હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના લડવૈયા અલ્લુરી સીતારામ રાજુના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. અલ્લુરી સીતારામ રાજુની આ 125મી જન્મશતાબ્દી છે, જે પ્રસંગે તેમનું સ્ટેચ્યુ આંધ્ર પ્રદેશના ભીમવરમ્ પાર્કમાં મૂકવામાં આવ્યું છે. અંગ્રેજોના શાસન દરમિયાન દેશમાં અનેક ઠેકાણે નાની-મોટી લડતો થઈ પણ તેનો ઇતિહાસ પ્રચલિત નથી. આંધ્ર પ્રદેશમાં અલ્લુરી રાજુનું નામ-કાર્ય ખૂબ મોટું છે પણ દેશમાં અત્યાર સુધી તેમની ઓળખ વ્યાપક રીતે પ્રસ્થાપિત થઈ નથી. હવે અલ્લુરી સીતારામનું નામ પ્રચલિત થઈ રહ્યું છે. છેલ્લે એસ. એસ. રાજામૌલીની મલ્ટિસ્ટારર ‘RRR’ ફિલ્મ આવી તેમાં પણ એક પાત્ર અલ્લુરીના જીવનથી પ્રેરિત હોવાનું કહેવાય છે. એ પહેલાં દક્ષિણના ફિલ્મોમાં અલ્લુરી સીતારામનું પાત્ર અનેક ફિલ્મોમાં આવી ચૂક્યું છે. અલ્લુરી સીતારામની જીવની સાહસથી ભરપૂર છે અને તેમણે અંગ્રેજો સામે આપેલી લડતોના કિસ્સા દક્ષિણના પ્રદેશોની લોકવાર્તાઓમાં વણાઈ ચૂક્યા છે.
અંગ્રેજો સામે બંડ પોકારવાનો તેઓ કિશોર વયે નિર્ધાર કરી ચૂક્યા હતા. પણ અંગ્રેજો સામે બાથ ભીડવાની આવી વર્ષ 1922માં; જ્યારે ‘મદ્રાસ ફોરેસ્ટ એક્ટ’ કડકાઈથી અંગ્રેજોએ લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ જંગલમાં વનવાસીઓને મુક્ત રીતે હરવાફરવા પર અંકુશ મુકાયો હતો. આજથી 100 વર્ષ અગાઉ અનેક ઠેકાણે જંગલોમાં વનવાસી ખેતી સુધ્ધાં કરતાં, તે રીતે તેમનું ખેતીનું કામ છીનવાયું. એ પછી અલ્લુરીએ અંગ્રેજો સામે લડત ઉપાડી અને તેમાં ખૂંપી ગયા. અલ્લુરી સીતારામ વિશે ગાંધીજીએ પણ 1929ના વર્ષમાં એક લેખ લખ્યો છે.
આ લેખની પ્રેરણા તેમને ત્યારે મળી જ્યારે આંધ્રની મુસાફરી દરમિયાન તેમને ભેટમાં અલ્લુરી સીતારામની છબિ ભેટ કરવામાં આવી. આ ભેટ મળી નહોતી ત્યાં સુધી અલ્લુરી સીતારામના જીવન વિશે ગાંધીજીને ખબર નહોતી. ગાંધીજીએ પછી કોંગ્રેસ નામના તેલુગુ છાપાના એક તંત્રી અન્નપૂણયા પાસે વિગતો મેળવીને અલ્લુરી રાજુ વિશે વિગતે લખ્યું છે. ગાંધીજી અહિંસક લડતમાં માનતા તેથી તેઓ લેખના આરંભે લખે છે કે, “સશસ્ત્ર બંડને હું ટેકો ન આપી શકું, તેની સાથે મારી સહાનુભૂતિ ન હોઈ શકે”. આ મર્યાદા દાખવીને જે લખ્યું છે તેમાં અલ્લુરી રાજુની પ્રશંસા કરી છે અને તેમના જીવનની વિગતો પણ લખી છે.
