Gujarat

અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં રૂ. 1500નો ગરબા ચાર્જ બંધ કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ: હિન્દુત્વની હિમાયતી કહેતી ભાજપ (BJP) સરકારે અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પણ રૂપિયા ૧૫૦૦ વસૂલવા ઠરાવ કર્યો છે. સાથે સાથે દોઢ વર્ષ પહેલાં અંબાજી મંદિરમાં જે પ્રસાદનું પેકેટ ૧૦ રૂપિયામાં મળતું હતું, તેના પર ક્રમશઃ ભાવવધારો કરી અત્યારે ૧૮ રૂપિયા એટલે કે ૮૦ ટકા ભાવ વધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના મીડીયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, પ્રવિત્ર યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં જે ધજા ચઢાવવા આવતા સંઘો કે ભક્તજનોને પાંચ ગરબા પણ રમવા હોય તો તેના માટે પણ રૂપિયા ૧૫૦૦ વસુલાય છે. તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. માતાજીના ગરબા ઉપર જીએસટી પણ ઉઘરાવવાનો બંધ કરવામાં આવે તથા અંબાજીના પ્રસાદમાં જે ૮૦ ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેને પણ પાછો ખેંચવામાં આવે તેવી કોંગ્રેસની માગણી છે.

કોમર્શિયલ ગરબા ઉપરની ટિકિટ પરનો ૧૮ ટકા જીએસટી દૂર થવો જોઈએ
નવરાત્રીમાં માતાજીના ગરબા રમવા જતા દીકરા દીકરીઓને હવે કોમર્શિયલ ગરબા ઉપરની ટિકિટ પર ૧૮ ટકા જીએસટી આપવો પડશે. શું આ યુવાનો માતાજીના ગરબા માત્ર શેરી ગરબા રમે તો જ આરાધના શક્ય બને? શું પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા એટલે માતાજીની આરાધના નહીં એવું ભાજપ સરકાર માને છે? પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા પણ માતાજીની આરાધના ભક્તિનો ભાવ દર્શાવે છે. આવા પ્રકારના ગરબામાં પણ અંબે માતાજીની આરતીથી શરૂઆત કરવામાં આવે છે તો શું એમ કહી શકાય કે માતાજીની આરતી કરવા માટે પણ ૧૮ ટકા જીએસટી યુવાનોએ અને માઈ ભક્તોએ ચૂકવવો પડશે?

Most Popular

To Top