SURAT

સુરત: પાંચમા માળના ધાબા ઉપર ચઢી ગયેલા આખલા એ કૌતુક સર્જયું

સુરત: કામરેજ તાલુકાના એક મકાનના પાંચમા માળે આખલો (Bull) ચડી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં એટલું જ નહીં પણ તમામની નજર ચૂકવી આખલો 5 મા માળે ચઢી ગયો હોવાની જાણ બાદ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ખોલવડ રોડ પર આવેલા સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝ (Siddhivinayak Industries) વિસ્તારમાં બનેલી ઘટના બાદ લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ કામરેજ ફાયર વિભાગની (Fire department) ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારબાદ મહામુસીબતે હેમખેમ આખલાને નીચે ઉતારવામાં સફળ રહી હતી. સદ નસીબે આખલાએ કોઈ નુકશાન પહોંચ્યું ન હતું.

  • સ્થાનિકોમાં એક જ ચર્ચા કે, આખલો છેક પાંચમા માળે પહોંચ્યો કેવી રીતે…!
  • વરસાદથી બચવા માટે આખલો બિલ્ડીંગમાં પ્રવેશ્યો હતો અને આખી રાત ધાબા ઉપર જ રહ્યો હતો : ફાયરની ટીમે મહામહેનતે નીચે ઉતાર્યો

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ ખોલવાડ વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રી આવી છે. આ વિસ્તારની રહેણાંક બિલ્ડીંગના પાંચમા માળની અગાસી ઉપર બુધવારે સવારે એક આખલો ચઢી ગયો હતો. પહેલા બિલ્ડીંગમાં રહેતા લોકોએ તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ તેમાં નિષ્ફ્ળ ગયા હતા. ત્યારબાદ ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા કામરેજ ફાયર સ્ટેશનના લાશ્કરોની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.

ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, મંગળવારે રાતથી આખલો ધાબા ઉપર ચડી ગયો હતો. રાત્રે કામરેજ વિસ્તારમાં ખુબ વરસાદ હતો અને બીજી તરફ બિલ્ડીંગનું શટર ખુલ્લું હોવાને કારણે આખલો બિલ્ડીંગમાં પ્રવેશી ગયા બાદ પાંચમાં માળના ધાબા ઉપર આખી રાત રહ્યો હતો. સવારે જયારે કારીગરોએ આ દ્રશ્ય જોયું ત્યારે કૌતુક સર્જાયું હતું અને ફાયરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ લાશ્કારોએ રસ્સાથી આ નંદીને બાંધીને કાળજી પૂર્વક તેને નીચે ઉતારી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top