Columns

અમેરિકન ડોલર નબળો પડી રહ્યો હોવાથી સેન્ટ્રલ બેન્કો જથ્થાબંધ સોનું ખરીદી રહી છે

કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે લગભગ ૩.૫ ટ્રિલિયન (૩,૫૦૦ અબજ) ડોલર છાપીને લોકોને આપ્યા હોવાથી અમેરિકાનો ડોલર નબળો પડી ગયો છે. અમેરિકા દ્વારા જથ્થાબંધ ડોલર છાપવામાં આવ્યા હોવાથી છેલ્લાં બે વર્ષ દરમિયાન દુનિયાના લગભગ દરેક દેશના ડોલર રિઝર્વમાં વધારો થયો છે, જેને કારણે ડોલરનો ફુગ્ગો ફૂટી જાય તેવો ડર પેદા થયો છે. આ ડરનો મુકાબલો કરવા દુનિયાની સેન્ટ્રલ બેન્કો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે. ૨૦૧૦ની સાલમાં જગતની સેન્ટ્રલ બેન્કો દ્વારા કુલ ૨૯,૯૬૨ મેટ્રિક ટન સોનું ખરીદવામાં આવ્યું હતું. તેની સરખામણીમાં ૨૦૨૦ની સાલમાં તેમણે ૩૫,૫૨૭ મેટ્રિક ટન સોનું ખરીદ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની રિઝર્વ બેન્કે ૭૦ મેટ્રિક ટન સોનું ખરીદ્યું હતું; જ્યારે થાઇલેન્ડ જેવા ગરીબ દેશની સેન્ટ્રલ બેન્કે પણ ૯૦ મેટ્રિક ટન સોનું ખરીદ્યું હતું. આવાં જ કોઈ કારણોસર પોલેન્ડની સેન્ટ્રલ બેન્કે ૨૦૧૯માં ૧૦૦ મેટ્રિક ટન સોનું ખરીદ્યું હતું. હકીકતમાં છેલ્લાં ૩૧ વર્ષ દરમિયાન દુનિયાની સેન્ટ્રલ બેન્કો દ્વારા ઊભીકરવામાં આવેલી સોનાની અનામત અત્યારે ટોચ ઊપર પહોંચી ગઈ છે.

૨૦૨૦માં જગતમાં કોરોના મહામારી આવી તેને કારણે અમેરિકાનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું હતું. ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી, ઉત્પાદન ઠપ થઈ ગયું હતું અને કરોડો લોકોની નોકરીઓ પણ ચાલી ગઈ હતી. આ સંકટમાંથી દેશને ઉગારવા અમેરિકાના ફેડરલ રિઝર્વે કોમ્પ્યુટરમાં ડોલરની નોટો છાપીને માર્કેટમાં ઠાલવવાનો રસ્તો અપનાવ્યો હતો. ફેડરલ રિઝર્વે કુલ ૩,૫૦૦ અબજ ડોલર છાપીને સરકારને આપ્યા હતા અને સરકારે તે સીધા લોકોના બેન્ક ખાતાંમાં જમા કરાવ્યા હતા. ફેડરલ રિઝર્વે આ ડોલર વડે શેરો ખરીદ્યા હતા, જેને કારણે અર્થતંત્ર સ્થગિત થઈ ગયું હોવા છતાં શેરબજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો. આ રીતે બેફામ ડોલર છાપવાને કારણે ડોલરનું ચલણ નબળું પડી ગયું હોવાથી જગતની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદવા તૈયાર થઈ ગઈ હતી.

