સુરત: વેસુમાં રહેતા ગાયવાલાબંધુઓએ નાનપુરાના યાર્નના વેપારી પાસેથી રૂ.3.21 કરોડનો માલ ખરીદીને પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. બે મહિનામાં પ્રી પ્લાન કરોડોનો માલ ખરીદીને પણ શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા યાર્નના ડીલરને નાણાં આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. દરમિયાન વેપારી હિમાંશુ શાહ દ્વારા સ્યુસાઇડ એટેમ્પ કરવામાં આવતાં યાર્નના ડીલરોમાં ખળભળાટ મચી ગયો હતો.
છેલ્લા બે દાયકાથી ધંધો કરી રહેલી ગાયવાલા પેઢી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાદ પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ વેપારીઓ દ્વારા જીએસટી ક્રેડિટ નેવું લાખ જેટલી ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વાસ પર ચાલતા યાર્નના કરોડોના વહીવટમાં આ મોટાં માથાં દ્વારા છેતરપિંડી કરવામાં આવતાં આખું બજાર ખળભળી ઊઠ્યું છે. હાલમાં આવા ચીટરોનો બહિષ્કાર કરવા યાર્ન ડીલરો દ્વારા વલણ અપનાવાયું છે.
એક જ મહિનામાં કરોડોનો માલ ખરીદીને વેપારીને રસ્તા પર લાવી દેવાયો
પ્રાપ્ત વિગતો મુજબ ઉધના-મગદલ્લા રોડ ઉપર અંબિકા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં જયેશ ટેક્સટાઇલના નામે વેપાર કરતા વેપારી બીપીન મનહરલાલ ગાયવાલાને ત્યાં જયેશ મનહરલાલ ગાયવાલા મેનેજર તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત નાનપુરા ચેમ્બર્સ ઓફ કોમર્સની બાજુમાં શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ ચંદુભાઇ શાહની સાથે થઇ હતી. હિમાંશુભાઇ ઝાંપાબજાર હજૂરી ચેમ્બર્સમાં એચ.સી. શાહ એન્ડ કંપનીના નામે યાર્નનો વેપાર કરતા હતા.
જયેશભાઇએ હિમાંશુભાઇને વેપાર કરવાનું કહી બીપીનભાઇની સાથે યાર્નનો વેપાર કરવા કહ્યું હતું. દરમિયાન 2020ના જુલાઇથી લઈ ઓગસ્ટ મહિના સુધીના બે મહિનામાં જ બીપીનભાઇ તેમજ જયેશભાઇએ હિમાંશુભાઇની પાસેથી રૂ.3.21 કરોડનો યાર્નનો માલ ખરીદ્યો હતો અને પેમેન્ટ આપ્યું ન હતું. હિમાંશુભાઇ જ્યારે પણ પેમેન્ટની માંગણી કરતા હતા ત્યારે તેમને મારી નાંખવાની ધમકી મળતી હતી. આ બનાવ અંગે હિમાંશુભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગાયવાલાબંધુઓની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.