આ વિશ્વમાં અનેક અચરજો છે જેમકે આકાશને થાંભલા નથી. પૃથ્વી સ્થિર અનુભવાય છે પણ કહે છે તે સૂર્યની ફરતે અવિરત પ્રદક્ષિણા કરતી રહે છે. કાદવમાં કમળ ખીલે છે. સૌથી વધારે પાણી દરિયામાં હોય છે પણ તે ખારાશવાળું હોય છે. ચંદ્રમાના સૌંદર્ય પર અનેક કવિતાઓ લખાય છે પણ ત્યાં પણ ખાડા ટેકરાઓ જોવા મળ્યા છે. પુષ્પોમાં સુગંધ ફળોમાં રસ કેવી રીતે સમાય છે. અરે નાળિયેરી બહુધા દરિયાકિનારે જોવા મળે છે છતાં શ્રીફળમાં મીઠું પાણી રહેલું હોય છે. આમ પ્રકૃતિમાં અનેક અચરજો નિહાળવા મળે છે. ત્યારે કોઇક અનુભવીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સૌથી મોટું અચરજ તો ખુદ માણસ પોતે જ છે. માણસની નજર સામે જે સગાં વહાલાં દવલાં ગમતાં અણગમતાં માણસોને મૃત્યુએ વિદાય કરી દીધા છે છતાં માણસ નિહાળ્યા પછી પણ પોતે કયારેય મૃત્યુ પામવાનો જ નથી. એ રીતે પોતાનું જીવન વ્યતીત કરતો જોવા મળે છે. ખરેખર વાતમાં તથ્ય છે કે સૌથી મોટું આ પૃથ્વી પર જો કોઇ અચરજ હોય તો તે ખુદ મનુષ્ય પોતે જ છે.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગાંધીજી સાથે યાદ આવે છે મહાદેવ દેસાઇ
હાલમાં ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એ પ્રસંગને અનુરૂપ મહાદેવભાઇ દેસાઇ વિશે કેટલીક માહિતી આપવા માંગું છું. તેમની વિદાયના ગયા ઓગષ્ટમાં એંસી વર્ષ થયાં. ગાંધીજીના અંગત સચિવ – રહસ્યમંત્રી મહાદેવભાઇ દેસાઇ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામના વતની હતા. મહાદેવભાઇ દેસાઇનો જન્મ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં થયો હતો. સરસ ગામના કુંભારફળિયામાં જે ઘરના ઓરડામાં મહાદેવભાઇનો જન્મ થયો હતો તે ઘર અને ઓરડો આજે પણ સરસ ગામે મોજૂદ છે.
તો થાય કે ગાંધીજયંતી સાથે તેમને પણ યાદ કરીએ. મહાદેવભાઇ દેસાઇના પિતા સરસ ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જે શાળામાં મહાદેવભાઇના પિતા નોકરી કરતા હતા તે શાળા પણ છે. સરસ ગામમાં સિધ્ધનાથ મહાદેવનું જોવાલાયક એક પ્રાચીન મંદિર આવેલું છે. ઓલપાડમાં ત્રણ દિવસ માટે ગાંધીમેળો યોજાયો હતો. આ ગાંધીમેળામાં મહાદેવભાઇ દેસાઇના પુત્ર નારાયણભાઇ દેસાઇ પણ આવ્યા હતા. તેમણે સરસ ગામની મુલાકાત લીધી હતી. તે વખતે એમની સાથે હું પણ મહાદેવભાઇ દેસાઇનું જન્મસ્થળ જોવા ગયો હતો. એમણે જણાવ્યું હતું કે મહાદેવભાઇનો જન્મ સરસમાં જ થયો હતો. નારાયણભાઇએ જણાવ્યું હતું કે જયારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે એમનાં દાદા દાદીએ ગર્ભસ્થ બાળકનું નામ નકકી કરી રાખ્યું હતું.
દાદા દાદીએ સરસના મહાદેવની માનતા માની હતી કે જો પુત્ર અવતરે તો મહાદેવ નામ રાખવું અને પુત્રી અવતરે તો પાર્વતી નામ રાખવું. અને પુત્રનો જન્મ થવાથી તેમનું નામ મહાદેવભાઇ રાખવામાં આવ્યું હતું. નારાયણભાઇ દેસાઇએ એમના દાદા જે પ્રાથમિક શાળામાં ભણાવતા હતા તે શાળાની મુલાકાત પણ લીધી હતી. બધા નેતાઓમાં મહાદેવભાઇ દેસાઇનું ગાંધીજી કહ્યું વધુ માનતા હતા. તેઓ ગાંધીજીનો જમણો હાથ હતા. આમ આપણા જિલ્લાના નેતાઓએ દેશની આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે એમને કોટિ કોટિ વંદન.
સુરત – ભગુભાઇ બી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.