બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક પૂરો થાય તેવી શક્યતા નહીંવત
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Naredra Modi) ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) અમદાવાદ-બુલેટ ટ્રેન (Bullet Train) તેના નિર્ધારિત સમયમાં પૂરો થાય તેવી શક્યતા જણાતી નથી. તાજેતરમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ (Right to information act) હેઠળ મળેલી માહિતી અનુસાર હજુ સુધી તો 200 હેક્ટર જેટલી જમીનનું અધિગ્રણ જ કરી શકાયું નથી. એટલું જ નહીં અત્યાર સુધીમાં જેટલું કામ થયું છે તે જાણશો તો ચોંકી જશો.
એક આરટીઆઈના જવાબમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને ચોંકાવનારી માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે, પરંતુ 1 ફેબ્રુઆરી 2022 સુધીમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું માત્ર 17 ટકા જેટલું જ કામ થઈ શક્યુંછે. NHSRCL એ પ્રોજેક્ટમાં મોડું થવાનું કારણ પણ રિપોર્ટમાં જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર કોરોના, લોકડાઉન તેમજ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં વાર લાગી રહી હોવાથી પ્રોજેક્ટનું કામ નિર્ધારીત સમયમાં આગળ વધી રહ્યું નથી. રિપોર્ટ અનુસાર હજુ 200 હેક્ટર જમીનનું સંપાદન બાકી છે. લગભગ 1 લાખ 8 હજાર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ અંતરાયો અને અવરોધોના લીધે તેનું કામ વેગ પકડી રહ્યું નથી.
તમને જણાવી દઈએ કે મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી 17 ટકા જ કામ પુરું થયું હોય તે નિર્ધારિત સમયમાં પૂરો થાય તેવી શક્યતા જણાતી નથી. NHSRCL એ RTI માં એવી માહિતી પણ આપી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં કેટલી જમીનનું સંપાદન કરાયું તે સવાલના જવાબમાં NHSRCL એ રિપોર્ટમાં જણાવ્યું કે, લગભગ 1396 હેક્ટરની કુલ જમીનની જરૂરિયાતમાંથી અંદાજે 1196 હેક્ટર જમીનનું સંપાદન કરી લેવાયું છે. તેનો મતલબ કે કુલ 86 ટકા જમીનનું સંપાદન કરી લેવાયું છે. પરંતુ હજુ પણ 200 હેક્ટર જમીનનો કબ્જો લેવાનો બાકી છે.