ઇ.સ. ૧૯૭૧ની સાલ સુધી અમેરિકાનું ફેડરલ રિઝર્વ તેની પાસે જેટલું સોનું હોય તેટલા પ્રમાણમાં જ ડોલરની નોટો છાપી શકતું હતું. તત્કાલીન અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સને ગોલ્ડ સ્ટાન્ડર્ડનો અંત આણ્યો તે પછી ફેડરલ રિઝર્વ સોનાનું પીઠબળ ન હોય તો પણ સરકાર જેટલો ઓર્ડર આપે તેટલા ડોલર છાપી શકે છે. કોમ્પ્યુટરના યુગમાં તો તેણે ડોલર છાપવા પણ પડતા નથી. કોમ્પ્યુટરમાં તે કેટલાક આંકડા ટાઇપ કરીને હવામાંથી ડોલર પેદા કરી શકે છે. આ ડોલર કોમર્શિયલ બેન્કોને ક્રેડિટના રૂપમાં આપવામાં આવે છે. આ ડોલર ફેડરલ રિઝર્વ અમેરિકન સરકારને દેવાના રૂપમાં આપીને સરકારના ટ્રેઝરી બોન્ડ ખરીદે છે. આ રીતે અમેરિકન સરકાર દેવાદાર બનતી જાય છે અને ફેડરલ રિઝર્વ પાસેના ટ્રેઝરી બોન્ડનો ભંડાર મજબૂત બનતો જાય છે. જે રીતે ફેડરલ રિઝર્વ ટ્રેઝરી બોન્ડ ખરીદે છે તેમ દુનિયાની સેન્ટ્રલ બેન્કો પણ ડોલર વેચીને ટ્રેઝરી બોન્ડ ખરીદે છે, કારણ કે તેમને ટ્રેઝરી બોન્ડનું વ્યાજ મળે છે. દુનિયાની સેન્ટ્રલ બેન્કો અને ફેડરલ રિઝર્વ પાસે જેટલા ટ્રેઝરી બોન્ડ છે તે હકીકતમાં અમેરિકન સરકારનું દેવું છે. આ દેવું સતત વધી જ રહ્યું છે.

કોરોનાના એક જ વર્ષમાં અમેરિકન સરકારના બાહ્ય દેવામાં ૨૦ ટકા જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૦ની સાલમાં અમેરિકન સરકારનું બાહ્ય દેવું ૨૩.૪ ટ્રિલિયન ડોલર હતું તે ૨૦૨૧માં વધીને ૨૯ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે. ચીન અમેરિકાનો સૌથી મોટો લેણદાર દેશ છે. તેના પછી જપાનનો નંબર આવે છે. જપાન અને ચીન અમેરિકા પાસે એક-એક ટ્રિલિયન ડોલર માગે છે, કારણ કે તેમણે તેટલા અમેરિકન ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા છે. ભારત પાસે પણ ૨૧૬ અબજ ડોલરના અમેરિકન સરકારના ટ્રેઝરી બોન્ડ છે. ભારતમાં જેટલા ડોલર રોકાણના રૂપમાં આવે છે તેમાંથી ભારતની રિઝર્વ બેન્ક ટ્રેઝરી બોન્ડ ખરીદે છે, કારણ કે તેનું વ્યાજ મળે છે.

ભારત સરકારને ખ્યાલ આવી ગયો હતો કે અમેરિકાનું ફેડરલ રિઝર્વ જથ્થાબંધ ડોલર છાપીને અમેરિકાની સરકારને આપી રહ્યું છે, જેને કારણે ડોલરની કિંમત ઘટી જવાની છે. જો ડોલરનો ફુગ્ગો ફૂટી જાય તો ભારત સરકાર પાસે જે ડોલરની અનામત હોય તેની કિંમત કોડીની થઈ જાય. આવું ન થાય તે માટે ભારતની રિઝર્વ બેન્કે ૨૦૨૧ દરમિયાન આશરે ૭૦ ટન સોનું ખરીદ્યું હતું. ૨૦૨૦ના નાણાંકીય વર્ષના અંતે રિઝર્વ બેન્ક પાસે ૬૮૮.૨૫ ટન સોનું હતું, જે ૨૦૨૧ના અંતે ૭૪૩.૮૪ ટન પર પહોંચી ગયું હતું. હકીકતમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન ભારતીય રિઝર્વ બેન્કના સોનાના ભંડારમાં ૧૨૫ મેટ્રિક ટનનો વધારો થયો છે, જે ડોલરના ઘટતા ભાવોને આભારી છે.

