નવી દિલ્હી: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું છે. તમિલનાડુના કુન્નુરમાં આજે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમની પત્ની અને અન્ય 11 અધિકારીઓના મોત થયા છે. ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના મૃત્યુના સમાચારને સમર્થન આપ્યું છે. એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ અકસ્માતમાં બચી ગયા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આજે બુધવારે સવારે તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર Mi-17V-5 ક્રેશ થયું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત કુલ 14 લોકો આ ચોપરમાં મુસાફરી કરી રહ્યાં હતાં. હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના સુલુર બેઝથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ કોલેજ (DSC) જઈ રહ્યું હતું. આ અકસ્માત ગાઢ ધુમ્મસ વચ્ચે નંજપ્પનચાથિરમ વિસ્તારમાં થયો હતો અને પ્રારંભિક દ્રશ્યોમાં હેલિકોપ્ટરમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. વાયુસેનાએ કહ્યું છે કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે IAFનું Mi-17VH હેલિકોપ્ટર ક્રેશ થયું. અકસ્માતનું કારણ જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપવામાં આવ્યો છે. હેલિકોપ્ટરે કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી.
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરના ક્ષતિગ્રસ્ત અને બળી ગયેલા ટુકડા ક્રેશ સાઇટ પર વિખરાયેલા હતા. ઘટનાને નજરે જોનારા પ્રત્યક્ષદર્શીઓએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે જોરદાર અવાજના લીધે તેઓ ઘરની બહાર દોડી ગયા હતા. ઝાડ સાથે અથડાવાના લીધે આગના ગોળાની જેમ હેલિકોપ્ટર ધરતી તરફ આવી રહ્યું હતું. ક્રેશ બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, જેના કારણે અંદર બેસેલા તમામ ખરાબ રીતે દાઝી ગયા હતા. હેલિકોપ્ટર નીચે પડ્યું ત્યાર બાદ ગ્રામવાસીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવકાર્ય શરૂ કર્યું હતું, પરંતુ મોટાભાગના લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ઘણાના મૃતદેહ 80 ટકા બળી ગયા હતા. આગમાં સળગી જવાના કારણે મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.