Gujarat

ધોરણ 10નું ભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ થયા ખુશ, 17 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

સુરત: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા (Board Exam) આજથી એટલે 14 માર્ચથી પ્રારંભ થઈ છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. પ્રથમ ભાષાનું પેપર હતું. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વોનું પેપર છે. ધોરણ 10નું ભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

રાજયમાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ધોરણ 10 વિદ્યાર્થીઓએ ભાષાનું પેપર આપ્યું હતું જે શાંતિપૂર્ણ રીતે પત્યું હતું.  ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આજે ગુજરાતીનું તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આજે અંગ્રેજીનું પેપર હતું. પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ હસતાં મોઢે પરીક્ષા હોલમાંથી બહરા આવ્યા હતા. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે. વિદ્યાર્થીઓના કહ્યા પ્રમાણે પેપર ખૂબ જ સરળ હતું. તેમજ સંપૂર્ણ પેપર ટેક્સ્ટ બુક અને સિલેબસમાંથી જ આવ્યું હતું. ગુજરાતી માધ્યમમાં મોબાઈલના લાભાલાભ,ગામડું બોલે છે,એકબાળ એક ઝાડ નિબંધ હતો. જેમાંથી મોટેભાગના વિદ્યાર્થીઓએ મોબાઈલના લાભાલાભ નિબંધ લખ્યો હતો. વિદ્યાર્થીઓના કહ્યા પ્રમાણે 60થી 65 માર્કસ ઓછામાં ઓછા આવશે.

રાજ્યમાં ધોરણ10-12માં કુલ 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ (Student) પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર (Exam center) પહોંચ્યા હતા. પરીક્ષાને લઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સાથે જ તંત્ર પણ સાવધાન બન્યું છે. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ વહેલી તકે પહોંચી જાય તે માટે પોલીસ પણ એલર્ટ મોડ પર છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્ર પર પણ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓને હાથમાં ગુલાબનું ફૂલ તેમજ કપાળે ચાંદો કરી, વિદ્યાર્થીઓને શરબત પીવડાવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ ગભરાયા વિના પોતાની પરીક્ષા પૂર્ણ કરે.

સુરતમાં પોલીસે ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચાડ્યા
બોર્ડની પરીક્ષાને લઈને સુરત શહેર પોલીસ પણ ખડેપગે છે. પોલીસે ઈમરજન્સી કોલની સુવિધા કાર્યરત રાખી છે. તેમજ ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચાડવાની કામગીરી પણ કરી રહી છે. કિન્નરી વિસ્તારમાં રહેતા પઠાણ અલી રજા આરીફ ખાન નામના ધો. 10ના વિદ્યાર્થીનું વનિતા વિશ્રામ પર પરીક્ષા કેન્દ્ર આવ્યું હતું. સવારે રિંગરોડ પર કાપડ માર્કેટ અને અન્ય ઓફિસોને લીધે ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. આ વિદ્યાર્થીએ પોલીસની મદદથી સ્કૂલ જવાનું નક્કી કર્યું હતું. સુરત શહેર પોલીસે સાયરન વાળી બાઈક પર તેને સ્કૂલ સુધી પહોંચાડ્યો હતો, તેથી તે સમયસર સ્કૂલ પર પહોંચી શક્યો હતો. વિદ્યાર્થી પઠાણ અલી રજા આરીફ ખાને કહ્યું કે, પોલીસની કામગીરી ખરેખર સરાહનીય છે. હું પણ મોટો થઈને પોલીસ બની આ જ રીતે લોકોની સેવા કરવા માંગુ છું.

રાજ્યભરમાં પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. પહેલા દિવસે ધો.10માં પ્રથમ ભાષા, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વોનું પેપર રહેશે. ધો.10ની પરીક્ષા 83 ઝોન, 958 કેન્દ્રો, જ્યારે ધો.12માં 56 ઝોન જેમાં સામાન્ય પ્રવાહના 525, વિજ્ઞાન પ્રવાહના 140 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે, ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે.

17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા
રાજયમાં આજે 1 હજાર 623 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના કુલ 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં માટે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા છે. જેમાં ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમમાં 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્ૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સાથે જે જેલમાંથી ધોરણ 10નાં 101 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ત્યારે ધોરણ 12ના 56 જેટલા વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે.

પરીક્ષા કેનદ્રો પર 56 મેડિકલ ટીમ તૈનાત
પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે મેડિકલ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. લગભગ 26 જેટલી મેડિકલ ટીમ પરીક્ષા કેન્દ્ર પર તૈનાત કરવામાં આવી છે. સેન્સિટિવ 66 સેન્ટપ પર પેરા મિલિટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે ફુલપુફ્ર વ્યવસ્થા કરી દેવામાં આપી છે. પરીક્ષા કેન્દઓને સીસીટીવીથી સજ્જ કરાયા છે. સીસીટીવીથી પરીક્ષા કેન્દ્રનું સતત મોનીટરીંગ કરાશે, જેના માટે વિશેષ કમિટીની રચના કરાઈ છે.

Most Popular

To Top