Dakshin Gujarat

બારડોલીના સલૂન સંચાલકને 399 રૂપિયાના કાજુ બદામ 15 હજારમાં પડ્યા

બારડોલી: (Bardoli) બારડોલીના સલૂન સંચાલકને ક્રેડિટ કાર્ડથી (Credit Card) 399 રૂપિયામાં ઓનલાઈન (Online) કાજુ બદામનું પેકેટ ખરીદવાનું ભારે પડ્યું હતું. તેમના ક્રેડિટ કાર્ડ ખાતામાંથી 399ની જગ્યાએ 15 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. તેમણે આ અંગે બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

  • બારડોલીના સલૂન સંચાલકને 399 રૂપિયાના કાજુ બદામ 15 હજારમાં પડ્યા
  • સલુન સંચાલક દુકાને બેસી મોબાઇલમાં બિગ બજાર નામની વેબસાઇટ પર પ્રોડક્ટ જોતા હતા
  • કાજુ બદામનાં પેકેટનો ઓનલાઈન ઓર્ડર આપી ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરી હતી

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના માણેકપોર ગામે પટેલ ફળિયામાં રહેતા શૈલેશ અમૃત મૈસુરિયા (ઉં.વ.46) બારડોલીના સ્ટેશન રોડ પર આવેલા ક્રિષ્નામોલમાં સ્ટાયલો યુનિસેક્સ નામથી સલૂન ચલાવે છે. ગત તા.26-7-2023ના રોજ તેઓ પોતાની દુકાને પર બેસી મોબાઇલમાં બિગ બજાર નામની વેબસાઇટ પર પ્રોડક્ટ જોતા હતા. એ સમયે એક કાજુ બદામનું પેકેટ રૂ.399માં હોય તે ગમી જતાં તેમણે બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરી ખરીદ્યું હતું.

પરંતુ ચૂકવણીના થોડીવારમાં જ મોબાઇલમાં ક્રેડિટ કાર્ડમાંથી રૂ.15 હજાર કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. આથી પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જાણી તેમણે તાત્કાલિક સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે બારડોલી ટાઉન પોલીસમથકમાં પણ આ બાબતે પ્રાથમિક માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ આગળની તપાસ કરી રહી છે.

બારડોલીના ગોજીથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
બારડોલી: બારડોલી ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડી.આર. વસાવા અને તેની ટીમ સરભોણ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે ગોજી ગામની સીમમાં નહેરની બાજુમાં શેરડીના ખેતરમાં રૂપેશ ભરતભાઇ પરમાર નામના બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને તે સગેવગે કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે છાપો મારતાં એક ઈસમ મોપેડ લઈ નાસી છૂટ્યો હતો. જ્યારે મુખ્ય બુટલેગર રૂપેશ ભરત પરમાર (ઉં.વ.27) (રહે., માહ્યાવંશી મહોલ્લો, નિઝર, તા.બારડોલી)ને પીછો કરી પકડી લેવાયો હતો. પોલીસે રૂ.55200નો દારૂ, એક મોબાઇલ ફોન કિં.રૂ. 800 મળી કુલ 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ભાગી છૂટનારા રાહુલ પટેલ (રહે., ટાંકલ, તા.ચીખલી, જિ.નવસારી) અને જયેશ (રહે.,શીકેર, તા.વાલોડ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top