Madhya Gujarat

આણંદના વનરક્ષક પડતર પ્રશ્ને 29મીથી હડતાલ પર ઉતરશે

આણંદ : આણંદમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ ગ્રેડ પે – રજા પગાર આપવા તેમજ વિભાગમાં વનરક્ષકોના વિવિધ પ્રશ્નોની અવાર – નવાર રજુઆતો કરવા છતાં સંતોષકારક ન્યાય નહીં મળતાં 29મી ઓગષ્ટના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન કર્યું છે. આણંદના વનરક્ષક અને વનપાલ કર્મચારીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક, વનપાલની નોકરી વિષયક પ્રશ્નો બાબતે રજુઆતો કરી હતી. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવાર નવાર વનરક્ષક વર્ગ -3ને 2800 ગ્રેડ પે આપવો તેમજ વનપાલને 4200 ગ્રેડ પે આપવા બાબત તેમજ રજાના દિવસે બજાવેલી ફરજના ભાગરૂપે રજા પગાર આપવો, વનરક્ષકની ભરતી અને બઢતીનો રેસ્યો 1ઃ3 કરી આપવા બાબતે તેમજ અન્ય રજુઆતો કરવામાં આવી છે.

અવાર નવારની રજુઆતો છતાં એક પણ પ્રશ્નનો નિરાકરણ આવેલ નથી કે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિભાગ દ્વારા કમિટીની રચના પણ કરવામાં આવી નથી. હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવા બાબતની સરકારની જાહેરાત થતા વન વિભાગના કર્મચારીઓ પણ પોતાના પ્રશ્નો અને માગણીઓ બાબતે કોઇ નિરાકરણ નહીં આવતા ભારોભાર રોષની લાગણી જન્મી છે. રાજ્યના દરેક જિલ્લાના વન કર્મચારીમાં પોતાના હક્ક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર જવા માટે તૈયાર છે. આથી, કર્મચારીના ગ્રેડ પે, રજા પગાર, ભરતી – બઢતી રેસ્યો વિગેરે પ્રશ્ન બાબતે કોઇ જ હકારાત્મક પરીણામ નહીં આવતા સમગ્ર રાજ્યના વનરક્ષકો, વનપાલો 27મી ઓગષ્ટથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી રહ્યાં છે.

Most Popular

To Top