અમદાવાદ: દિલ્હી બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બવાળા ઈ-મેઈલ મળ્યા છે. અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા આ ઈ-મેઈલથી પોલીસ દોડતી થઈ ગઈ છે. જે સ્કૂલોને ધમકી મળી છે તે સ્કૂલો પર પોલીસે ડોગ અને બોમ્બ સ્કવોડને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું છે.
અમદાવાદના ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિત 13 સ્કૂલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે. તમામ સ્કૂલોમાં પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડે તપાસ કરી છે.
દિલ્હી બાદ અમદાવાદની સ્કૂલમાં ઈ-મેઈલ આવ્યા છે. આ ઈ-મેઈલ રશિયન સર્વર પરથી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ થયું છે. આ અગાઉ સુરતના વીઆર મોલમાં બોમ્બ મુકાયાના મેઈલ આવ્યા હતા.
એક મહિનામાં દેશમાં આ ત્રીજી ઘટના છે. સુરતના વીઆર મોલ અને દિલ્હીની સ્કૂલોમાં ધમકી પોકળ સાબિત થઈ હતી, પરંતુ ધમકીને નજર અંદાજ કરી શકાય નહીં. વળી, આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી હોય પોલીસ વધુ એલર્ટ થઈ છે અને ધમકીવાળી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે.
આ અગાઉ 5 દિવસ પહેલા દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એજ ઇ-મેઈલથી મોકલવામાં આવી હતી. આ ઇ-મેઈલ આજે સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે.
અમદાવાદની આ સ્કૂલોને ધમકી મળી
ચૂંટણીના એક દિવસ પહેલાં અમદાવાદની જે 13 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેમાં ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા, એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર, અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા , કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા , ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી, નરોડા ડી.પી.એસ, બોપલ , આનંદ નિકેતન, બોપલ, ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, આર્મી કેન્ટોન્મેન્ટ (કેન્દ્રીય વિદ્યાલય), એરપોર્ટ રોડ, નારાયણગુરૂ, એચબીકે સ્કૂલ અને ટર્ફ સકૂલ, નારણપુરા નો સમાવેશ થાય છે. આ સ્કૂલો પૈકી 9 સ્કૂલમાં મતદાન બૂથ , પોલિંગ બુથ છે. તેથી પોલીસની ચિંતા વધી છે.