Comments

ભવ્ય જીત પછી લોકવિકાસનો રાહ

આવતાં ૧૫ વર્ષ પછી અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ જેવાં ગુજરાતનાં મુખ્ય શહેરો મુંબઈ શહેર જેવાં ગીચ નહીં હોય, પ્રદૂષણના કેન્દ્રિત પ્રશ્નો નહીં હોય, યુનિવર્સિટીમાં શિક્ષણની ભીડભાડ નહીં હોય. કારણ ૨૦૫૦ પોતાની સાથે ટેકનોલૉજી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને માનવ સંસાધનના વિકાસનો વિચાર લઈને આવનાર છે. ટ્વિસહસ્રાબ્દીની પ્રથમ ઉજવણી સમયે ટેલિફોન, કમ્પ્યૂટર અને ટી.વી.નું શ્રેષ્ઠ સંકલન મોબાઇલ ફોન માફક મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને હાથવગું હશે. ઉપરાંત ડાંમર કે સિમેન્ટના રસ્તાનો બદલે ઔદ્યોગિક બગાડ (રેસિડયુ) અને ઍગ્રોવેસ્ટમાંથી બનેલા રસ્તાઓ ઘર ઘર સુધી પહોંચી જતાં શહેરોની વસ્તી આસપાસના ૭૦-૮૦ કિલોમીટરમાં પથરાયેલી રહેશે. એટલું જ નહીં, પણ જી.એસ.એફ.સી., આઇ.પી.સી.એલ., ગુજરાત હેવી વોટર કે રિલાયન્સ જેવા એક જ સ્થળે ૪૦૦૦ થી ૧૨૦૦૦ લોકોને કામ આપતા ઉદ્યોગોના સ્થાને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્ટ્રિકટનો ખ્યાલ વ્યવહારુ અને વાયેબલ બની જતાં સીમિત પ્રદૂષણથી ઉત્પાદન પ્રક્રિયા વિકસિત હશે.

કમ્પ્યૂટરના ઑડિયો સોફટવેરમાં આવી રહેલ પરિવર્તન ભાષાના વાડાઓને વિખેરી નાંખશે. ઉપરાંત ડિસ્ટંટ એજ્યુકેશન સરળ રીતે ઉપલબ્ધ થતાં અભ્યાસ કરવા માગતા તમામ ઉંમરના જિજ્ઞાસુઓ દુનિયાના પ્રચલિત અને કામયાબ પ્રાધ્યાપક પાસેથી જરૂરી સમજ અને જ્ઞાન મેળવી શકશે અને આજનું યુનિવર્સિટીનું માળખું માત્ર સંકલન પૂરતું મર્યાદિત રહેશે. ભણવાનું ગમે કે ન ગમે પણ આદતના ભાગરૂપે શાળાની ચાર દીવાલો વચ્ચે ૩-૫ કલાકનો ભાર સહેવાને બદલે વિદ્યાર્થીઓ પોતાના માનીતા અધ્યાપકો પાસે ઘેર બેસી શિક્ષણ મેળવશે. આ શિક્ષકો પૈકી કોઈ બીજા રાજ્યનો હશે, તો કોઈ બીજા દેશમાં બેઠો હશે, છતાં વિદ્યાર્થી પોતાની મૂંઝવણ ઇન્ટરનેટના વેબ કૅમેરાથી જણાવી સંભવિત પ્રત્યુત્તર જોઈ શકશે પુનરાવર્તિત કરી શકશે, રેકોર્ડ કરી શકશે.

આવતાં ૨૭ વર્ષમાં નર્મદા નદીનાં પાણી સહિત ગંગા-યમુના અને સતલજ-બિયાસને ગ્રિડ દ્વારા સાંકળી લેવામાં આવશે. આથી ભારતની પડતર જમીન પુનઃનવસાધ્ય બનશે, એટલું જ નહીં પણ ટિશ્યુ કલ્ચર પદ્ધતિ અને જૈવિક રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખેતઉત્પાદનને ઉદ્યોગના સ્તર સુધી પહોંચાડતાં ૨૦×૧૦ મીટરના ટિનશેઈડમાં ભેજ નિયંત્રિત કરાતાં ઔદ્યોગિક ચીજવસ્તુઓ માફક એક સરખા વજન, કદ અને રંગ-સુગંધનાં ફળ, શાકભાજી અને ફૂલો મળતાં થશે. એકલી નર્મદા નદીનાં પાણીથી ગુજરાત વર્ષે રૂ.૧૪૦૦ કરોડનું જૈવિક ઉત્પાદન મેળવતું થશે.

ગણિતજ્ઞો માટે વસ્તીવિસ્ફોટના આંકડાની માયાજાળને બિરદાવવા કમ્પ્યૂટર મદદ કરે છે. પરંતુ સ્ત્રી-પુરુષના બદલાતા સામાજિક સંબંધો અને કુટુંબ નિયોજનની તકનીકના કારણે વસ્તીનિયંત્રણ પાછળની ફિલોસોફિ કે ઇકોનોમી બદલાવ લાવશે. શ્રમિક વર્ગ માટે જે સસ્તા પ્રકારના ઘઉં, ચોખા જુવાર અને બાજરી તૈયાર થાય છે તેના પ્રોટીન કન્ટેન્ટમાં જિનેટિક પરિવર્તન મુકાતાં વ્યક્તિની ફર્ટિલિટી સરળતાથી ઘટાડી શકાશે.

