Vadodara

બ્લાસ્ટ બોઈલરની બહાર થયો : બી. એ. બારડ

વડોદરા : શહેરની નજીક નંદેશરી જીઆઇડીસી માં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમા સમી સાંજે રહસ્યમય સંજોગોમાં તબક્કાવાર બ્લાસ્ટ સાથે ગગનચુંબી આગ ફાટી નીકળતા 10 થી 15 કિલો મીટરનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. પ્રારંભમાં મળેલા પ્રાથમિક અહેવાલ મુજબ દુર્ઘટના ત્રણ થી ચાર બોઇલર પ્રચંડ ધડાકા સાથે ફાટવાના કારણે સર્જાઇ હતી તેવા અહેવાલો પ્રસિદ્ધ થતાં જ તંત્ર દોડતું થઇ ગયું હતું બોઇલર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારની ઝીણવટ ભરી તપાસ કરીને કેટલાક મહત્વના મુદ્દાઓની નોંધ પણ કરી હતી અને ખાસ કરીને બોઇલર ની આસપાસ ટેકનિકલ ચકાસણી કરી હતી.

કચેરીના મદદનીશ નિયામક બી એ બારડે ઘનિષ્ઠ તપાસમાં બોઇલરોને શું નુકસાન થયું છે. ઘટના અકસ્માતથી સર્જાય છે? તેવા મુદ્દાઓને તપાસ બાદ બોઇલર બ્લાસ્ટની ઘટનાને રદીઓ આપતા જણાવ્યું હતું કે કંપનીના બોઇલરોના સ્ટીમ ટેસ્ટ મે માસની 12 મી તારીખે જ થયા છે.અને કંપનીના તમામ બોઇલરોની વાર્ષિક તપાસ અને ચકાસણી પણ તારીખ ૨૧/૪/૨૦૨૨ના રોજ કરી છે. બોઇલર બ્લાસ્ટ થયા જ નથી.જોકે ઉચ્ચ અધિકારી એ આપેલ આ નિવેદનના પગલે અનેક સવાલો ઉભા થયા છે બોઇલર બ્લાસ્ટ થયા નથી તો આટલો બધો કાટમાળ એક કિમીમાં ઉડ્યો કઈ રીતે? શું અન્ય કોઈ જલદ કેમિકલ હતા? કેમિકલની અન્ય ટાંકીઓમાં પ્રેશર વધ્યું હતું? કારણકે કંપનીઓમાં સોડિયમ નાઇટ્રેટ, એમોનિયા, કોસ્ટિક સોડા, હાઈડ્રોજન,એમોનિયા સહિતના કેમિકલ તથા રો મટિરિયલનો જંગી સંગ્રહ થયો હતો. તો પછી આટલા તીવ્ર પ્રચંડ ધડાકા કયા કારણે થયા તે રહસ્ય ઘટનાના ૨૪ કલાક બાદ પણ બંધ રહ્યું છે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ગૃહ મંત્રી રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિપક નાઇટ્રેટ કંપનીમાં ધડાકા સાથે લાગેલી ભીષણ આગના બનાવમાં તપાસ કરાશે તેમ જણાવ્યું હતું.

ફાયર ફાઇટર દિપકને કેમિકલની અસર: અન્ય 3ને પગમાં બળતરા
વડોદરા : દિપક નાઇટ્રેટ કંપનીમાં આગની જ્વાળાઓ ભભુકી રહી હતી તે પ્રથમ તબક્કામાં જોતા તો એવું લાગતું હતું કે બહારથી પણ કદાચ ફાયર બ્રિગેડની મદદ મંગાવી જ પડશે પરંતુ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ તેમના માત્ર 60 બાહોશ ફાઇટરો નો કાફલો લઇને 15 એન્જિન સાથે ઘટનસ્થળે ધસી ગયા હતા. જે વિસ્તારમાં બ્લાસ્ટ થયા હતા અને પ્રચંડ આગની વિકરાળ જવાળાઓ લબકારા મારી રહી હતી.તે સ્થળે કયા જલદ કેમિકલ હતા તેની પ્રાથમિક જાણ મેળવીને પાણી તથા ફોમનો એકધારો જોરદાર મારો ચલાવ્યો હતો. એક સ્નોરવેલ,બે વોટર બ્રાઉઝર અને ૯ ફાયર એન્જીનો ઉપર ફાયર ફાઈટરો અવિરત નવ કલાક સુધી કામગીરી ને વળગી રહ્યા હતા. ત્યારે આગ પરોઢિયે કાબૂમાં આવી હતી. ફાયર ફાઇટર્સ દીપક પરમારને ફરજ દરમિયાન તીવ્ર અને જલદ કેમિકલ શરીર પર અસર કરતા જ્યારે અન્ય ત્રણ ફાઈટર ઓને સતત કેમિકલ વચ્ચે ઊભા રહેવાથી પગમાં અસહ્ય બળતરા થતી હોવાથી એમને પણ સારવાર આપી હતી.

Most Popular

To Top