Sports

IPLના શરૂઆતના તબક્કામાં બેન સ્ટોક્સ માત્ર સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે જ રમશે

મુંબઇ : ઇંગ્લેન્ડની (England) ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ના શરૂઆતના તબક્કામાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) માટે એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે જ રમશે. 16.25 કરોડનો ખર્ચ કરીને ચાર વારની આઇપીએલ ચેમ્પિયન સીએસકેએ આ ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તે 31 માર્ચથી શરૂ થતી ટૂર્નામેન્ટની તૈયારી માટે ગત સપ્તાહે જ ભારત (India) આવી પહોંચ્યો હતો.

  • ડાબા ઘૂંટણમાં થયેલી ઇજાને કારણે બોલિંગ ન કરવાના બેન સ્ટોક્સના નિર્ણયથી ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝાટકો
  • 16.25 કરોડમાં ખરીદાયેલો બેન સ્ટોક્સ આઇપીએલના છેલ્લા તબક્કા દરમિયાન એશિઝની તૈયારી માટે ઇંગ્લેન્ડ પરત ફરશે
  • બેન સ્ટોક્સ 31 માર્ચથી શરૂ થતી ટૂર્નામેન્ટની તૈયારી માટે ગત સપ્તાહે જ ભારત (India) આવી પહોંચ્યો હતો

ઇએસપીએન ક્રિકઇન્ફોના એક અહેવાલ અનુસાર રાજસ્થાન રોયલ્સ અને રાઇઝીંગ પુણે સુપરજાયન્ટ્સ વતી ભૂતકાળમાં આઇપીએલ રમી ચુકેલા બેન સ્ટોક્સે પોતાના ડાબા ઘૂંટણમાં થયેલી ઈજાને કાબૂમાં લેવા માટે માત્ર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે જ રમવાનો નિર્ણય કર્યો છે. પોતાની ઇજા માટે સ્ટોક્સ કોર્ટિસોન ઇન્જેક્શન લઇ રહ્યો છે. સીએસકેના બેટીંગ કોચ માઇકલ હસીએ પુષ્ટિ કરી હતી કે આઇપીએલની શરૂઆતમાં સ્ટોક્સ બોલિંગ નહીં કરે.

ઇંગ્લિશ ઓલરાઉન્ડરે વર્ષોથી તેની ઇજાને શાનદાર રીતે મેનેજ કરી છે. જો કે, સ્ટોક્સની આ ઈજા ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સીરિઝમાં ફરી સામે આવી હતી અને તે બે ટેસ્ટમાં માત્ર 9 ઓવર જ ફેંકી શક્યો. આ સાથે છેલ્લી ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે પણ તે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. બીજી નોંધપાત્ર વાત એ છે કે, બેન સ્ટોક્સે પહેલાથી જ પુષ્ટિ કરી દીધી છે કે તે આઇપીએલના છેલ્લા તબક્કા માટે ઉપલબ્ધ રહેશે નહીં. સ્ટોક્સ આયર્લેન્ડ વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ રમવા માટે સ્વદેશ પરત ફરશે અને ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ સંભાળશે. આ પછી સ્ટોક્સ એશિઝ સીરિઝની તૈયારી કરશે.

Most Popular

To Top