નવી સદીની સહુથી મોટી અસર વ્યક્તિ અને સમૂહના વર્તન ઉપર રહેશે. આજે વ્યક્તિ સમાજના વર્તનનો આધાર આર્થિક લાભ તરફી છે. પરંતુ આવતાં ૨૫ વર્ષમાં ન્યુરો સાઇન્સ અને જિનેટિકસ એંજિનિયરિગની અનેક દિશાઓ ખૂલી જતાં મૂલ્ય આધારિત સમાજ વ્યવસ્થાના સ્થાને બાયોનીડબેઈઝડ વિકાસ ગતિ પકડશે. આથી શહેરોમાં વર્ગભેદ નહીં હોય, ગામડું અને શહેર જેવા ભેદ નહીં હોય, તેમજ રોગ અને સ્વાસ્થ્યની પરિભાષા બદલાતાં પ્રાણીજગત માફક માણસને પણ ૫-૬ માસ સંપૂર્ણ સુષુપ્ત અવસ્થામા (હાઇબરનેશન)મા જઈ નવા ફૂલેવરથી કામ કરવા ફરી સમાજમાં આવી શકવાની સૌલત રહેશે.

ગુનેગારોને પ્રજાના ટૅકસના પૈસાથી એક સ્થળે સાચવી પુષ્કળ ખર્ચ કરવાના બદલે ગુનેગારોના પગ-હાથનાં મુખ્ય હાડકાના બોનમૅરોમાં ડિજિટલ ચિપ્સ મૂકી તેનું સેટેલાઇટથી મોનિટરિંગ કરવામાં આવશે. એટલું જ નહીં પણ ગુનેગાર પુનઃ ગુનાહિત કૃત્ય કરતો જણાશે તો રિમોટથી બાયોચિપ્સમાં શોર્ટ સર્કિટ કરી તેને શરીરથી નિષ્ક્રિય કરવામાં કે મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. પોલીસ અને લશ્કર જેવા વિભાગોમાં આમ જનતાના કરોડો રૂપિયા ન રોકાતાં કલોનથી તૈયાર થતા એક ઇન્દ્રિય જૈવિક એકમોને કોઈપણ જોખમી કામો સાથે માનવીય લાગણીને એક તરફ મૂકી સાધન તરીકે ખપમાં લેવાશે.

આજથી ૧૫૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર પ્રાણીઓ, જળચરો, વૃક્ષોનું સામ્રાજ્ય હતું. અને હવે વિજ્ઞાન અને ટેકનોલૉજીના આવિષ્કારે અનેક નવાં અસ્તિત્વોને આકાર આપ્યો છે. જેમ કે વાહનો, સંચારસાધનો અને માનવ રચિત વ્યવસ્થાઓ. પરંતુ સદીના અંતિમ દસકામાં ડી.એન.એ.ની ભાળ મળતાં એ સ્પષ્ટ થયું છે કે વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી તમામ ચીજવસ્તુઓમાં ૬૩ ટકા સામ્ય છે. આથી, નવી સદીના પહેલા ક્વાર્ટરમાં શકય છે કે કોઈ મકાન, કોઈ વાહન, કોઈ કાપડ કે વ્યવસ્થા સમાજના આરાધ્યદેવ હોઈ શકે. પ્રજામાં તેનું સ્થાન હોઈ શકે. છેલ્લાં ૧૫૦૦૦ વર્ષ તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે મનુષ્યજાતિના સામાજિક ગઠનમાં જેટલું નીતિશાસ્ત્ર અને તર્કશાસ્ત્રે યોગદાન આપ્યું છે તેથી અનેકગણું વધુ અને નકકર પ્રદાન અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને તકનીકે બહ્યું છે. જીવન પ્રત્યેના સમાધાન કે બાંધછોડ માટે તત્ત્વજ્ઞાને આજ્ઞાદીપ બની સમાજને તૂટી જતો રોકયો છે. પણ પુરુષાર્થ કરતા રહેવાની શક્તિ તો વિજ્ઞાન અને ટેકનોલૉજીએ જ આપી છે.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં સંચારમાધ્યમોએ અવકાશના ટૂંકા માર્ગે વિશ્વને નાનો પરિવાર બનાવી દીધો છે. ત્યારે આશા રાખીએ કે આવતાં ૨૫ વર્ષ દરમિયાન માણસ અને પ્રાકૃતિક સ્રોતોનો પરસ્પરનો સ્નેહ હર્યોભર્યો રહે. ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ન આપણને મળી ચૂકયો છે. પરંતુ તે ઝડપથી વિસ્તરે નહીં તે માટે વધુ વૃક્ષો, વધુ જળ સંગ્રહ અને નિમ્ન કાર્બન ફુટ પ્રિન્ટથી પર્યાવરણનો વિસ્તાર કરવો રહ્યો. ટિશ્યૂકલ્ચરનાં વિજ્ઞાન અને તકનીકથી સારી નસલનાં પરિપકવ વૃક્ષો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ બનશે. ત્યારે એક વ્યક્તિથી અનેક વૃક્ષનો સંકલ્પ સાધ્ય બનશે અને પૃથ્વી થોડાં વધુ હજાર વર્ષ સુધી આયુષ્ય ભોગવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top