વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ દ્વારા માર મારવાની ઘટના બાદ ABVP (અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ) દ્વારા આજે ગુરુવારે યુનિવર્સિટીના ગેટની બહાર અને અઠવાલાઈન્સ MTB કોલેજ ગેટ પાસે અઠવાલાઈન્સના રસ્તા પર ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. સવારે 10.45 કલાકથી વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા છે. વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. રસ્તા આડે બેરિકેડ મુકી દીધા છે. વાહનોને જવા દેવામાં આવી રહ્યાં નથી. BRTS રૂટ પર પણ વિદ્યાર્થીઓ બસોને અટકાવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ ઉમરા PI ને સસ્પેન્ડ કરી દેવાની માંગણી કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓના રસ્તા રોકો આંદોલનને લીધે વાહનચાલકો અને સામાન્ય પ્રજાને હેરાનગતિ થઈ રહી છે.
ત્રણ દિવસ પહેલાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ABVP દ્વારા આયોજિત ગરબામાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યાં હતાં, ત્યારે ઉમરા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ગરબા બંધ કરવા માટે કહેતા ABVP ના કાર્યકરો અને પોલીસ વચ્ચે જીભાજોડી થઈ હતી, જે બાદમાં ઘર્ષણમાં પરિણમી હતી. પોલીસે ABVPના કાર્યકરો સહિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને માર માર્યો હતો અને ઢસડી ઢસડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. તેના પગલે ABVP નારાજ થયું હતું અને રાજ્યવ્યાપી આંદોલન છેડી દીધું છે.
ગઈકાલે બુધવારે અમદાવાદ, મહેસાણા સહિત રાજ્યની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેમ છતાં સરકાર કે પોલીસ તરફથી કસૂરવાર પોલીસકર્મીઓ સામે કોઈ પગલાં ભરવામાં આવી રહ્યાં નહીં હોય આજે સુરત ABVP દ્વારા રસ્તા રોકો આંદોલન છેડવામાં આવ્યું છે.
ઉધના મગદલ્લા રોડ પર આવેલી વીર નર્મદ યુનિવર્સિટીના ગેટની બહાર ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા છે. સવારે 10.45 કલાકથી જ વિદ્યાર્થીઓએ ચક્કાજામનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. આ પીક અવર્સ હોય વાહનચાલકોની વધુ અવરજવર હોય છે, તે જ સમયે વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી જતા એકથી દોઢ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ છે. નોકરી-ધંધા અર્થે જઈ રહેલાં વાહનચાલકો હેરાન થઈ ગયા છે. યુનિવર્સિટી ગેટની બહારથી અણુવ્રત દ્વાર બ્રિજ સુધી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે.
એક મહિલા તેના બાળકને તબીબ પાસે ઈલાજ માટે લઈ જઈ રહી હતી, તે પણ વિદ્યાર્થીઓના રસ્તા રોકો આંદોલનને લીધે અટવાઈ પડી હતી. વારંવાર વિનંતી કરવા છતાં ચક્કાજામમાંથી તેને જવાનો રસ્તો મળી રહ્યો નહીં હોય તે બેબાકળી બની ગઈ હતી. બીજી તરફ વિદ્યાર્થીઓ ઉમરા PI ને સસ્પેન્ડ કરવાની માંગણી કરી રહ્યાં હતાં. ઉમરા પોલીસ હાય હાયના નારા લગાવી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓના આંદોલનના પગલે પોલીસ દોડી આવી હતી.
આ ઉપરાંત ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ અઠવાલાઈન્સ પર આવેલા MTB કોલેજના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું છે. અહીં વિદ્યાર્થીઓએ પોલીસના દમન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ વિરોધી બેનરો લઈ રસ્તા પર બેસી ગયા હતા. શહેરના મુખ્ય ધોરીમાર્ગ સમાન અઠવાલાઈન્સના રસ્તા પર ધસી જઈ વાહનો અટકાવી દીધા હતાં. કેટલાંક વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા હતા.
પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા કલેક્ટર ભવનથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન છેડીને પ્રશાસનને ખુલ્લી ચીમકી આપી હતી. વિદ્યાર્થી નેતાઓ આખાય શહેરને બાનમાં લેવાના ઈરાદે રસ્તાઓ રોકી રહ્યાં છે. ગરબા કાંડ બાદ વિદ્યાર્થીઓનો રોષ સાતમા આસમાને છે. આટઆટલા દિવસ વીતી ગયા બાદ પણ કસૂરવાર પોલીસકર્મીઓ સામે ભાજપ સરકાર દ્વારા કોઈ એક્શન નહીં લેવામાં આવતા વિદ્યાર્થીઓ ખૂબ નારાજ થયા છે અને રસ્તા પર વાહનો રોકી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ઉમરા પોલીસ હાય હાયના નારા લગાવી રહ્યાં છે.
શાસક પક્ષ ભાજપના જ વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા સરકાર અને પોલીસ તંત્ર વિરુદ્ધ છેડવામાં આવેલા આંદોલનના લીધે અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. વિદ્યાર્થી સંગઠન પર ભાજપના નેતાઓનું જ પ્રભુત્વ નહીં હોવાની ચર્ચા ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી માટે તેમના જ શહેરમાં વિદ્યાર્થી આંદોલનન પર કાબુ મેળવવો એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.