National

દેશમાં કોરોના બાદ મંકીપોક્સનું જોખમ! કેરળમાં બીજો કેસ મળતાં તંત્રની ચિંતા વધી

કેરળ: કેરળમાં (Kerala) મંકીપોક્સના (Monkeypox ) વધુ એક કેસની (Case) પુષ્ટિ થઈ છે. થોડા દિવસો પહેલા કેરળમાં પણ મંકીપોક્સનો એક કેસ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરી એક નવો કેસ નોંધાતા રાજ્ય સહિત દેશમાં નવા વાયરસના (Virus) એંધાણ દેખાઈ રહ્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આજે આ અંગે જાણકારી આપી હતી. જો કે દેશના અન્ય કોઈ રાજ્યમાં હાલ મંકીપોક્સના કેસ નોંધાયા નથી. જો કે રાજ્યમાં એક પછી એક મંકીપોક્સના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. આ સાથે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમામ દેશોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વિશ્વના 27 દેશોમાં મંકીપોક્સના લગભગ 800 કેસ નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય છે.

કેરળમાંથી મળી આવેલા બંને કેસની વાત કરીએ તો તેનું કનેક્શન વિદેશ સાથે જોડાયેલું છે. કેરળમાં પ્રથમ મંકીપોક્સનો દર્દી અન્ય દેશમાંથી ભારત આવ્યો હતો. ત્યારે આ દર્દીને ખૂબ તાવ અને શરીરમાં તીવ્ર દુખાવોની ફરિયાદ કરી હતી. જ્યારે તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે પુષ્ટી થઈ કે તે મંકીપોક્સ નામના વાયરસથી સંક્રમિત છે. ત્યારે હવે બીજો કિસ્સો સામે આવતા તંત્રની ચિંતા વધી છે. જો મંકીપોક્સના બીજા દર્દીની વાત કરીએ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો આ વ્યક્તિ પણ દુબઈથી ભારત પરત ફર્યો હતો. ચિંતાની વાત એ છે કે દર્દી બે મહિના પહેલા જ ભારત પરત ફર્યો હતો, પરંતુ હવે તેનામાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે.

જો કે નિષ્ણાતો માને છે કે મંકીપોક્સથી ડરવાની જરૂર નથી. તે કોરોના વાયરસની જેમ ફેલાતો નથી. કોરોના કરતા તે ઓછો ગંભીર છે. આ અંગે ઈન્ડિયા મેડિકલ ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા કેરળના મેડિકલ એક્સપર્ટ ડૉ. રાજીવ જયદેવને કહ્યું કે કોરોનાથી વિપરીત મંકીપોક્સ ઝડપથી ફેલાતો રોગ નથી. તેમણે કહ્યું કે આ વર્ષે અમેરિકા અને યુરોપમાં લગભગ છ હજાર કેસ જોવા મળ્યા છે, પરંતુ આમાંથી એક પણ દર્દીનું મોત થયું નથી. આફ્રિકામાં કેટલાક સ્થળોએ મંકીપોક્સનો ચોક્કસ મૃત્યુદર હતો, પરંતુ આ બીમારીનો કોંગો સ્ટ્રેઇન અન્ય કશે જોવા મળ્યો નથી. જો મંકીપોક્સના લક્ષણો વિશે વાત કરીએ તો સંક્રમતિને દર્દી તાવ, ગંભીર માથાનો દુખાવો, સોજો અને થાક લાગતો હોય છે.

Most Popular

To Top