બારડોલી: (Bardoli) તાપી જિલ્લામાં ડાંગ તરફથી દારૂ (Alcohol) ભરેલી બે કારનો ફિલ્મીઢબે પીછો કરનાર સુરત રેન્જ આઈ.જી.ની પ્રોહિબિશન સ્ક્વોડની કારને બારડોલી-ધુલિયા ચોકડી ઓવરબ્રિજ (Over Bridge) પર ટક્કર મારી બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે પોલીસકર્મીએ (Police) બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
- દારૂ (Liquor) ભરેલી કારોનો પીછો કરનાર પોલીસની કારને બુટલેગરો ટક્કર મારી નાસી ગયા
- રેન્જ આઈ.જી.ની દારૂબંધી માટેની વિશેષ ટીમની કારને ટક્કર મારતાં બારડોલી ટાઉન પોલીસમાં બુટલેગરો સામે ગુનો નોંધાયો
પ્રાપ્ત માહિતી અનુસાર અધિક પોલીસ મહાનિદેશક સુરત વિભાગની કચેરીની દારૂબંધીની ખાસ કામગીરી માટે બનાવવામાં આવેલ સ્ક્વોડમાં કામ કરતાં હેડ કોન્સ્ટેબલ સંદીપ હીરાલાલ રાઉટ (રહે.,શબરીધામ સોસાયટી, કાનપુરા, વ્યારા)એ પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ મંગળવારે મળસકે અન્ય પોલીસકર્મીઓ અને પંચોના માણસો સાથે તાપી જિલ્લામાં દારૂબંધીની રેડમાં હતા. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડાંગ જિલ્લાના ભેંસકાતરીના જંગલના રસ્તેથી વ્યારા તરફ વિદેશી દારૂ ભરેલી બે કાર આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વ્યારા નજીક આવેલા સરૈયા ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ કાર આવતાં તેને રોકવાની કોશિશ કરતાં બંને કારચાલક કાર વ્યારા તરફ પૂરઝડપે હંકારી ગયા હતા. આથી પોલીસે પણ બે ખાનગી વાહનો થકી બંને કારનો પીછો કર્યો હતો.
આ દરમિયાન પોલીસને પીછો કરતાં રોકવા માટે એક નંબર વગરની ફોર્ચ્યુનર કાર અને હુંડાઇ સેંટાફી કારે અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમ છતાં પોલીસે નેશનલ હાઇવે નં.53 ઉપર દારૂ ભરેલી બંને કારોનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસે સુરત તરફ જતાં બારડોલીની ધુલિયા ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજના સામા છેડે નાકાબંધી કરાવી દીધી હતી. આથી બુટલેગરોએ તેમની બંને કારોને યુ-ટર્ન લઈ વ્યારા તરફ પરત ફર્યા હતા. આ દરમિયાન એક કારના ચાલકે પોલીસની આઈ-20 ખાનગી કારની પાછળના ભાગે જોરથી ટક્કર મારી અકસ્માત કરી બંને કારચાલક તેમની કાર પૂરઝડપે હંકારી નાસી છૂટ્યા હતા. નસીબજોગ કારમાં સવાર કોઈને ઇજા પહોંચી ન હતી. સમગ્ર ઘટના અંગે સંદીપ હીરાલાલ રાઉતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ચાર ઇસમ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.