SURAT

દિલ્હીની જેમ ખેડૂતો વિરોધ પ્રદર્શન ન કરે તે માટે સુરત અને ભરૂચ પોલીસે પહેલાં જ કર્યું આ કામ

સુરત(Surat) : છેલ્લાં ત્રણ ચાર દિવસથી દિલ્હીની (Delhi) બોર્ડર પર પંજાબના ખેડૂતોએ (Farmers) હંગામો મચાવ્યો છે. દિલ્હી કૂચ પર નીકળેલા ખેડૂતો વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે. જોકે, દિલ્હી પોલીસ ખેડૂતોને અંદર પ્રવેશવા દઈ રહી નથી ત્યારે આ ખેડૂતોના સમર્થનમાં આજે તા. 16 ફેબ્રુઆરીએ સુરતના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા રસ્તે ઉતર્યા હતા. જોકે, તેઓ વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેમને ડિટેઈન કરી લીધા હતા. બીજી તરફ ભરૂચ પોલીસે તો આગલી સાંજે જ ખેડૂત નેતાઓને નજરકેદ કરી લીધા હતા.

દિલ્હી હરિયાણાની બોર્ડર પર વિરોધ પ્રદર્શન (Protest) કરી રહેલાં ખેડૂતો સંગઠનોએ દેશવ્યાપી બંધના આપેલા એલાનના પગલે આજે સુરતમાં શાંતિપૂર્વક ધરણા કરવાનો કાર્યક્રમ સુરત જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા રાખવામાં આવ્યો હતો. “ભારત બંધ” ના એલાનના સમર્થનમાં શાંતિ પૂર્વક ધરણા કરવા આવે તે પૂર્વ જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં દેલાડ પાટિયા ખાતે થી પોલીસ દ્વારા સહકારી અને ખેડૂત આગેવાનો દર્શનભાઈ નાયક, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ,જ્યેન્દ્રભાઈ દેસાઈ, ડી.એલ.પટેલ, ભરતભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ડો.યોગેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌહાણ, જયેશભાઇ રાઠોડ, કૌશિકભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ, યોગેન્દ્ર પટેલ, પાર્થ સુરતી, વિવેક પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અંકુરભાઈ સુરતી, શબ્બીર મલેક સહિતના અગેવાનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

ડિટેઈન કરવામાં આવ્યા હોવા છતાં ખેડૂત આગેવાનો લડત માટે મક્કમ જણાયા હતા. આગેવાનોએ કહ્યું કે, સુરત જિલ્લાનાં ખેડૂતો પણ મક્કમતાથી પોતાના હક્ક માટેની લડાઈમાં દિલ્હી-હરિયાણા-પંજાબની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે છે. આગામી દિવસોમાં પણ ખેડૂતો યુનિયનો દ્વારા જે કોઈ કાર્યક્રમો આપવામાં આવશે તે મુજબ સુરત જિલ્લામાં પણ કાર્યક્રમ આપવામાં આવશે.

ભરૂચમાં ખેડૂત નેતાઓને નજરકેદ કરાયા
ભરૂચ-અંકલેશ્વર: શુક્રવારે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે શુક્રવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો.

ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોળા મહેન્દ્રસિંહ કરમરીયા સહિતના આગેવાનો દ્વારા ભારતબંધના એલાનને સફળ બનાવવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.શુક્રવારે સવારે અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો

ખેડૂતોની શું છે માંગણી?
દેશના ખેડૂતો દ્વારા એમ.એસ.પી.કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરોને પેંશન આપવા, જમીન સંપાદન કાયદો 2013 નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્ષ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામા આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગી કરણ બંધ કરવા સહિતની માંગો છે.

Most Popular

To Top