Dakshin Gujarat

‘30 લાખ રેડી રખો, વર્ના ફેમિલી મેં સે 1 આદમી કમ’ નો મરોલીના બિલ્ડરને મેસેજ કરનાર ઝડપાયો

નવસારી : મરોલીના બિલ્ડર (Builder) પાસે વોટ્સએપ (WhatsApp) પર મેસેજ કરી પરિવારના સભ્યને જાનથી મારી નાંખવાની ધમકી 30 લાખની ખંડણી (Ransom) માંગી હતી. જે બાબતે બિલ્ડરે પોલીસ (Police) મથકે ગુનો નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ખંડણીના આરોપીને ઝડપી પાડ્યો હતો.મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના મરોલી રેલ્વે સ્ટેશનની સામે કલ્પવૃક્ષમાં જીનેન્દ્રભાઈ જગદીશભાઈ શાહ કન્સ્ટ્રકશનનો વેપાર કરે છે. ગત 19મીએ જીનેન્દ્રભાઈ તેમના ઘરે હતા. ત્યારે એક નવા મોબાઈલ નંબર પરથી અજાણ્યા ઇસમે જીનેન્દ્રભાઈને વોટ્સએપ પર ‘30 લાખ રેડી રખો, વર્ના ફેમીલી મે સે 1 આદમી કમ’નો અંગેજીમાં મેસેજ કર્યો હતો.

અભી તુમ્હારી ભાભી લીલી સાડી મે, રાત કો પેમેન્ટ રેડી રખો
જેમાં ચપ્પુનું ચિન્હ તથા જીનેન્દ્રભાઈના પિતા ઘર પાસે ખુરશી ઉપર બેસેલા હોય તેનો ફોટો દર્શાવી ‘આપકા ઘર હમારી નજર મે હે, પૈસે કા બંદોબસ્ત કરકે રખના, લોકેશન શામ કો બતાતા હું, તુમ્હારા ભાઈ અભી બજાર મે હે, બનાના લેકે આયા હે, મોપેડ બાઈક પે, એક્ટિવા પે અભી તુમ્હારી ભાભી લીલી સાડી મે, રાત કો પેમેન્ટ રેડી રખો લોકેશન સેન્ડ કરતા હું ઓકે, લખીને મેસેજ કર્યો હતો.

ટેલરીંગની દુકાન ઉપરથી પકડી પૂછપરછ કરી હતી
જેથી જીનેન્દ્રભાઈએ તેમના પરિવારને જીવનું જોખમ હોવાથી જીનેન્દ્રભાઈએ મરોલી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ બાબતે નવસારી એલ.સી.બી. પોલીસે ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા જીનેન્દ્રભાઈ પાસે મોબાઈલ વોટ્સએપ મેસેજ કરી 30 લાખની ખંડણીની માંગણી કરનાર ઇસમ જલાલપોર તાલુકાના મરોલી બજાર ખાનની ચાલમાં રહેતા મોહમદ અબરાર સમસુલહુદા અન્સારી હોવાનું જણાતા પોલીસે મરોલી બજાર સ્ટેશન પાસે રાજ ટેલર નામની ટેલરીંગની દુકાન ઉપરથી પકડી પૂછપરછ કરી હતી. જેથી મોહમદ અબરારે ખંડણીના ગુનાનો એકરાર કરતા પોલીસે તેની ધરપકડ કરી ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલો મોબાઈલ ફોન તપાસ અર્થે કબ્જે કરી આગળની તજવીજ અર્થે મરોલી પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top