આ લેખમાં તેઓ લખે છે : “શ્રી રામ રાજુ જેવા યુવકરત્નને તેમની વીરતા, આત્મત્યાગ, ખાનદાની અને જીવનની સાદાઈને માટે વંદન કર્યા વિના નહીં રહી શકું. જો એમની જીવનકથામાં વર્ણવાયેલી વાતો સાચી હોય તો તેમને ફિતૂરી ન કહી શકાય, એક સુભટ વીર તરીકે જ તેમની ગણના થાય. આપણા દેશના નવયુવકો શ્રી રામ રાજુ જેવાં હિંમત, ઉત્સાહ, દેશભક્તિ અને કાર્યદક્ષતા કેળવે ને સ્વરાજ્યને સારુ શુદ્ધ સત્યાગ્રહની લડતમાં તેમનો ઉપયોગ કરે તો કેવું સારું! મને તો દિવસેદિવસે દીવા જેવું સ્પષ્ટ થતું જાય છે કે આપણા શિક્ષિત મધ્યમ વર્ગે પોતાના સ્વાર્થને લીધે જે વિશાળ સાધારણ વર્ગની જનતાને દબાયેલી સ્થિતિમાં રાખી છે તેનામાં જો આપણે ખરી જાગૃતિ લાવવી હોય અને તેનો ખરો ઉદ્ધાર કરવો હોય તો તેને સારુ સત્ય અને અહિંસા એ જ એકમાત્ર સાધન છે. આપણા જેવી કરોડોની જનસંખ્યાવાળી પ્રજાને બીજા કોઈ ઉપાયની જરૂર હોય જ નહીં.”
આગળ તેમનાં જીવન વિશે લખે છે, “અલ્લુરી શ્રી રામ રાજુના નાનપણ વિશે વધારે હકીકત મળતી નથી. પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં મોગાલુ નામના ગામમાં, એક પ્રતિષ્ઠિત ક્ષત્રિય કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. આંધ્રમાં કેટલીયે નિશાળોની તેમણે મુલાકાત લીધી હતી પણ પાંચમા ધોરણથી તે આગળ વધી શક્યા નહોતા. ભણવામાં તેમણે કદી તેજસ્વિતા બતાવી જણાઈ નથી. તે સારા ગવૈયા અને ઊગતા કવિ હતા.”
અંગ્રેજો સામે લડત કેવી રીતે આપવી તેને લઈને અનેક લડવૈયાઓમાં મતભેદ હતો. ગાંધીજી પણ અલ્લુરી રાજુ સાથેનો તે ભેદ શબ્દમાં મૂકતા લખે છે : “અસહકારના આંદોલન તરફ તેમની ખાસ સહાનુભૂતિ હોવાનું જાણવામાં આવ્યું નથી. શસ્ત્રબળમાં તેમની શ્રદ્ધા તેમણે અનેક વાર પ્રગટ કરી હતી અને ત્યાર પછી તેમના જીવનથી પણ એ જ વાત સિદ્ધ થાય છે પણ અસહકારની પ્રવૃત્તિને એક પ્રયોગ તરીકે અજમાયશ આપવી જોઈએ એમ માનીને અસહકારના દિવસોમાં તે ચૂપ રહ્યા. દારૂ અને અદાલતોના બહિષ્કારવાળો ભાગ તેમને પસંદ હતો અને ગોદાવરી તથા વિઝાગાપટ્ટમ જિલ્લાઓમાં તેમ જ એજન્સી ઇલાકામાં તેમણે ઉત્સાહપૂર્વક દારૂનિષેધની પ્રવૃત્તિ ઉપાડી લીધી.”