ભારતના બેન્કિંગ ક્ષેત્રની હાલત ખરેખર બહુ ખરાબ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ હાલમાં ભારતમાં કુલ ૨૯.૬૩ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટો ચલણમાં છે. તેની સામે રિઝર્વ બેન્ક પાસે હાલમાં માત્ર ૭૦૦ મેટ્રિક ટન જેટલું સોનું છે. જો એક કિલોગ્રામ સોનાની કિંમત ૫૦ લાખ રૂપિયા ગણીએ તો એક મેટ્રિક ટન સોનું ૫૦૦ કરોડ રૂપિયાનું થાય અને ૭૦૦ મેટ્રિક ટન સોનાની કિંમત ૩.૫ લાખ કરોડ રૂપિયા થાય. જો વાસ્તવિક રીતે વિચારીએ તો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ૩.૫ લાખ કરોડ રૂપિયાના સોના સામે ૨૯.૬૩ લાખ રૂપિયાની કરન્સી નોટો છાપીને ચલણમાં દાખલ કરી દેવામાં આવી છે. બીજા શબ્દોમાં સોનાની સામે ૨૯.૬૩ લાખ કરોડની ચલણી નોટોની વાસ્તવિક કિંમત માત્ર ૩.૫ લાખ કરોડ રૂપિયા છે. બીજા શબ્દોમાં આપણા પોકેટમાં જે ૧૦૦ રૂપિયાની ચલણી નોટ છે તેની ખરી કિંમત ૧૩ રૂપિયા જ છે.

છેલ્લા એક દાયકામાં સોનાના ભાવોમાં જે ઉછાળો આવ્યો તે ખરેખરા વપરાશકારોને કારણે નહોતો, પણ સટોડિયાઓને કારણે હતો. દુનિયાભરના શેરબજારોમાં મંદી આવતા સટોડિયાઓએ શેરોમાંથી પૈસા કાઢીને સોનામાં અને ખનિજ તેલમાં લગાવ્યા હતા. ઇ.સ.૨૦૧૦ અને ૨૦૧૧ દરમિયાન રોકાણકારોએ સોના સાથે જોડાયેલી સિક્યોરિટીઝમાં ૨૬ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેમની ધારણા એવી હતી કે યુરોઝોનની કટોકટી ઘેરી બનશે તો સોનાના ભાવો આસમાનમાં ઉડવા લાગશે. આવું કોઇ ન બન્યું એટલે સટોડિયાઓ સોનામાંથી બહાર નીકળવા લાગ્યા હતા. તાજેતરમાં શેર બજારમાં ભભૂકતી તેજીને કારણે રોકાણકારો સોનું વેચીને શેરો ખરીદી રહ્યા છે, માટે સોનાના ભાવો ઘટતા દેખાય છે. જો શેર બજારના ફુગ્ગામાંથી હવા નીકળી જશે તો રોકાણકારો પાછા સોના તરફ વળશે. સોનામાં કરેલું રોકાણ લાંબા ગાળે ફાયદાકારક રહેવાની સંભાવના છે.

દુનિયામાં જ્યારે પણ કટોકટી આવે ત્યારે સોનાની કિંમત વધી જતી હોય છે, કારણ કે સોનામાં રોકાણકારોને સલામતી દેખાતી હોય છે. જો અમેરિકન ડોલર તૂટશે તો સોનાના ભાવોમાં ઝડપી ઉછાળો જોવા મળશે. ભારતના લોકો પણ મહામારી દરમિયાન સોનું વધારે પ્રમાણમાં ખરીદી રહ્યા છે, જેને કારણે ભારતની સોનાની આયાતમાં પણ વધારો જણાઈ રહ્યો છે. ૨૦૨૧ના નાણાંકીય વર્ષમાં ભારતમાં આશરે ૭૦૦ મેટ્રિક ટન સોનાની આયાત થઈ હતી. ભારતના ઘણા રોકાણકારો સોનાને બદલે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે, જેને કારણે સોનાના ભાવો વધતા નથી. જે દિવસે ડોલર અને ક્રિપ્ટોકરન્સીનો ફુગ્ગો ફૂટી જશે ત્યારે સોનાના ભાવો આસમાને પહોંચી જશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top