હથોડા: કોસંબાના સાવા નજીક નેશનલ હાઇવે પર બગડેલી ટ્રક સાઈડ પર મૂકી રિપેરિંગ કરવામાં આવી રહી હતી ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પોએ એકને અડફેટે લીધા બાદ ધડાકાભેર ટ્રકની પાછળ અથડાતાં એકનું મોત થયું હતું. જ્યારે ટેમ્પોનો ડ્રાઇવર પણ કેબિનમાં દબાઈ જતાં મોત મોતને ભેટ્યો હતો.
- છોટા ઉદેપુરથી રેતી ભરીને કડોદરા ખાલી કરી પરત થતી ટ્રક બંધ પડી ગઈ હતી
- ડ્રાઈવર અને ક્લીનર હાઈવેની સાઈડ પર ટ્રક ઉભી કરી રિપેરિંગ કરતા હતા
- પૂરપાટ ઝડપે દોડતો ટેમ્પો અથડાયો અને બેના મોત થયા
ઘટનાની વિગત એવી છે કે છોટા ઉદેપુરથી રેતી ભરીને કડોદરા ખાલી કરી પરત થતી વખતે સાવા ગામની હદમાં હાઇવે પર ઓવરબ્રિજના છેડા પાસે જીજે 16 એવી 4200 નંબરની ટ્રક બગડી ગઈ હતી. આ ટ્રક સાઈડમાં મૂકી ટ્રકચાલકે નજીકમાં ધામડોદ ખાતે આવેલા રેતીના પ્લાન્ટ ઉપર બગડેલી ટ્રક અંગે જાણ કરી હતી.
આથી પ્લાન્ટ પરથી ધવલભાઈ ધનજીભાઈ દુધાત તથા મિતેશભાઇ તાનસિંગભાઈ ડામોર ઘટના સ્થળે આવ્યા હતા અને ટ્રકની પાછળના ભાગે રિફ્લેટર, ટાયર તથા પથ્થરોની આડસ મૂકી ટ્રકનું રિપેરિંગ કરતા હતા અને રોડ ઉપર ટ્રાફિક હોવાથી ધામડોદ ખાતેથી રેતીના પ્લાન્ટ પરથી આવેલા ધવલભાઈ ટ્રકની પાછળના ભાગે ઊભા હતા.
એ વેળા અચાનક હાઇવે પરથી પાછળના ભાગેથી જીજે 23 એટી 2171 નંબરનો ટેમ્પોચાલક મહેન્દ્રકુમાર લાલજીભાઈ ગૌતમ ધસી આવ્યો હતો. જેણે ટેમ્પોના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકની પાછળ ઊભા રહેલા ધવલભાઈને અડફેટે લઈ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવી દીધો હતો. આ બનાવમાં ધવલભાઈ તથા ટેમ્પોચાલક મહેન્દ્ર ગૌતમ કેબિનમાં દબાઈ જતાં બંનેનાં મોત થયાં હતાં. આ બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતાં કોસંબા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.