“એમની ભક્તિ અને એમના શુદ્ધ જીવનને લીધે ટોળાબંધ લોકો એમની તરફ આકર્ષાવા લાગ્યા. એજન્સી ઇલાકાના લોકોને માટે તો એમનો બોલમાત્ર શાસ્ત્રવચન હતું. આ સરળ સ્વભાવના લોકોનાં હૃદય ઉપર એમના લાગણીભર્યાં ઉદગારોએ જાદુઈ અસર કરી. મદ્યપાનનિષેધ અને કોર્ટોના બહિષ્કારનો એમનો સંદેશ દાવાનળની જેમ ગામેગામ પ્રસરી ગયો અને આખા એજન્સી ઇલાકામાં એકએક જણે એમની હાકલ સાંભળી કમર કસી. અહીંની પ્રજામાં એક નવી જાગૃતિ આવી ગઈ. ટોળાબંધ લોકોએ દારૂ ન પીવાનાં વ્રતો લીધાં અને કોર્ટો સૂની પડી ગઈ.
ગામમાં અનેક પંચાયતો સ્થાપવામાં આવી અને તે દ્વારા ન્યાય અપાવા લાગ્યો. કહેવાય છે કે રાજ પોતે નિયમિત રીતે ખાદી પહેરતા અને ફિતૂરી કેસોમાં અપાયેલી જુબાની ઉપરથી જણાય છે કે રાજુ પોતાના સિપાઈઓને માત્ર ખાદીના જ પોશાકો આપતા હતા. તૂણીના અસહકારી ખાદીકાર્યકર્તા શ્રી રલાપલ્લી કાસન્ના ઉપર શ્રી રામ રાજુની સેનાને પોશાક માટે ખાદી આપવાને કારણે કેસ પણ ચલાવવામાં આવ્યો હતો. રામ રાજુનો ઉતારો શ્રીરામના મંદિરમાં હતો.
ત્યાં તે તપ કરતા હતા. લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે રોજ ત્યાં જતા અને એમનાં વચનામૃત સાંભળી ભાવભીના થતા. એમનો સંદેશો ભક્તિ અને આધ્યાત્મનો હતો પણ દૂધમાં સાકરની જેમ તેમાં દેશભક્તિનો રસ પણ વ્યાપેલો હતો. આ અમૃતરસ લૂંટવા લોકો તૂટી પડ્યા. પરિણામે આ 25 વર્ષના નવયુવક સંન્યાસીના ઉપદેશથી આ અભણ કોયા લોકોમાં મોટી ક્રાંતિ આવી. સરકારને આની ગંધ આવી ગઈ. કહેવાય છે કે મુસલમાન ડેપ્યુટી કલેક્ટર અને તપસ્વી રાજુ મળ્યા હતા પણ મુલાકાતમાં થયેલી વાતચીત બાબત કોઈને ચોક્કસ ખબર નથી. પરિણામે ડેપ્યુટી કલેક્ટરે રાજુને 30 એકર જમીન અને ખેતી અંગેની ખાસ સગવડો આપવાની મદ્રાસ સરકારને ભલામણ કરી. જમીન રાજુને આપવામાં આવી પણ ખરી. દેશભક્તનું ખેડૂતમાં પરિવર્તન કરવાની આ એક સરકારી યુક્તિ હતી.”
“પણ દેશભક્ત તે દેશભક્ત જ રહ્યા. લૂંટારાની જેમ કબજો કરીને બેઠેલી પરદેશી સત્તાના હાથમાંથી આખા હિંદુસ્તાનને છોડાવવાનો એમનો આદર્શ હતો. માત્ર 30 એકરથી એમને સંતોષ વળે એમ નહોતું. એમણે ગીતાનો અભ્યાસ કર્યો હતો અને પોતાનો સ્વધર્મ તે સમજી ગયા હતા. સ્વતંત્ર હિંદુસ્તાનનો ચિતાર એમની આંખ આગળ તરતો હતો અને તે હેતુથી એમણે મૂંગેમૂંગે પોતાનું કામ શરૂ કર્યું. એજન્સી ઇલાકાની પરિસ્થિતિ અનુકૂળ હતી. દેશને માટે તેનો તેમણે પૂરેપૂરો ઉપયોગ કર્યો.”
