Gujarat

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં: જન ચેતના- સાયકલ-પદયાત્રા કાઢી વિરોધ કર્યો

પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પ્રજાનો અવાજ બનીને મોંઘવારીના મુદ્દાને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયેથી રૂપાલી સર્કલ સુધી સાયકલ યાત્રા યોજાઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકરો જોડાયા હતા અને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

મંગળવારે સવારે 11 વાગે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ સાયકલ યાત્રા, પદયાત્રા યોજીને મંદી મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

આ રેલીમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર બેસી તેમજ રિક્ષા ચલાવીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ ખાદ્યતેલ ગેસ તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ માથા ઉપર ગેસના સિલિન્ડર, તેલના ખાલી ડબ્બા, ગેસના બાટલા, સગડીઓ મુકીને ‘મોંઘવારીનો માર પ્રજા બેહાલ, બેફિકર છે સરકાર.. મોંઘો ગેસ, મોંધુ તેલ, બંધ કરો લૂંટનો ખેલ..,

હાય હાય ભાજપ.. બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કહા સો ગઈ મોદી સરકાર…’ જેવા સૂત્રોચાર સાથે ભારે વિરોધ કર્યો હતો. આ રેલીમાં બળદગાડું, સાયકલ, રિક્ષા લઈને લોકો મોંઘવારીના વિરોધમાં ઉમટી પડ્યા હતા.સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – બેરોજગારીથી આજે આખા દેશની જનતા ત્રસ્ત છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનો યુવાન રોજગાર માટે દર-દર ભટકી રહ્યો છે, ક્યાય નોકરી નથી મળતી અને નોકરી ના હોય તો કોઈ છોકરી આપતુ નથી. આ જન ચેતના અભિયાન કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી, પ્રદેશ આગેવાનો નરેશ રાવલ, સાગર રાયકા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પ્રભાબેન તાવીયાડ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top