Columns

રશિયાનો ૪૦ માઇલ જેટલો લાંબો લશ્કરી કાફલો કેમ કીવ સુધી પહોંચતો નથી?

યુદ્ધ સૈનિકોની સંખ્યાના આધારે નથી જીતાતું, પણ વ્યૂહરચનાને આધારે જીતાય છે. કાગળ ઉપર અને આંકડાઓની દૃષ્ટિએ રશિયન સૈન્યની સરખામણીમાં યુક્રેનનું સૈન્ય મગતરાં જેવું લાગે, પણ તેણે રશિયાના આક્રમણ સામે જે રીતે પ્રતિકાર કર્યો છે તે જોઈને દુનિયા દંગ રહી ગઈ છે.  રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તેને આઠ દિવસ પસાર થઈ ગયા છે, તો પણ રશિયાનું સૈન્ય યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવવામાં નિષ્ફળ ગયું છે. કબજો જમાવવાનું તો બાજુ પર રહ્યું, રશિયાનું લશ્કર હજુ સુધી કીવમાં પ્રવેશ પણ કરી શક્યું નથી. રશિયન એર ફોર્સનાં વિમાનો દ્વારા કીવ પર બોમ્બમારો કરવામાં આવે છે, પણ તેટલા માત્રથી કીવનું પતન થાય તે સંભવિત નથી. કીવ પર કબજો જમાવવો હોય તો રશિયાનું પાયદળ કીવમાં લાવવું પડે. તેમાં રશિયા થાપ ખાઈ ગયું છે.

અખબારી હેવાલો મુજબ રશિયાનો ૪૦ માઈલ લાંબો લશ્કરી કાફલો કીવ સર કરવા નીકળ્યો છે, પણ કોઈ અગમ્ય કારણોસર તે કીવથી ઉત્તરે ૧૫ માઇલ પર અટકી ગયો છે. આ કાફલામાં રશિયાના ૧૫,૦૦૦ સૈનિકો ઉપરાંત ટેન્કો, રણગાડીઓ, ટ્રકો, મિઝાઇલ લોન્ચિંગ સિસ્ટમ વગેરે છે. જો આ કાફલો કીવ સુધી પહોંચી જાય તો યુક્રેનના લશ્કર માટે પણ કીવનો બચાવ કરવો ભારે પડી જાય તેમ છે. કહેવાય છે કે કીવના સૈનિકો દ્વારા કાફલાના અગ્રભાગે રહેલાં કેટલાંક વાહનો તોડી પાડવામાં આવ્યાં છે, જેને કારણે કાફલો આગળ વધી શકતો નથી. વળી કાફલાનાં વાહનો કાદવમાં ખૂંપી ગયાં છે. અધૂરામાં પૂરું ૧૫,૦૦૦ના કાફલાને જે અનાજ, પાણી, ઇંધણ વગેરે જોઈએ તે પૂરાં પાડવામાં રશિયાની સરકાર મુશ્કેલી અનુભવી રહી છે. જે સૈનિકો કાફલામાં જોડાયા છે તેમને યુદ્ધનો કોઈ અનુભવ નથી. તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવાનો પણ અનુભવ નથી. જો યુક્રેનનું વાયુદળ આ કાફલા પર ત્રાટકે તો ‘સીટિંગ ડક’ની જેમ તેમનો નાશ થઈ જાય તેમ છે.

