Entertainment

આદિત્ય રોય કપૂરને મળી વધુ એક રોમેન્ટિક ફિલ્મ, હિરોઈનના નામ પર સસ્પેન્સ યથાવત

ટી-સીરિઝના બેનર હેઠળ અભિનેતા આદિત્ય રોય કપૂર વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્દેશક મિલાપ ઝવેરીએ પોતાની આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં આદિત્ય રોય કપૂરને મુખ્ય પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં આ ફિલ્મને લઈને ‘આશિકી 3’ બનવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે ફિલ્મ અલગ નામ સાથે દર્શકો સામે આવશે.સૂત્રો અનુસાર, ‘આશિકી’ ટાઇટલના હક્કોને લઈને નિર્માતા મુકેશ ભટ્ટે પોતાનો દાવો રજૂ કર્યા બાદ નિર્માતાઓએ ફિલ્મને નવા નામથી રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેથી આ ફિલ્મ ‘આશિકી 3’ નહીં હોય, પરંતુ સંપૂર્ણપણે અલગ ઓળખ સાથે રિલીઝ કરવામાં આવશે. નિર્દેશક મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે તેમની આગામી ફિલ્મ એક હિંસક મ્યુઝિકલ લવ સ્ટોરી હશે, જેમાં મુખ્ય પાત્ર ખૂબ જ જટિલ અને ભાવનાત્મક છે.

તેમના મતે આ પ્રકારના પાત્રને પડદા પર જીવંત કરવા માટે આદિત્ય રોય કપૂર કરતાં વધુ યોગ્ય અભિનેતા કોઈ નથી. ફિલ્મમાં અન્ય કલાકારો કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે અગાઉ એવી ચર્ચા હતી કે અભિનેત્રી શ્રીલીલા આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી શકે છે. હવે નિર્માતાઓ તરફથી અન્ય સ્ટારકાસ્ટની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.આદિત્ય રોય કપૂર અગાઉ પણ ‘આશિકી 2’, ‘મલંગ’, ‘ઓકે જાનુ’ અને ‘ધ નાઇટ મેનેજર’ જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની રોમેન્ટિક અને ઇન્ટેન્સ અભિનય માટે પ્રશંસા મેળવી ચૂક્યા છે. હવે તેમની નવી મ્યુઝિકલ લવ સ્ટોરીને લઈને ચાહકોમાં પણ ઉત્સુકતા વધી રહી છે.

Most Popular

To Top