SURAT

મગદલ્લામાં મધદરિયે મોટી દુર્ઘટના ટળી, ભારે પવનના લીધે ક્રેન તૂટી

શહેરની મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. 60 કિ.મી.થી વધુ ઝડપે ફૂંકાતા ભારે પવનના લીધે અહીં એક જહાજ હિલોળા ખાવા લાગ્યું હતું. લહેરો પર રમકડાંની જેમ શિપ હાલકડોલક થઈ રહ્યું હતું. દરમિયાન જહાજ સાથે એક ક્રેન હતી તેનો એક ભાગ ભારે પવનના લીધે તૂટીને દરિયામાં પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરની શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેનનો આગળનો ભાગ તુટીને દરિયામાં પડ્યો છે. સોમવારે સવારે પ્રતિ કલાક 60થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ભારે પવનના લીધે વજનદાર ક્રેન હિલોળા ખાવા લાગી હતી અને અચાનક એક ભાગ તુટીને દરિયામાં પડ્યો હતો.

જોકે, મગદલ્લા જેટી ત્રણ દિવસથી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી પણ બંધ હતી, તેથી કોઈ જાનહાનિ કે અન્ય અનિચ્છનીય ઘટના બની નહોતી. આ સમગ્ર ઘટના મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. રિપોર્ટના આધારે કસૂરવાર સામે પગલાં લેવાશે.

ક્રેન તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં GMBએ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. મેરીટાઇમ બોર્ડના રિપોર્ટ બાદ જે કોઈ કસૂરવાર ઠરશે, તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top