રાજ્યના 6 મહાનગરો (Municipal Corporation) ની જેમ આગામી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારે તેવી શક્યતા જોવાઈ રહી છે. (BJP will give a chance to 100 new faces in Gujarat Assembly elections 2022 ) પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) સોમવારે આ અંગેનો ઈશારો પણ આપી દીધો છે. પાટીલે કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં 100 નવા ઉમેદવારોને ટીકિટ આપવામાં આવશે.
સોમવારે હિંમતનગર ખાતે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રણેતા સી.આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. હિંમતનગરમાં પાટીલનો ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો, ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડનું વિતરણ કર્યું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, દરેક કાર્યકર ચૂંટણીમાં ટિકીટ માંગી શકે છે. વર્ષ 2022માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે. ટિકીટ કોને આપવી અને કોને નહીં તે ભાજપ હાઈકમાન્ડ નક્કી કરે છે. જે ઉમેદવારોએ પ્રજાની વચ્ચે કામ કર્યું હશે, પ્રજાનો વિશ્વાસ સંપાદિત કર્યો હશે તેવા નવા ચહેરાઓને તક આપવામાં આવશે. એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહી કામ કરે. કોઈને પણ ટિકીટ મળી શકે છે.
ભાજપના પ્રત્યેક કાર્યકર વિધાનસભા 2022ની ચૂંટણીમાં વિજય માટે સંકલ્પ કરે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે તેનો વિશ્વાસ રાખો. જે જવાબદારી મળે તે સાચા હૃદયથી નિભાવો. પાટીલે કાર્યક્રમમાં હાજર ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓને પાર્ટીના દરેક કાર્યકરોનું કામ કરવા પણ હાંકલ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પ્રભારી મંત્રી કુબેર ડિંડોર, મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદો દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યા કુવરબા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ સહિત હોદ્દેદારો અને પેજ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.