Madhya Gujarat

ભાજપ યુવા મોરચાના મહામંત્રીએ કર્મીને માર્યો

આણંદ: લુણાવાડા ભાજપમાં ચાલતી આંતરિક ખટપટ વધુ એક વખત પોલીસ ચોપડે ચડી છે. આ અગાઉ પોલીસ મથકે જ આગેવાનો બાખડ્યાં હતાં. આ વખતે ભાજપના કાર્યાલય પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતાં યુવકે સોશ્યલ મિડિયના ગ્રુપમાં મેસેજ કરતાં યુવા મોરચાના મહામંત્રી ઉશ્કેરાઇ ગયા હતા અને ટોળા સાથે ઘરે પહોંચી મારમાર્યો હતો. આ અંગે લુણાવાડા પોલીસે 9 શખસ સામે ગુનો નોંધ્યો હતો.

લુણાવાડાના ભોઇવાડામાં રહેતા કપિલકુમાર જેન્તીભાઈ ભોઇ મહિસાગર જિલ્લા ભાજપ કાર્યાલય, ચાર કોશિયા નાકા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. કપિલ 3જી મે,23ના રોજ સાંજના 5-45 વાગે ભાજપ કાર્યાલય પર હાજર હતાં તે સમયે તેમના મોબાઇલમાં સોશ્યલ મિડિયામાં ભોઇ સમાજનું યુનીટી ઓફ ભોઇરાજ નામના ગ્રુપમાં મેસેજ લખ્યો હતો કે, એક જ પરિવારના લોકો આગળ આવે તેના કરતા સમાજના દરેક વ્યક્તિ કોઇને કોઇ પાર્ટીમાં આગળ આવવા જ જોઈએ. રાજકારણમાં સમાજ હોવું જોઈએ.

પરંતુ સમાજમાં કોઇ રાજકારણ હોવું ન જોઈએ. તેવો સામાજીક મેસેજ પોસ્ટ કર્યો હતો. આ મેસેજમાં તેઓએ કોઇના નામ જોગ ઉલ્લેખ કર્યો નહતો. પરંતુ ગ્રુપમાં મેસેજ કર્યા બાદ લુણાવાડા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઉમંગકુમાર રામાભાઈ ભોઇ, લુણાવાડા ભાજપા કારોબારી સભ્ય અજયકુમાર નાનાભાઈ ભોઇએ મેસેજ વાંચીને બિભત્સ અપમાનિત કરતા મેસેજ કર્યાં હતાં. તેમાં પણ ઉમંગે ફોન કરી કહ્યું કે , તે સમાજના ગ્રુપમાં કેમ મેસેજ કર્યો છે ? તેમ કહી ફોન પર અપશબ્દ કહ્યાં હતાં.

દરમિયાનમાં કપિલના માતા સુશીલાબહેનનો પણ ફોન આવ્યો હતો કે, અજય ભોઇ આપણા ઘરે આવી અપશબ્દ બોલી ગયાં છે. આથી, કપિલ અને તેનો ભાઇ મેહુલ બન્ને ઘરે પહોંચ્યાં હતાં. તેઓએ ઉમંગને ફોન કરી ઘરે આવી ગયાં હોવાનું જણાવ્યું હતું. તે પછી મોડી સાંજે ઉમંગકુમાર રામાભાઈ ભોઇ, અજયકુમાર નાનાભાઈ ભોઇ, સંજયકુમાર નાનાભાઈ ભોઇ, જયેશકુમાર નાનાભાઈ ભોઇ, લલીતકુમાર વિઠ્ઠલભાઈ ભોઇ, માયાબહેન અજયકુમાર ભોઇ, રિન્કુબહેન (અન્નુ) ઉમંગકુમાર ભોઇ, જાગૃતિબહેન સંજયકુમાર ભોઇ અને શારદાબહેન નાનાભાઈ ભોઇ ઘરે ધસી આવ્યાં હતાં અને કેમ સમાજને લગતા મેસેજ ગ્રુપમાં મુકે છે ? તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં.

જેમાં ઉમંગ ભોઇએ હાથમાં પથ્થર લઇ કપિલના મોઢા પર મારી દીધો હતો. જેથી તેમને આંખ પાસે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત અજયે લાકડીના ફટકા સુશીલાબહેનને મારી દીધાં હતાં. જ્યારે ટોળાએ મેહુલને ફિલ્મીઢબે પકડી મારમાર્યો હતો. જોકે, બુમાબુથી ફળીયાના માણસો ભેગા થઇ જતાં તમામ માણસોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં કપિલ અને તેના ભાઇને વાગતા ઇજા પહોંચી હતી. બાદમાં ધમકી આપી ભાગી ગયાં હતાં. આ અંગે કપિલકુમાર ભોઇએ લુણાવાડા પોલીસ મથકે ઉમંગ ભોઇ, અજય ભોઇ, સંજય ભોઇ, જયેશ ભોઇ, લલીત ભોઇ, માયાબહેન ભોઇ, રિન્કુબહેન ઉર્ફે અન્નુ ભોઇ, જાગૃતિબહેન ભોઇ, શારદાબહેન ભોઇ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top