Vadodara

સ્મશાનગૃહમાં બંધ પડેલી ગેસ ચિતા ચાલુ કરવા કોર્પોરેશનના પ્રયાસનો પ્રારંભ

વડોદરા: શહેર વિસ્તારમાં આવેલું જુના સમયનું રામનાથ સ્મશાન ગૃહ કે જ્યાં વર્ષોથી ગેસ ચિતા બંધ હાલતમાં છે, અને અવારનવાર ગેસ ચિતા ચાલુ કરવા રજૂઆતો કરવામાં આવી છે ,પરંતુ હવે તંત્ર જાગ્યું હોય તેમ આ ગેસ ચિતા ચાલુ થાય તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી હોય તેમ જણાય છે. સ્થાયી સમિતિના અધ્યક્ષે ગઈ સાંજે રામનાથ સ્મશાન ગૃહની વિઝીટ કરી હતી અને બાદમાં જણાવ્યું હતું કે ગેસ ચિતાનો બેઝ અને ચીમની નવેસરથી ઊંચી બનાવાશે. હાલ ચીમની ની ઊંચાઈ 25 થી 30 ફૂટની છે, તે 100 થી વધુ ઊંચી ફૂટ લઈ જવાશે, જેથી વિસ્તારમાં લોકોને ધુમાડાની સમસ્યા ન રહે ગેસ ચિતા શરૂ થાય તે માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડીને તે મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવશે.

દરમિયાન વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે જણાવ્યું હતું કે વર્ષોથી ગેસ ચિતા બંધ છે, અને રીપેરીંગ કરવાના બહાને ચિતા ખોલી હતી અને એ પછી કામ કર્યું જ નથી. આ મુદ્દે અવારનવાર પત્રો લખ્યા છે અને જનરલ બોર્ડમાં રજૂઆતો કરી છે. જનરલ બોર્ડના ઠરાવ મુજબ પૂરતા લાકડા પણ અપાતા નથી. તંત્ર ઠરાવ ઘોળીને પી ગયું છે. બાજુનું તળાવ સુંદર બનાવવાની વાત હતી, તેમાં કંઈ થયું નથી. સ્મશાન તરફ જતો રોડ પણ ખખડધજ હાલતમાં છે. આ રોડ સિમેન્ટ કોંકરેટનો બનાવવા વાયદા થાય છે, પણ રોડ ક્યારે બનશે? અહીં જે ઘાસનું વેચાણ થાય છે તેનાથી ઢોરની સમસ્યા વધુ થાય છે. સ્મશાન ગૃહમાં લાકડાના ધંધાર્થીઓની જાહેરાત મુકાઈ છે તે નિયમ મુજબ પણ થઈ શકે નહીં.

Most Popular

To Top