નવી દિલ્હી: ભારતનું (India) મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ધીમે ધીમે ચંદ્ર (Moon) તરફ આગળ વધી રહ્યું છે. આ મુન મિશન ક્યાં સુધી પહોંચ્યુ એ વિશ્ની જાણકારી આપતા ISROએ જણાવ્યુ છે કે ભારતનું અવકાશ મિશન ચંદ્રયાન 3 સફળતાપૂર્વક પૃથ્વીની બીજી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. ઈસરોના (ISRO) જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 હવે પૃથ્વીથી 41,603 કિમી x 226 કિમીના અંતરે સ્થિત પૃથ્વીની ભ્રમણકક્ષામાં હાજર છે. આગામી તબક્કા માટેનું બૂસ્ટર આવતીકાલે બપોરે 2-3 વાગ્યા વચ્ચે કરવામાં આવશે.
ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ભારતનું આ ત્રીજું મિશન છે, જેને ચંદ્ર પર મોકલવામાં આવ્યું છે. આ મિશન હેઠળ ભારત ચંદ્રયાન 3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરવાની યોજના ધરાવે છે. જો ભારત આમાં સફળ થશે તો ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. ઈસરોના આ મિશનનું લક્ષ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ છે. ચંદ્રની સપાટી પર રોવર ચલાવવું અને ચંદ્ર પર હાજર તત્વો વિશે માહિતી એકત્રિત કરવી. આ રોકેટને તૈયાર કરવામાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વાહનનું લેન્ડર ચંદ્રના તે ભાગમાં એટલે કે ચંદ્રના નિર્જન ભાગોમાં જશે અને ત્યાં હાજર ધાતુઓ અને અન્ય તત્વો વિશે માહિતી એકત્ર કરશે.
ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ પછી સૌથી મુશ્કેલ કામ તેના ઉતરાણના પ્રકિયા શરૂ થશે. પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી લેન્ડરને ચંદ્રની 100X30 કિમીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. આ માટે ડીબૂસ્ટિંગ કરવું પડશે. એટલે કે તેની સ્પીડ ઓછી કરવી પડશે. આ કામ 23 ઓગસ્ટે કરવામાં આવશે. જે ઈસરોના વૈજ્ઞાનિકો તેમજ સમગ્ર ભારત દેશ માટે ખૂબ જ મહત્વનો દિવસ હશે.