એ પછી અલ્લુરી રાજુની જાણીતી લડતનો ઉલ્લેખ કરતાં ગાંધીજી લેખમાં નોંધે છે : “એજન્સીમાં ગુડેમ તાલુકામાં તેમણે પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. એજન્સીમાં દેશની સાધારણ શાસનપ્રણાલી નથી ચાલતી. સન્તાલ પરગણાની પરિભાષામાં અહીં ‘જબરદસ્ત’ શાસનપ્રણાલી ચાલે છે. અહીં એક તહસીલદાર હતો. રોડ કોન્ટ્રાક્ટર પણ તે હતો એટલે સડકો તૈયાર કરાવવાનો ઇજારો તેનો હતો. ઘાતકીપણામાં તે ડાયરને પહોંચે એવો હતો. વળી સરકારે ઘડેલા જંગલને લગતા કાયદા ઓછા ઘાતકી નહોતા. કોયા લોકોના જન્મસિદ્ધ હક છીનવી લેવામાં આવ્યા હતા. રસોઈને સારુ જંગલમાંથી તેઓ પહેલાંની જેમ એક પણ ઝાડ કાપી નહીં શકતા, ચરવાને સારુ જંગલમાં ઢોર છૂટાં મૂકી નહીં શકતા એટલે આખો એજન્સીનો ઇલાકો અસંતોષથી ઊકળી રહ્યો હતો.”
“રાજુને આ સરસ ક્ષેત્ર મળ્યું અને સ્વરાજ્યના આંદોલનને ખૂબ ઉત્તેજન મળ્યું. રાજુ એજન્સીમાં એટલા બધા લોકપ્રિય હતા કે સરકારની અનેક પ્રકારની દમનનીતિ છતાં લોકોએ એમને વિશે કોઈ પણ પ્રકારની ખબર સરકારને ન આપી. આખા યુદ્ધમાં છ ઝપાઝપી થઈ હતી. એમાંથી પાંચમાં રાજુની મોટી જીત થઈ. છઠ્ઠી ઝપાઝપી વખતે સરકારે મલબાર અને આસામથી ખાસ ફોજની ટુકડીઓ મંગાવી હતી. ભારે યુદ્ધ થયું. એક વાર રાજુ સૂતા હતા તે વખતે દુશ્મન ઓચિંતા આવી ચડ્યા પણ રાજુ બહાદુરીથી દુશ્મનનો મુકાબલો કરી સાવ બચી ગયા. છેલ્લી લડતમાં પણ રાજુ ઉપર ઓચિંતો હુમલો થયો હતો. આ વખતે રાજુની હાર થઈ કહેવામાં આવે છે.
લોકવાયકા ચાલે છે કે એજન્સીના ઇલાકાના લોકો ઉપર સરકાર તરફથી પાર વિનાની અનીતિ ચલાવવામાં આવી છે, સરકારી લશ્કરને સારુ ખાવાપીવાની સામગ્રી મેળવવાને માટે જાતજાતના અત્યાચાર કરવામાં આવે છે અને લોકોને આકરા દંડ કરવામાં આવ્યા છે એ સાંભળી રાજુ અતિશય મુંઝાયા અને તેમની હારનું કેટલેક અંશે આ પણ એક કારણ હતું.” “રાજુ પકડાયા કે ગોળીથી ઠાર થયા, હમણાં તે જીવે છે કે મરી ગયા, આ પ્રશ્નો ઊભા થાય છે. રાજુના અંત બાબતના કોયડાનો ઉકેલ ન થઈ શકે એવો છે.” ગાંધીજી અલ્લુરી રાજુ વિશે 90 વર્ષ અગાઉ આટલું લખીને ગયા તેમ છતાં અલ્લુરી રાજુ અને તેમના જેવા અજાણ્યા સ્વતંત્ર્યવીરોની કહાની વારંવાર બયાન થવી જોઈએ.