Top News

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 31,923 કેસ અને 282ના મોત

કોરોનાનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, તેમ છતાં આ બિમારી સાવ નાબૂદ થઈ ગઈ હોય તેવું નથી. સારા સમાચાર એ છે કે દેશમાં કોરોના પોઝીટીવના (Covid-19) એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 187 દિવસમાં આજે સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. જોકે, હજુ પણ દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ નિયમિતપણે બહાર આવી રહ્યાં છે. જે ચિંતાજનક છે. એ વાત જણાવી દઈએ કે, AIIMS ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ (AIIMS Director Dr. Randeep Guleria) બુધવારે જ કહ્યું છે કે, જો લોકો ભીડથી બચે તો કોરોનાની ત્રીજી લહેર (Corona Third wave) આવે તેવી કોઈ શક્યતા નથી.

આજે દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 31,923 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,35,63,421 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસો ઘટીને 3,01,640 થઈ ગયા છે. જે 187 દિવસમાં સૌથી ઓછા છે. એમ આરોગ્ય મંત્રાલયે (Health Ministry) ગુરુવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 282 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,46,050 પર પહોંચી ગયો છે.

માર્ચ 2020 પછી પહેલીવાર કોરોના સામે સાજા થવાનો દર વધીને 97.77 ટકા નોંધાયો

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો કુલ કેસનો 0.90 ટકા હિસ્સો ધરાવે છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.77 ટકા નોંધાયો છે. જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં બુધવારે 15,27,443 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા વધીને 55,83,67,013 થઈ ગયા છે.

દૈનિક સંક્રમણનો દર 3 ટકાથી ઓછો નોંધાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.09 ટકા નોંધાયો છે. જે છેલ્લા 24 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.11 ટકા નોંધાયો છે. જે છેલ્લા 90 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,28,15,731 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.33 ટકા નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી રસીના કુલ 83.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મૃત્યુ પામેલા 282 લોકોમાં કેરળનાં 142 અને મહારાષ્ટ્રનાં 48 લોકોનો સમાવેશ થાય છે.

AIIMS ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાના મતે કોરોના હવે શરદી-ખાંસી જેવો થઈ જશે

આ અગાઉ બુધવારે દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના (Dr. Randeep Guleriya) કહ્યું હતું કે કોરોના હવે મહામારી રહી નથી અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર(Third wave) આવે તેવી સંભાવના નહીંવત છે. ડૉ. ગુલેરિયાના મતે કોરોનાનો વાયરસ (Covid-19) હવે સામાન્ય ફ્લૂ એટલે કે શરદી-ખાંસી અને વાયરલ તાવ જેવો થઈ જશે. કારણ કે લોકોમાં હવે આ વાયરસ સામે લડવાની ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ છે.

Most Popular

To Top