બારડોલી : શાળા-કોલેજ શરૂ થતાં જ એસ.ટી.બસના (ST Bus) કન્સેશન પાસ (Concession pass) કઢાવવા માટે બારડોલી લિનિયર (Bardoli Linear) બસ સ્ટેન્ડ (Bus Stand) પર વિદ્યાર્થીઓની (Student) લાંબી કતાર લાગી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી લાંબી કતારોને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. શાળા-કોલેજોમાં પાસ માટે વિશેષ વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવે છે. પરંતુ તેનો કેટલો અમલ થઈ રહ્યો છે તેનો અંદાજો આ બસ સ્ટેન્ડમાં લાગેલી લાંબી લાઇન પરથી લગાવી શકાય છે.
- શાળા-કોલેજ શરૂ થતાં જ એસ.ટી.બસના કન્સેશન પાસ માટે લાંબી કતાર
- બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓની લાંબી લાઈન
- છેલ્લા ત્રણ દિવસથી લાંબી કતારોને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર
બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે. શાળા-કોલેજોમાં નવા સત્રના પ્રારંભ સાથે જ એસ.ટી. બસમાં અવરજવર કરતાં વિદ્યાર્થીઓ કન્સેશન પાસ કઢાવતા હોય છે. સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે બસનો પાસ કાઢી આપવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે અમુક ટકા કન્સેશન આપવામાં આવે છે. સામાન્ય રીતે સત્ર શરૂ થયાના બીજા ત્રીજા અઠવાડિયામાં એસ.ટી. વિભાગ દ્વારા જે-તે શાળા કોલેજમાં પાસ ઇશ્યુ કરવા માટે કર્મચારીઓને મોકલવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનો સમય અને અભ્યાસ બગડી ન શકે.
બારડોલીના લિનિયર બસ સ્ટેન્ડ પર પણ બસ પાસ કાઢવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં પાસ કઢાવવા માટે લાગતી વિદ્યાર્થીઓની લાંબી કતાર એસ.ટી. તંત્રનો પોલ ખોલી રહી છે. એસ.ટી. તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પર ત્રણ કાઉન્ટર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવારથી ઊભેલા વિદ્યાર્થીઓનો આખો દિવસ ઊભા રહેવા છતાં પાસ નીકળી શકતો નથી. આથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બપોરે ત્રણ વાગ્યે કાઉન્ટર બંધ થઈ જતું હોવાનું પણ પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.
બારડોલી એસ.ટી. ડેપોના મેનેજર મિલન વાઢેરે જણાવ્યું હતું કે, શાળા-કોલેજમાં સુવિધા કરી આપી હોવા છતાં વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ પર જ પાસ કઢાવવા આવતા હોવાથી લાંબી કતાર લાગી રહી છે. તેમણે પાસ માટે બસ સ્ટેન્ડ પર એક સાથે ત્રણ કાઉન્ટરની સુવિધા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.