‘ગુજરાતમિત્ર’ પરિવારના શિરેથી અવંતિકાબહેન રેશમવાળાના પ્રેમાળ માતૃવાત્સલ્ય અને તેમના કુશળ દિશાનિર્દેશનનો છાયો ઓસર્યાને આજે 25 વર્ષ પૂણ થયાં. તેમને નિકટથી જાણનારા કે તેમનો માત્ર અછડતો પરિચય ધરાવનારાઓ પર પણ તેમના સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વનો ઓજસ અચૂક પથરાતો. અહીં ટી.એન્ડ ટી.વી. શાળાનાં પૂર્વ શિક્ષિકા અને પોતે એમ.એ. અને લાઇબ્રેરી સાયન્સનાં વિદ્યાર્થિની રહી ચૂકેલાં એવા તત્ત્વજ્ઞાનના વર્ગોમાં અવંતિકાબહેનના સહસત્સંગી ચિત્રાબહેન અલમૌલા તેમની સ્મૃતિ વાગોળી શબ્દાંજલિ અર્પે છે.
સાલસ, પરગજુ વ્યક્તિત્વ કેવું હોય તે વિચારું તો અવંતિકાબેન યાદ આવે છે. હું સાતમાં ધોરણમાં હતી ત્યારે તેમનો પ્રથમ પરિચય થયેલો. બાલિકા સમાજ જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે તેમાં મેં નૃત્ય કરેલું અને અવંતિકાબેનના હાથે સન્માન પામેલી. ‘ગુજરાતમિત્ર’ જેવી અખબારી સંસ્થાનાં તેઓ તો મોભી ગણાય પણ સુરતની સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં તેમને ઊંડો રસ હતો. આવી પ્રવૃત્તિ કરતી વેળા તેઓ કયારેય ‘ગુજરાતમિત્ર’નાં પ્રચારક બન્યાં નથી. સુરતને નવી સામાજિક દૃષ્ટિથી નેતૃત્વ આપનારા તે સમયનાં કેટલાંક મહિલાઓમાં તેઓ અગ્રેસર હતાં.
તેઓ પ્રવૃત્તિ ઘણી કરે પણ મહત્ત્વકાંક્ષા દાખવે નહીં. તેમની પ્રવૃત્તિમાં આંદોલન કરી રહ્યાનો આવેશ પણ નહીં. સ્ત્રીની પ્રથમ જવાબદારી પોતાનું કુટુંબ છે અને તે સાચવવા સાથે સામાજિક પ્રવૃત્તિ કરવી જોઈએ તેવો તેમનો અભિગમ હતો. તેમની જીભ પર કદી કડવાશ ઊતરી નથી. વધુ પડતું બોલેય નહીં. જે કાંઇ પ્રવૃત્તિ કરે તેમાં અધિકારભાવ પણ પ્રગટ નહીં થવા દે. આ શહેરનાં ઉત્તમ સામાજિક કાર્યકર તરીકે તેમને ગણાવું તો તેમના વ્યક્તિત્વનું માન કર્યું એમ કહી શકું. તેમની સાથે પ્રભાવતીબેન પટેલ, કુસુમબેન શાહ, જયોત્સનાબેન શુકલ, ધ્રુલતા પારેખ, આર.આઇ.પટેલનાં જીવનસાથી શારદાબેન વગેરેને યાદ કરવાનું મન થાય. પરસ્પર મૈત્રીથી તેઓ કામ કરતાં અને સુરત માટેની લાગણી આ બધામાં કેન્દ્રસ્થાને હતી.
અવંતિકાબેન સાથે અમે મથુરા, વૃંદાવન સહિત ઘણાં સ્થળોએ યાત્રા કરી છે. સુરત માધવ બંગલોમાં ચિન્મયાનંદજી, દયાનંદજી, વિદિતાનંદજી, નિત્યબોધજી કથાબોધ કરતા, ભાગવત સપ્તાહ યોજાતી અને તેમાં તેઓ હંમેશાં આવતાં. એકથી વધુ રીતે તેઓ પોતાનાં વ્યક્તિત્વ વિકાસ બાબતે જાગૃત હતાં. સમૂહ સ્થાનોમાં જાય ત્યારે ગરીબ-શ્રીમંતનો ભેદ પણ ન કરે એવી તેમની સામાજિક સમતા કેળવાયેલી હતી. તેમને સાહિત્યમાં પણ ઊંડો રસ. ‘ગુજરાતમિત્ર’માં જે નવલકથાઓ પ્રગટ થતી હોય એ જ નહીં, તે ઉપરાંતના સાહિત્યકારોની કૃતિ વાંચવાનું ય તેમનું વલણ હતું.
આજે વિચારું તો થાય છે કે અવંતિકાબહેનસમા વ્યક્તિત્વ આ નગરમાં ઓછાં રહી ગયાં છે. તેમણે સામાજિક કાર્યોમાં જ પોતાના વ્યક્તિત્વનો વિકાસ જોયો અને સદા નમ્ર રહ્યાં. તેમનાં વસ્ત્ર, તેમની વાણી, તેમનો વ્યવહાર જ એવો કે તેઓ કશું ન બોલે તો પણ બધાથી અલગ તારવી કહી શકો કે આ છે અવંતિકાબેન રેશમવાળા. યાદ કરો તો ચિત્તમાં તેમના ચહેરાની રેખાઓ સ્પષ્ટ થવા માંડે અને સાલસ સ્મિત સાથે આપણી સાથે વાત કરતાં અનુભવાય. અવંતિકાબેન તો બસ એવા જ હોય. ઘણા બધા વચ્ચે હોય તો પણ પોતીકાં લાગે એવાં.
ચિત્રા અલમૌલા