આણંદ તા.23
કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના નાક – કાન – ગળા વિભાગ ખાતે 28 વર્ષના યુવાનના પીટ્યુટરી ગ્રંથીની ગાંઠને ડોક્ટરની ટીમ દ્વારા સર્જરી કરીને દુર કરવામાં આવી હતી. આ સર્જરી ખૂબ જ જટિલ હતી. પરંતુ આ સેન્ટરના કુશળ સર્જન્સ તથા નાક – કાન – ગળા વિભાગના ડોક્ટર્સની ટીમના સામુહિક પ્રયત્નોને લીધે દર્દીની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
આણંદના વતની એવા 28 વર્ષના યુવાનને માથામાં દુઃખાવાની સાથે ધીરે ધીરે આંખમાં દેખાવાનું ઓછું થયું હતું. નાકમાંથી લોહી નિકળવાની તકલીફ હતી. શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદના નાક – કાન – ગળા વિભાગ ખાતેના સિનિયર સર્જન ડો. ગિરિશ મિશ્રા અને ડો. સચિન પટેલે દર્દીને તપાસતાં મગજમાં ગાંઠ જણાઇ હતી. જે નાક સુધી ફેલાયેલી હતી તથા આંખની નસ (ચેતા)ને દબાવતી હતી.
ડો. ગિરિશ મિશ્રા અને ડો. સચીન પટેલના જણાવ્યાનુસાર, આ ગાંઠ મગજની મુખ્ય નળી પાસે અને આંખની ચેતના પર પડકારરૂપ સ્થાન ધરાવતી હોવાથી શસ્ત્રક્રિયા સમયે ગંભીર રક્તસ્ત્રાવની શક્યતાઓ હતી. તેને લીધે સર્જરી વધુ જટિલ હતી. પરંતુ નિષ્ણાંત સર્જનોની કુશળતા અને ટીમના સામૂહિક પ્રયત્નોને કારણે આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી હતી. ઓપરેશન પછી દર્દી દુઃખાવામુક્ત છે તથા તરત જ દર્દીને દ્રષ્ટિ પરત મળી છે. આ પ્રક્રિયા એન્ડોસ્કોપી હાઈપોફિસેક્ટોમી (દૂરબીનની મદદથી નાક દ્વારા મગજની ગાંઠ દૂર કરવી) દ્વારા કરવામાં આવી હોવાથી દર્દીના શરીર પર કોઇ પણ પ્રકારના ટાંકા અથવા ડાઘા આવતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્જરીને સફળ બનાવવા માટે ડો. અલ્પા પટેલ અને ડો. સંકેતન મહેતાની એનેસ્થેસિયા ટીમે અથાક પ્રયત્ન કર્યો હતો. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ આવા સફળ ઓપરેશન અને પડકારરૂપ સર્જરી માટે અદ્યતન તબીબી સુવિધાઓ ધરાવે છે. દર્દીને યોગ્ય સાર સંભાળ પુરી પાડવામાં આવે છે. જે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનું ચિહ્ન છે.