નવી દિલ્હી: દેશમાં મોંઘવારીનો દર ભલે થોડો નીચે આવ્યો હોય, પરંતુ મોંઘવારીની અસર હજુ પણ દૂધ (Milk) પર પડી રહી છે. હાલમાં જ મધર ડેરીએ (Mother Dairy) ફુલ ક્રીમ દૂધના ભાવમાં (Price) વધારો કર્યો હતો. ત્યાર બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે શું હવે અમૂલ (Amul) પણ દૂધના ભાવ વધારશે. દૂધના ભાવ વધારવા અંગે એક મોટું અપડેટ (Update) સામે આવ્યું છે. કંપનીના એમડી આરએસ સોઢીએ આ મુદ્દે ઘણી વાત કરી છે.
જાણો ભાવ વધારવાની યોજના વિશે શું કહ્યું
મળતી માહિતી અનુસાર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના એમડી આરએસ સોઢીએ કહ્યું છે કે કંપની તેના દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે GCMMF માત્ર અમૂલ બ્રાન્ડનું સંચાલન કરે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષ સુધી અમૂલ દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. હવે ફરી તેની કિંમત વધવાની આશંકા વચ્ચે કંપનીનું આ નિવેદન સામાન્ય માસણોને રાહત આપનારું છે.
કંપની દરરોજ આટલું દૂધ વેચે છે
અમૂલનું દૂધ મુખ્યત્વે ગુજરાત સિવાય દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં સપ્લાય થાય છે. કંપની એક દિવસમાં 150 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે અને એકલા દિલ્હી-એનસીઆરમાં દૈનિક વપરાશ લગભગ 40 લાખ લિટર છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે ત્રણ વખત કિંમતોમાં વધારો કર્યા બાદ રાહત આપતા GCMMF MDએ કહ્યું છે કે ઓક્ટોબરમાં રિટેલ રેટમાં છેલ્લો વધારો થયો ત્યારથી, ખર્ચમાં વધારે વધારો થયો નથી.
છેલ્લે વધારો ક્યારે થયો હતો?
દેશની સૌથી મોટી ડેરી અમૂલે છેલ્લે ઓક્ટોબર 2022માં તેના દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ કંપનીએ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં અમૂલે કિંમતોમાં વધારો કર્યો હતો. અહીં એવું પણ જોવા મળ્યું કે એક કંપની દ્વારા ભાવ વધાર્યા બાદ બીજી કંપનીઓ પણ ભાવ વધારી રહી છે. આ જોતાં તાજેતરમાં મધર ડેરીનું દૂધ મોંઘું થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અમૂલ પર પણ ગ્રાહકો પર બોજ વધી શકે છે.