફ જેન્ટલમેન’ તરીકે ઓળખાય છે. (ઓળખાતી હતી, એમ કહેવામાં હવે વાંધો નથી) જ્યારથી ખેલાડીઓ આઈપીએલમાં રમતાં થયાં ત્યારથી રમત દૂષિત થવા માંડી.ખેલાડીઓ મેદાનમાં એટલી હદે નિમ્ન કક્ષાનું વર્તન કરવા માંડયા કે ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા વ્યાપી.કોઈ પણ ગેમ રમવાથી ખેલદિલીનો ગુણ વિકસે એવું કહેવું હવે હાસ્યાસ્પદ લાગે છે. આઈકોનીક ખેલાડીઓ, કોચ કે ટીમ સ્ટાફ જાહેરમાં બાખડે , ગાળો ભાંડે, મેદાન પર બેહૂદું વર્તન કરે, ઉશ્કેરણીજનક કોમેન્ટ કરે ત્યારે આ રમતવીરો ભૂલી જાય છે કે લાખો લોકો તમને આદર્શ માને છે, તમને ફોલો કરે છે. તેમનાં પર આની ખરાબ અસર પડે છે. આઈપીએલના હાલના વિવાદ પહેલાં પણ મેદાન પર આવી ઘટનાઓ ઘટી ચૂકી છે. મતલબ કોઈને હારવું નથી. હાર પચાવવાની માનસિકતા બદલાઈ ચૂકી છે. જીત… જીત… અને જીત! ખેલદિલીની ભાવના જાય….! ડ્રેસિંગ રૂમમાં આવી ઘટનાઓ આકાર લે તો ઠીક, પણ કરોડો લોકો તમને જોતાં હોય ત્યારે આવું વર્તન યોગ્ય નથી. કોમેન્ટેટર્સ અને જાહેરખબરો પણ રાયવરી,( rivalry) નોર્થ એન્ડ સાઉથ જેવા શબ્દપ્રયોગો કરીને પ્લેયર્સ અને ચાહકોને જીત માટે, રમત નિહાળવા માટે આડકતરી રીતે ઉશ્કેરે છે. સ્પર્ધા ભુલાઈ જાય છે અને દુશ્મનાવટ સ્થાન લે છે,જે રમત માટે જોખમી છે.ક્રિકેટ બોર્ડે કડક વલણ અપનાવીને આ દૂષણ ડામવું જરૂરી છે.
સુરત     – અરુણ પંડયા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ડીફોલ્ટસ વધશે કારણ વ્યાજ દરમાં વધારો
આજે દેશની દરેક બેન્કો આર્થિક રિકવરી સાથે ધિરાણ વધારવા અંગે નિરંતર સ્પર્ધા કરી રહી છે. આરબીઆઈએ સતત ચેતવણી આપી હોવા છતાં પણ બેન્કોના રીપોર્ટ આધારે સિકયોર્ડ લોનની સરખામણીમાં આજે અનસિકયોર્ડ લોનનું પ્રયત્ન સતત વધી રહ્યું જે બેન્કો અને સરકાર માટે સ્વભાવિક પણે ચિંતાનો વિષય છે. અનસિકયોર્ડ લોનમાં અધિકતમ વ્યક્તિગત લોન અને ક્રેડીટ કાર્ડનો સમાવેશ થાય છે કારણ કે તેની સામે કોઇ કોલેટરલ’નથી જે સંપૂર્ણ જોખમી છે. આપણી દેશની બેન્કો પ્રજાના ટેકસથી ચાલે છે અને વિશ્વમાં ભારત જ એવો લોકશાહી દેશ જયાં સરકાર પોતે પણ વ્યાવસાયિક ધોરણે બેન્કો ચલાવે છે. પરંતુ સંચાલનમાં તેનો અભાવ જોવા મળે છે. જેને પરિણામે જાહેર જનતાના નાણાં લેભાગુના હાથમાં સરકી જવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે અને નાણાંની વસુલાતમાં વિશેષ સફળતા મળતી ન હોવાથી જાહેર જનતાનાં નાણાંનું હિતનું ધ્યાન રાખીને અનસિકયોર્ડ લોન વધે નહીં તેનું ધ્યાન રાખવાનું ખૂબ જરૂરી છે.
સુરત     – રાજુ રાવલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top