રશિયાનો ૪૦ માઇલ લાંબો કાફલો કીવ પર આક્રમણ કરવા ઉત્તરમાં બેલારુસના રસ્તે યુક્રેનમાં દાખલ થયો હતો. બેલારુસ ભૂતકાળમાં રશિયાનો ભાગ હતો, પણ અત્યારે તે સ્વતંત્ર દેશના રૂપમાં રશિયાની મદદ કરી રહ્યો છે. બેલારુસની સરહદથી કીવ નજીક હોવાથી રશિયાનો કાફલો બેલારુસના માર્ગે યુક્રેનમાં પ્રવેશ્યો હતો. અત્યારે તે કીવની ઉત્તરે ૧૫ માઇલના અંતરે આવેલાં રુજ્ઞા ગામની ઉત્તરે આવેલા જંગલમાં ફસાઈ ગયો છે. તેમાં હજારોની સંખ્યામાં ટ્રકો પણ છે, જેમાં સૈનિકો ઉપરાંત દારૂગોળો, ખોરાક, પાણી અને ઇંધણ ભરેલાં છે. રશિયાનાં વાહનો હુમલો ટાળવા માટે રસ્તા ઉપરથી ઊતરી ગયાં હોય તેનાં નિશાનો પણ સેટેલાઈટ ઇમેજમાં જોવા મળે છે. તેમણે કીવની ઉત્તરે આવેલા ગામમાં પોતાનું કામચલાઉ થાણું બનાવી લીધું હોય તેવું પણ જણાઈ રહ્યું છે. કદાચ તેમના ખોરાક-પાણી ખૂટી ગયાં હોવાથી કીવ પર હુમલો કરતાં પહેલાં તેઓ નવા પુરવઠાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે કીવમાં પ્રવેશ કરતાં પહેલાં રશિયન સૈન્ય તેને ચારે તરફથી ઘેરી લેવા માગે છે. પહેલાં તેઓ કીવને મળતો જીવનાવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દેશે. તેને કારણે લોકો ભૂખમરાનો ભોગ બનવા લાગે તે પછી તેઓ રાજધાનીમાં પ્રવેશ કરશે. જો રાજધાનીનું પતન થાય તો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સમક્ષ શરણે આવ્યા વિના કોઈ વિકલ્પ રહેશે નહીં. આ વિલંબ રશિયાની યુદ્ધનીતિનો ભાગ છે કે નબળાઈ છે? તેનો તાળો મેળવવો બહુ મુશ્કેલ જણાઈ રહ્યો છે.

ગયા મંગળવારે રશિયાનો કાફલો કીવથી ઉત્તરે ૧૭ માઇલના અંતરે આવેલા યુક્રેનના હવાઈ અડ્ડા હોસ્ટોમેલ નજીકથી પસાર થયો હતો. તેનો અર્થ થાય છે કે યુક્રેનનું હવાઈ દળ રશિયાના કાફલાની ઉપર ત્રાટકવાની ક્ષમતા ધરાવતું નથી. જો આ કાફલા પર ત્રાટકવા કોઈ માનવસંચાલિત વિમાન મોકલવામાં આવે તો રશિયાની ડિફેન્સ સિસ્ટમ તેને તોડી પાડ્યા વિના રહે નહીં. યુક્રેનનું વાયુદળ તેવું જોખમ ઉઠાવવા માગતું નથી. વળી યુક્રેન પાસે એવા ડ્રોન પણ નથી કે જે રશિયાના કાફલા પર ત્રાટકી શકે. કીવનાં નાગરિકોને પણ ખ્યાલ આવી ગયો છે કે રશિયાનું લશ્કર તેમની ખૂબ નજીક આવી ગયું છે. આ કારણે તેમણે સ્વબચાવમાં બંકરો ખોદવાના ચાલુ કરી દીધાં છે. કીવના રાજમાર્ગો પર આડશો ઊભી કરવામાં આવી રહી છે, જેથી રશિયાનું લશ્કર સહેલાઈથી આગળ વધી ન શકે. કીવની રક્ષા સૈનિકો ઉપરાંત નાગરિકો પણ કરી રહ્યાં છે.

