મુંબઈ: મુંબઈ એરપોર્ટ (MumbaiAirport) પરના સ્ટાફની બેદરકારીને લીધે દુ:ખદ ઘટના બની છે. અહીં એરપોર્ટના સ્ટાફે 80 વર્ષીય વૃદ્ધને વ્હીલચેર (Wheel Chair) આપવાની ના પાડી હતી, જેના લીધે વૃદ્ધે એરપોર્ટ પર દોઢ કિ.મી. ચાલવું પડ્યું હતું. વધુ પડતાં શારીરિક શ્રમ કરવાના લીધે હાર્ટ એટેક (HeartAttack) આવતા વૃદ્ધનું ઈમિગ્રેશન કાઉન્ટર પર જ મોત (Death) થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ન્યૂયોર્કથી પત્ની સાથે મુંબઈ પહોંચેલા 80 વર્ષીય વ્યક્તિનું મુંબઈ એરપોર્ટના ઈમિગ્રેશન કાઉન્ટર પર અચાનક જ મૃત્યુ થયું છે. ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પત્ની સાથે આવેલા વૃદ્ધ વ્યક્તિએ ટિકિટ બુકિંગ સમયે બંને માટે વ્હીલચેર રિઝર્વ કરી હતી પરંતુ ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને માત્ર એક જ આપવામાં આવી હતી.
વ્હીલચેર વૃદ્ધ વ્યક્તિએ તેની પત્નીને વ્હીલચેર પર બેસાડી હતી અને લગભગ 1.5 કિલોમીટર ચાલીને ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર ભારતીય મૂળના યુએસ પાસપોર્ટ ધરાવતા એક વૃદ્ધ દંપતીએ ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-116માં ઈકોનોમી ક્લાસ ટિકિટ બુક કરતી વખતે વ્હીલચેર રિઝર્વ કરી હતી. બે વ્હીલચેર આરક્ષિત હતી. પરંતુ એરપોર્ટ પહોંચ્યા બાદ માત્ર એક વ્હીલચેર આસિસ્ટન્ટ આવ્યો હતો.
આસિસ્ટન્ટે એરપોર્ટ પર વ્હીલચેરની અછત વિશે વૃદ્ધને માહિતી આપી હતી. તેથી વૃદ્ધ પતિએ તેની વૃદ્ધ પત્નીને વ્હીલચેર પર લઈ જવાની આસિસ્ટન્ટને સૂચના આપી હતી અને તે પોતે લગભગ 1.5 કિલોમીટર દૂર આવેલા ઈમિગ્રેશન કાઉન્ટર તરફ ચાલતા ગયા હતા.
અહેવાલમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈમિગ્રેશન વિસ્તારની નજીક પહોંચ્યા બાદ વૃદ્ધ વ્યક્તિ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક મુંબઈ એરપોર્ટની મેડિકલ સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને નાણાવટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સોમવારે વૃદ્ધનું અવસાન થયું હતું.
રિપોર્ટમાં એરપોર્ટના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઈટમાં અન્ય ઘણા લોકોને પૂછવા છતાં પણ વ્હીલચેર આપવામાં આવી નથી. ખરેખર ફ્લાઇટમાં 32 લોકોએ વ્હીલચેર માંગી હતી પરંતુ ફ્લાઇટ એરપોર્ટ પર ઉતર્યા પછી ત્યાં ફક્ત 15 આસિસ્ટન્ટ વ્હીલચેર સાથે હાજર હતા. એક સૂત્રએ જણાવ્યું કે ન્યૂયોર્ક-મુંબઈ ફ્લાઈટ સવારે 11.30 વાગ્યે લેન્ડ થવાની હતી પરંતુ તે સોમવારે બપોરે 2.10 વાગ્યે મુંબઈમાં મોડી ઉતરી હતી.