૧૮ વર્ષથી વધુ ઉંમરનાં તમામ નાગરિકોને શસ્ત્રો આપી દેવામાં આવ્યાં છે. યુક્રેનના સૈનિકો પણ રહેણાંક વિસ્તારોમાં ગોઠવાઈ ગયા છે. રશિયા જો કીવ પર કબજો જમાવવા માગતું હશે તો તેણે નાગરિકોનો સંહાર કરવો પડશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું તેના બીજા દિવસે રશિયાના લશ્કરી કાફલાએ યુક્રેનમાં પ્રવેશ કર્યો હતો. અત્યારે તેનો દક્ષિણ છેડો એન્ટોનોવ એર પોર્ટ નજીક છે તો ઉત્તર છેડો ૬૫ કિલોમીટર દૂર આવેલા પ્રિબિસ્ક ખાતે છે. યુક્રેનનું સૈન્ય તેના પર જમીન માર્ગે ત્રાટકી રહ્યું છે. આ કાફલાને રોકવા માટે તેમણે અમેરિકા દ્વારા આપવામાં આવેલા જેવેલિન એન્ટી ટેન્ક મિઝાઇલનો ઉપયોગ કર્યો છે. આ મિઝાઇલ સૈનિક પોતાના ખભા પર રાખીને પણ છોડી શકે છે. આ મિઝાઇલને કારણે કાફલાની આગળ ચાલી રહેલાં વાહનો ખોટકાઈ ગયાં છે. રસ્તા પર બરફ અને કાદવ પડેલો હોવાથી પાછળનાં વાહનો રસ્તો છોડીને આગળ વધી શકતાં નથી. અમેરિકાના ગુપ્તચરોના હેવાલ મુજબ રશિયાના કાફલાએ આ પ્રકારની મુસીબતની કલ્પના નહોતી કરી. કીવમાં પ્રવેશ કરવાના ઉત્તરના રસ્તાના હાલહવાલ થતાં હવે રશિયા સમુદ્રના રસ્તે દક્ષિણથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. રશિયાએ કાળા સમુદ્રમાં આવેલું ખેરસોન બંદર કબજે કરી લીધું છે. રશિયા કાળા સમુદ્રને યુક્રેનથી કટ ઓફ કરી નાખવા માગે છે. ત્યાર બાદ સમુદ્રમાર્ગે પણ કીવ તરફ આક્રમણ લઈ જવાશે.

રશિયા યુક્રેન પર ચઢાઈ કરવા મહિનાઓથી તૈયારી કરી રહ્યું હતું. યુક્રેન તરફથી રશિયાના સૈન્યનો જે રીતે પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે, તેની કલ્પના રશિયાએ કરી નહોતી. રશિયાના જનરલો માનતા હતા કે તેઓ વધુમાં વધુ એક સપ્તાહમાં કીવ કબજે કરી લેશે. તેને બદલે આઠ દિવસ વીતી ગયા હોવા છતાં તેઓ કીવમાં પ્રવેશ પણ કરી શક્યા નથી. યુક્રેનના સૈનિકો દ્વારા રશિયાના એક મેજર જનરલની હત્યા કરી નાખવામાં આવી તેને કારણે પણ રશિયાના સૈનિકોનું મનોબળ નબળું પડી ગયું છે. યુક્રેનમાં આગળ વધવામાં આટલી બધી મુશ્કેલી પડશે, તેની તેમને કલ્પના પણ નહોતી કરી. હવે તેઓ નબળાં આયોજન માટે રશિયાની સરકારને દોષ દઈ રહ્યા છે. રશિયાના લશ્કરને યુદ્ધનો કોઈ અનુભવ નથી. તેમને રશિયાની સરકાર સામે પણ અનેક ફરિયાદો છે.યુક્રેનમાં ફસાઇ ગયેલાં ભારતીય નાગરિકોને વતન પાછાં લાવવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા મિશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખારકીવથી સમાચાર આવ્યા છે કે યુક્રેનના લશ્કર દ્વારા ભારતનાં ૩,૦૦૦ વિદ્યાર્થીઓને બંધક બનાવીને રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યાં છે. આ સમાચાર બીજા કોઈ નહીં, પણ રશિયાના પ્રમુખ પુતિન દ્વારા આપવામાં આવ્યા હતા. ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા દ્વારા આ સમાચારને રદિયો આપવામાં આવ્યો છે, પણ ખારકીવમાં રેલવે સ્ટેશન પર ૩,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે તે હકીકત છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top